નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચકચારિત હત્યા કેસમાં હાઈકોર્ટે 3 જેલર સહિત મુખ્ય કાવતરાખોર ગોવા રબારીને નિર્દોષ જાહેર કર્યા છે. હત્યાના 17 વર્ષ બાદ આ કેસના ચાર લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.
વર્ષ 2005માં અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સવારના સમયે બેરેક નંબર 6ની અંદર ચેતન પટેલની તિક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેનું મોત નીપજયું હતું. આ ગુનામાં સંડોવાયેલા 11 લોકોને 2012માં અમદાવાદ સેશન્સ કોર્ટે ગુનાહિત કાવતરું રચવા માટે દોષિત જાહેર કર્યા હતા.
હત્યા કેસમાં મુખ્ય કાવતરાખોર તરીકે ગોવા રબારી ઉપરાંત સબ જેલર ભીખા રબારી, જેલર ધ્રગપાલસિંહ ચૌહાણ અને જેલર ઈશ્વર સોનારાને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. જેલ અધિકારીઓએ પર જેલની અંદર હથિયાર રાખવા બાબતે પરવાનગી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
હત્યા કેસમાં દોષિત ઠહેરલા 11 લોકોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે હત્યા કેસમાં સજા ભોગવી રહેલા ત્રણ જેલ અધિકારીઓને નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, જેલ પરિસરમાં કોઈક રીતે હથિયારો પ્રવેશ્યા હતા, પરંતુ તે માટે જેલ પરિસરમાં ફરજ બજાવતા અધિકારીઓને જવાબદાર ઠેરવી શકાય નહીં અથવા વધુમાં વધુ, વિભાગીય બાજુથી તપાસ થઈ શકે છે. ગોવા રબારી અંગે હાઈકોર્ટે કહ્યું હતું કે, ફરિયાદી એ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયું કે ગોવા ગુનાના કાવતરાખોરોમાંનો એક હતો. ગોવા રબારી ઘટનાની તારીખ પહેલા ત્રણ મહિના સુધી તબીબી સારવાર લઈ રહ્યો હતો અને ગુનાની તારીખે તે જેલ પરિસરમાં જ નહોતો.
![]() |
![]() |
![]() |











