પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી ગુજરાત સરકારે આરોપીઓ અંગે માહિતી આપનાર અથવા આરોપીઓને ઝડપી લેનાર માટે રૂપિયા 50 લાખનું ઈનામ જાહેર કર્યું હતું. આ ઘટનાના 14 વર્ષ પછી એવું માનવમાં આવતું હતું કે અમદાવાદ, વડોદરા, સુરત અને ભરુચ પોલીસે ઇનામના 50 લાખ રૂપિયા માટે દાવો કર્યો હોવાને કારણે ગુજરાતનાં ગૃહ વિભાગે ઈનામની માગણી કરનાર એજન્સીઓની ફાઈલને બ્રેક લગાવી દીધી હતી. પરંતુ વિશ્વાસનીય સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે 2008 બ્લાસ્ટ કેસમાં 80 કરતાં વધુ આરોપીઓ પકડનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઇનામની રકમ માટે કોઈ દાવો કર્યો નથી.
રૂપિયા 50 લાખનું ઈનામ હોવાને કારણે બહુ સ્વાભાવિક છે કે એજન્સીઓ વચ્ચે હોડ લાગી. ઈનામનો મુદ્દો બાજુ પર મૂકીએ તો પણ ક્રેડિટ લેવાનો સવાલ હતો. આ બધાની વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે કામ કર્યું તે દેશની પોલીસ માટે સીમાચિન્હ રૂપ હતું. 80 આરોપીઓની ધરપકડ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનો મોટો વર્ગ એવું માનતો હતો કે સરકારે 50 લાખ રૂપિયાનું ઈનામ જે જાહેર કર્યું છે તેના માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાવો કરવો જોઈએ. જો ઇનામની રકમ આવે તો ટીમમાં સામેલ નાના કર્મચારીઓને ઈનામનો હિસ્સો મળે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જ્યારે પોતાનો મત રજૂ કર્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓએ તેમની સાથે સંમત થયા અને કહ્યું, આપણને ઈનામ જોઈતું નથી. આશિષ ભાટિયાએ ઇનામના મામલે પોતાનો મત વ્યક્ત કરતાં એવું કહ્યું હતું કે, જ્યારે 56 લોકોના મોત થયા હોય અને ત્યારે આપણે ઇનામની માગણી કરીએ તે મને વ્યાજબી લાગતું નથી. આપણે અમદાવાદમા બ્લાસ્ટ જો અટકાવી શક્યા હોત તો જરૂર ઇનામના હકદાર હતા, પણ આપણે તેવું કરવામાં નિષ્ફળ નીવડ્યા છે એવા સંજોગોમાં આપણે જો ઈનામનો દાવો કરીએ તે ગેરવ્યાજબી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












