પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં (2008 serial blast case) અમદાવાદની ખાસ અદાલતે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કારાવાસની ઐતિહાસીક સજા ફટકારી છે, આ તમામ આરોપીઓને જેલમાં મોકલી આપ્યા પછી ઘણી બધી મહત્વની કામગીરી બાકી હતી, બ્લાસ્ટ કેસનો હિસ્સો રહેલા IPS અધિકારી હિમાંશુ શુકલની ક્રાઈમ બ્રાન્ચમાંથી બદલી થયા બાદ તેઓ ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવૉર્ડ (ATS)માં મુકવામાં આવ્યા, મામલો ત્રાસવાદનો હોવાને કારણે સાબરમતી જેલમાં (Sabarmati Jail) રહેલા આતંકીઓ ઉપર નજર રાખવા માટે એટીએસના આસીસ્ટન્ટ પોલીસ સબઈન્સપેકટર ગોપાલ શર્માને (Gopal Sharma) વોચ ડયૂટી સોંપવામાં આવી હતી.
ગુજરાતની વિવિધ જેલો ઉપર રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓની નજર હોય છે, પરંતુ 2008 બ્લાસ્ટ કેસ ખુબ મહત્વનો હતો, જેલમાં રહેલા આરોપીઓ શાંતિથી બેસશે નહીં જેલ બહાર રહેલા સંપર્કો પણ તેમને મદદ કરવાનો પ્રયત્ન કરશે તેવી આશંકાઓ પણ હતી. જેના કારણે એટીએસ તરફથી એએસઆઈ ગોપાલ શર્માને વોચ ડયૂટીમાં મુકવામાં આવ્યા હતા આ ખુંખાર ગુનેગારને મળવા કોણ આવે છે, કોણ કાયદાકીય મદદ કરી રહ્યું છે, બહારના રાજ્યમાંથી આરોપીના મળવા સંબંધીઓ આવતા હતા. જેલના નિયમ પ્રમાણે તમામ કેદીને પોતાના પરિવારના સભ્યોને મળવાનો અધિકાર છે. તેવા સંજોગોમાં કોણ મળવા આવે છે તેમના અને કેદી વચ્ચે શું માહિતીની આપલે થાય છે તેવી બારીક માહિતી એકત્ર કરવાનું કામ ગોપાલ શર્માનું હતું.
સુત્રોની જાણકારી પ્રમાણે ઘણા કિસ્સામાં આ આરોપીની કોર્ટ મુદતે રાજ્ય બહાર પણ લઈ જવામાં આવે તેવા સંજોગો ઊભા થયા ત્યારે આ આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભાગી જાય નહીં તે અંગેની જરૂરી ટીપ્સ લેવાનું કામ પણ ગોપાલ શર્માનું હતું. આમ તો કોઈ પણ પોલીસ માટે આ કામગીરી અત્યંત કંટાળાજનકની સાથે જોખમભરી પણ હોય છે કારણ વોચ ડયૂટીમાં રહેલી પોલીસ ઉપર આરોપીઓના સંપર્કોની નજર હોય છે, છતાં સતત નવ વર્ષથી ગોપાલ શર્માએ આ કામગીરી બખુબી નીભાવી હતી. જેના કારણે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો, ગોપાલ શર્માએ વોચ ડયૂટીમાં કરેલી કામગગીરી ગુપ્ત પ્રકારની હોવાને કારણે તેઓ પોતે ક્યારે પોતાના કામની ક્રેડીટ લઈ શકયા નહીં, પણ ગુજરાત એટીએસના ગોપાલ શર્મા જેવા નાના પોલીસ અધિકારીની ભૂમિકા આરોપીને ફાંસીની સજા લઈ જવા માટે ખુબ મહત્વના રહ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












