નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટમાં તોડકાંડના તપાસ અધિકારી વિકાસ સહાયની રિપોર્ટ પછી રાજકોટના કમિશનર પદ પર રહેલા મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે. મનોજ અગ્રવાલ અને રાજકોટ પોલીસ છેલ્લા ઘણા સમયથી રૂપિયાની ઉઘરાણીથી લઈ કાયદા તથા સત્તાના દુરુપયોગના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાનમાં મનોજ અગ્રવાલની બદલીથી ભારે ચકચાર મચી પરંતુ લગભગ દરેકને આવું થશે જ તેવો અંદાજ હતો. હવે જ્યારે તેઓ રાજકોટના કમિશનર રહ્યા નથી તો તેમણે કદાચ મીડિયાથી પણ અંતર કરવાનું શરુ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. તેમણે એક મીડિયા ગ્રુપમાં અહીં અહેવાલના અંતમાં દર્શાવેલો વીડિયો અને અહીં દર્શાવેલા શબ્દો લખી ગ્રુપ છોડી દીધું છે. તેમના અચાનક ગ્રુપ છોડવા પાછળના કારણો દરેક સમજી ગયા પરંતુ અહીં તેમણે પોતાના મતને રજુ કર્યો અને તે મત અહીં આપ સમક્ષ અમે રજુ કરી રહ્યા છીએ.
તેમણે અંગ્રેજી ભાષામાં મેસેજ લખ્યો છે જેનો અર્થ આ પ્રમાણે થઈ રહ્યો છે, તમારા સર્વે સાથે કામ કરવું તે મારું સૌભાગ્ય અને આનંદભર્યું હતું મને ખૂબ આનંદ છે.
હું એ વાતને સમજવા માંગુ છું કે રાજકોટ શહેર પોલીસના પોલીસ કમિશ્નર તરીકે 3 1/2 વર્ષથી વધુ સમયથી અમે લોકોના જીવનમાં ખાસ કરીને રોગચાળા દરમિયાન પણ મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા અને સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શહેરમાં ક્રાઈમ રેશિયો ઘટાડવો, પોલીસ વિંગમાં ડિજીટલાઇઝેશન, યુવા મોટિવેશન અને ટ્રાફિક કન્ટ્રોલ.
અમે ગૌરવ, શિસ્ત અને નિશ્ચય સાથે સેવા આપી છે.
કાર્યકાળ દરમિયાન, અમે સમગ્ર રાજકોટ શહેર પોલીસની સક્રિય અને પ્રતિક્રિયાત્મક નહીં, ઉત્સાહ અને સખત મહેનતવાળી નવી સિસ્ટમ અમલમાં મૂકીને સિસ્ટમમાં જથ્થાબંધ ફેરફારો કર્યા છે જે અસરકારક સાબિત થયા છે અને કામગીરીમાં સુધારો થયો છે.
રાજકોટ શહેર પોલીસની સફળ કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓના અથાક પ્રયાસો અને યોગદાનની હું હૃદયપૂર્વક પ્રશંસા કરું છું.
રાજકોટ મીડિયા અમારા વિભાગ માટે પ્રયાસો અને કાર્યોની પ્રશંસા અને સમર્થન કરીને ઘણું મોટું પ્રદાન કરી રહ્યું છે. તમે એક વિશ્વાસુ સાથી છો અને તમામ રાજકોટવાસીઓ માટે લોકોના મન અને સમાચાર સ્ત્રોત પર કબજો જમાવ્યો છે જે અન્ય કોઈ પહોંચાડી શકે તેમ નથી. તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મચારીઓનો આભાર કે જેઓ રોગચાળા દરમિયાન ખાસ કરીને દરરોજ ખૂબ સખત મહેનત કરે છે. હું તમારા દરેકનો અંગત રીતે આભાર માનવા માંગુ છું અને ભવિષ્યમાં પણ સતત સમર્થનની રાહ જોઈશ.
મોટા ભાગના પ્રસંગોમાં અમને ટેકો આપવા અને જબરદસ્ત પ્રોત્સાહિત કરવા બદલ હું રાજકોટ પ્રેસ અને ઈલેક્ટ્રોનિક મીડિયાનો પણ આભાર માનું છું. મીડિયા જૂથો છોડતા પહેલા હું પોલીસના યોગદાનની વધુ સારી પ્રશંસા માટે કવિતાની લિંક મોકલીશ.
આભાર અને આપને શુભેચ્છાઓ
જય હિંદ
તેમણે પોસ્ટ કરેલો વીડિયો હવે ડીલીટ થઈ ગયો છે, તે વીડિયોમાં શું કહેવાયું હતું તે અક્ષરસઃ અહીં દર્શાવ્યું છે, ‘હું પોલીસવાળો છું, કોન્સ્ટેબલથી થાણેદાર સુધી, ACPથી DIG સુધી, SPથી IG સુધી, DCPથી CP સુધી તમામ મારા જ રૂપ છે. કોઈ દિવસભર તડકામાં તપે છે તો કોઇને છાયડો નસીબ થાય છે. ઠીક, તમામનું નસીબ અલગ હોય છે. અમારૂં ઘર તો ચોકી છે, ઓફિસ જવાવાળા સાંજે ઘરે આવે છે. તમે એરપોર્ટ જાઓ છો તો અમે રોડ પર ટ્રાફિક ખોલાવીએ છીએ. તમે દિવાળી મનાવો છો તો અમે કોઈના ઘરની આગ ઠારવામાં વ્યસ્ત હોઇએ છીએ. તમે સપના સજાવો છો તો અમે એક વધુ એક કેસની FIR બનાવતા હોઇએ છીએ. અમીરીના ઘમંડમાં તમે અમારી પર SUV ચઢાવો છો. સરકાર કહે છે કે, શહીદ અમર રહે પરંતુ પાછળ નોકરી, પેન્શન, રોટી માટે અમારા બાળકો કરગરે છે. વરસાદ હોય, ઠંડી હોય કે પછી તડકો અમારી ખાખી દરેક વખતે તૈનાત રહે છે.’
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને પત્ર લખી રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પર રૂ. 75 લાખનો તોડ કર્યાનો સીધો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે, રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણા 15 ટકા કમિશને પાછા અપાવે છે. આ અંગે તપાસ સમિતિની રચના થઈ અને DG વિકાસ સહાય દ્વારા તપાસ કરી રિપોર્ટ સરકારને આપવામાં આવ્યો. બાદમાં સરકારે મનોજ અગ્રવાલને જૂનાગઢ બદલી મળી છે. આ બદલીના ઓર્ડર બાદ મનોજ અગ્રવાલનો મોબાઈલ સ્વીચ ઓફ થયો હતો. તેમજ તેઓ રાજકોટના ઘણા વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયા હતા. આ ગ્રુપ્સમાંથી લેફ્ટ થતા પહેલા તેમણે આ મેસેજ અને વીડિયો પોસ્ટ કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












