Monday, June 1, 2026
HomeGeneralNews Makers of news room: મનોજ મૌર્ય - The Allrounder

News Makers of news room: મનોજ મૌર્ય – The Allrounder

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: એક સમય એવો હતો કે અદાણીએ જેટલા ઉધોગોમાં ઝંપલાવ્યું હતું એથી વધુ ઉધોગોમાં મનોજ મૌર્ય હાથ અજમાવી ચૂકયો હતો! એના સ્થાયી બે જ ભાવ રહેતા અનુકંપા અથવા આંત્રપ્રિન્યોરશિપ- કયાં તો એ કોઈ સેવાકીય પ્રવૃતિમાં ગળાડૂબ પડેલો હોય અથવા કોઈ નવો બિઝનેસ શરૂ કરતો હોય. આમ જૂઓ તો મન કી બાત મોદી એ શરૂ કરી એ પહેલાં મૌર્યએ મન (કુમાર) કી બાત શરૂ કરેલી!

ભારતમાં મૌર્ય યુગ એક હતો, અમારા ન્યૂઝ પેપરમાં મૌર્ય યુગ બે વાર આવેલો! મનોજ એકટીવીટીનો માણસ હતો, અમે જયારે સ્કૂલ્સમાં ટ્રાફિકનું અભિયાન ચલાવતા હતા ત્યારે સેંકડો કે હજારો વિધાર્થીઓને મનોજ મૌર્ય ઉદાહરણો, દાખલા દલીલો કે શેરો શાયરીઓ અને સ્વરચિત કવિતાઓ વડે મંત્ર મુગ્ધ કરી નાંખતો! એની સાથે પ્રતીક ભટ્ટ જતો અને મનોજની વકતૃત્વ કળાના ભરપૂર વખાણ કરતો અને આજે પણ કરે છે. પ્રતીકના વિવિધ “અહેવાલ” પરથી તત્કાલીન એડીટર એવું માનતો કે એણે નહીં સાંભળેલા સર્વ શ્રેષ્ઠ વકતાઓ પૈકીનો મનોજ એક છે!

- Advertisement -



એક વાર અમારા એક અત્યંત વરિષ્ઠ એડીટરે મનોજને પુછેલું “ તુમ કયા કરતે હો?” મનોજે એની પ્રવૃતિઓ અને શકિતઓનું લિસ્ટ ગણાવવાનું શરૂ કર્યું, એ હજુ તો અડધે પહોંચે ત્યાંતો એમને લાગ્યું કે હવે એમની ખુરશી ખતરામાં છે! જો કે મનોજને ખુરશીઓનો મોહ કયારેય હતો નહીં,
ન્યૂઝ રૂમમાં “ન્યૂઝ” બનવા માટે મનોજને કશું બોલવાની પણ જરૂર રહેતી નહી. “સિનિયર કભી સાઘારણ નહીં હોતા”ની ફિલસૂફીમાં માનતા ક્રાઈમ રિપોર્ટરની સામે એ બેસતો. એક વખત થયું એવું કે ક્રાઈમ રિપોર્ટર કોઈ સ્ટોરીને લઈને ચિંતામાં હતો, થોડી વારે એને લાગ્યું કે મનોજ એની સામે ઉપહાસભરી રીતે જોઈ રહ્યો છે, એટલે એણે સંપૂર્ણ કરડાકીથી મનોજને દબડાવ્યો કે “કેમ સામે શું જુએ છે?” મનોજ કવિ ખરો પણ જરૂર પડે યુક્રેનના કોમેડિયન ટર્ન્ડ પ્રેસિડેન્ટ કરતાં પણ વધુ મક્કમ થઈ જતો!

એટલે એણે એટલી જ તોછડાઈથી જવાબ વાળ્યો! બે સેકન્ડમાં જ ભડકો થવો સ્વાભવિક હતો! બંને પક્ષે ધમકીઓ અપાવા માંડી, મામલો મર્ડર સુધી પહોંચી ગયો. “રશિયા” “યુક્રેન” પર આક્રમણ કરી દે એવી સ્થિતિ આવી ગઈ પણ સદનસીબે અમારા ન્યૂઝ રૂમનું “ નાટો” અમેરિકાના નાટો જેટલું નબળું નહોતું એટલે સમયસરની દરમિયાનગીરીથી મામલો થાળે પડયો છતાં એ પછી પણ થોડો સમય સુધી મનોજ કવિતાઓના બદલે “હું કોઈથી ડરતો નથી” જેવા શૌર્ય સભર વિધાનો કરતો રહેલો!

- Advertisement -



લોકોને મદદ કરનારા પત્રકારોમાં બે સૌથી આગળ રહે, સંસ્થાકીય પ્રવૃતિમાં મનોજ મૌર્ય અને વ્યકિતગત સ્તરે પ્રશાંત દયાળ! પોતાને અંગત જરૂર હોય ત્યારે મદદ માંગતા એમની જીભ ન ઉપડે પણ બીજાને મદદ કરવાની હોય ત્યારે તમારી સાથે લડી પડતાં પણ અચકાય નહીં. કોરોનાના લોકડાઉન વખત લાંબો સમય મનોજે જરૂરિયાતમંદોને ખીચડી વિતરણનું કાર્ય કરેલું. આના માટે ઘણા રીસોર્સ જોઈએ, સેવાકીય પ્રવૃતિ માટે રીસોર્સ એકત્ર કરવાની મનોજની શકિતનું એ પ્રમાણ હતું!

ન્યૂઝરૂમમાં ભાગ્યે જ કોઈ એને “મનોજ” કહેતું! મૌર્ય (જયારે બોલાવનાર શાંત હોય), મૌર્યા (જયારે બોલાવનાર અકળાયેલો હોય) અને એ મોરીયા (બોલાવનાર અત્યંત અકળાયેલો હોય) આવા સંબોધનો થતાં રહેતા પણ મનોજ શાંતિથી, સ્મિત સાથે વાતો કરતો રહેતો.

- Advertisement -

આજે પણ જો કોઈને કયાંય ખરેખર જરૂર છે એવું મનોજને લાગે તો એ હાથમાં હોય એ પ્રવૃતિ છોડીને મદદ કરવા દોડી જશે એમાં કોઈ શંકા નથી.

એડીટરે માણસોમાંના પત્રકાર ઘણા જોયા છે મનોજ પત્રકારોમાંનો “માણસ” છે!

(પ્રણવ ગોળવેલકરની ફેસબુક વોલ ઉપરથી આભારસહ)





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular