નવજીવન ન્યૂઝ.અમદાવાદ:આજે ગુજરાતનું 2.44 લાખ કરોડનું બજેટ નાણામંત્રીએ પહેલી વખત રજુ કર્યું. વિધાનસભામાં આ બજેટની જાહેરાત સાથે ધડાધડ બેન્ચ પછડાઈ અને એવું જ નેતાઓએ પણ સમર્થન આપ્યું. જોકે સામાન્ય વ્યક્તિને આ બજેટ સમજવું કેવી રીતે, મતલબ કે આ બજેટ ખરેખર કેવું છે તેનો સરળ શબ્દોમાં અર્થશાસ્ત્રી પ્રોફેસર હેમંતકુમાર શાહે વર્ણન કરતાં આ બજેટને દેવા વધારા અને ગુજરાતના માનવીનો વિકાસ જ્યાં છે ત્યાં જ રહેશે તેવું બતાવ્યું છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર પણ તે વર્ણન મુક્યું છે.
અહીં આવો જાણીએ કે પ્રોફેસર શાહે કઈ કઈ બાબતો પર પ્રકાશ પાડ્યું છે. તેમણે લખ્યું છે કે, “હકીકતમાં આ બજેટમાં લગભગ કશું જ નવું નથી. થોડાઘણા ફેરફારો અને ફાળવણીમાં નાના મોટા વધારા સિવાય કશી જ નવીનતા બજેટમાં દેખાતી નથી. એમ કહેવામાં આવે છે કે આ બજેટ ચૂંટણી લક્ષી છે પણ કાશ, એવું હોત તો પણ સારું થાત. ₹ ૧૦૦૦ કરોડની જોગવાઇ ધાત્રી માતાઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે વધુ કરી અને નિવાસી શાળેય બાળકો માટેના ખર્ચમાં વધારો કર્યો તે વિના સહેજે કોરોના પીડિત સામાન્ય વર્ગ માટે રાહતો દેખાતી નથી.
ગયા વર્ષે બજેટ ₹ ૨.૨૭ લાખ કરોડનું રજૂ થયું હતું. હવે તે ₹ ૨.૪૪ લાખ કરોડનું રજૂ થયું છે. એટલે કે બજેટમાં ૭.૪૯ ટકાનો વધારો થયો કહેવાય. ફુગાવાનો દર જો પાંચથી છ ટકાનો ગણવામાં આવે તો વાસ્તવિક વધારો માત્ર દોઢ કે અઢી ટકાનો જ થયો.
શિક્ષણ માટેના ખર્ચમાં ૬.૬૨ ટકાનો વધારો થયો છે. જો ફુગાવાનો દર ૫ કે ૬ ટકાનો ગણાય તો કોઈ વાસ્તવિક વધારો થયો ન કહેવાય. રાજ્યની જીડીપીના માત્ર ૧.૭૪ ટકા ખર્ચ અંદાજવામાં આવ્યો છે કે જ્યારે ૨૦૨૦ની નવી શિક્ષણ નીતિ છ ટકા કહે છે. શિક્ષણની સ્થિતિ કેવી રીતે સુધરશે? ખાનગીકરણની ઝડપ વધશે જ. એ જ રીતે, આરોગ્ય માટેના બજેટમાં ૮.૧ ટકાનો વધારો થયો. જો ફુગાવાનો દર ૫ કે ૬ ટકા ગણાય તો વાસ્તવિક વધારો માત્ર ૨ કે ૩ ટકાનો જ થયો. ૨૦૧૭ની આરોગ્ય નીતિ કહે છે કે બજેટમાં આઠ ટકા કરતાં વધુ ખર્ચ આરોગ્ય માટે કરવું. પણ જોગવાઈ છે માત્ર ૫.૦૨ ટકા. આમ, આંકડા મોટા દેખાય, પણ વાસ્તવિક વધારો આ બંને ક્ષેત્રે બહુ જ નગણ્ય છે.
નવા કરવેરા બજેટમાં નાખ્યા નથી. પણ તેથી કરવેરાનો બોજો ઘટવાનો છે એવું નથી. ચાલુ વર્ષે રાજ્ય સરકારના કરવેરાની આવક સુધારેલા અંદાજ મુજબ ₹ ૧,૦૫,૩૩૧ કરોડ છે. હવે આગામી વર્ષે ₹ ૧,૧૯,૮૯૮ કરોડ અંદાજવામાં આવી છે. તેનો અર્થ એ છે કે ગુજરાતના લોકો આગામી વર્ષે ₹ ૧૪,૫૬૭ કરોડની વધુ રકમ કરવેરા સ્વરૂપે ચૂકવશે. એટલે કરવેરામાં રાહત મળી છે એ વાતમાં બહુ દમ નથી.
બજેટ દેખીતી રીતે પુરાંત વાળું છે કારણ કે મહેસૂલ ખાતે પુરાંત છે પરંતુ સરકારની રાજકોષીય ખાધ જોરદાર વધી છે. ચાલુ વર્ષે સુધારેલા અંદાજ મુજબ એ ₹ ૨૯,૨૭૧ કરોડ છે અને આગામી વર્ષે એ ₹ ૩૬,૧૧૩ કરોડ અંદાજવામાં આવી છે. આમ, રાજકોષીય ખાધ ₹ ૬૮૪૨ કરોડ જેટલી વધી છે. એ જ રીતે, ચાલુ વર્ષે સરકારનું દેવું ₹ ૩.૨૧ લાખ કરોડનું છે અને તે વધીને ₹ ૩.૫૦ લાખ કરોડનું થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એટલે કે, દેવું ₹ ૨૯,૦૦૦ કરોડ જેટલું વધશે. સરકાર શાને માટે આટલું બધું દેવું લઈ રહી છે એ સમજાતું નથી.
વળી, વ્યવસાય વેરામાં જે રાહત આપવામાં આવી છે તે ₹ ૧૯૮ કરોડની છે અને તે રાહત ૧૫ લાખ લોકોને મળશે એવો અંદાજ છે. એટલે આમ જુઓ તો આખા વર્ષમાં એ રાહત માત્ર ₹ ૧૩૨૦ની જ થઈ. ખરેખર તો ધનવાન લોકો પર વધુ વ્યવસાય વેરો નાખવાની અને ગરીબોને તેની આવકમાંથી વધુ રાહતો આપવાની જરૂર હતી, કારણ કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ ૮૮ ટકા લોકો ગરીબ છે અથવા તો તેઓ ગરીબીની બહુ નજીક છે કારણ કે સરકારે એમને કોરોના કાળમાં મફત અનાજ આપ્યું છે. ટૂંકમાં, આ બજેટથી કદાચ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ આગળ વધી શકે છે, પણ માનવ વિકાસમાં ગુજરાત પાછળ જ રહેશે.
(રજૂઆત પૌલોમી મિસ્ત્રી, નિયામક, અનુસંધાન, અમદાવાદ)”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












