નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદનાં ધંધુકા તાલુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા બાદ આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં અને કેટલાક અંશે રાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા હતા. આ ઘટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કિશન ભરવાડની હત્યા કરવા વાળા બે આરોપીઓને પોલીસે પકડી લીધા હતા. જ્યારે આ હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પોલીસની અલગ અલગ શાખાઓ દ્વારા અલગ અલગ સ્થળોએથી પકડી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસમાં ગુજરાતનાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જાતે નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે મૃતકના પરિવારને શાંત્વના આપી હતી કે કિશનને ન્યાય મળશે.
આ ઘટના બાદ સમગ્ર કિસ્સાએ ગુજરાતમાં રાજકીય રંગ લીધો છે તેવી પણ અટકળો લોકો વચ્ચે ચાલી રહી છે. અલગ અલગ રાજકીય પક્ષ અને ધાર્મિક સંગઠનોના લોકો દ્વારા આ ઘટના અંગે નિવેદન આપવામાં આવી રહ્યા છે. એવામાં ગુજરાતનાં વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ ઘટના ઉપર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
જિગ્નેશ મેવાણીએ વિડિયોમાં જણાવ્યુ હતું કે, “રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કઈ હદ સુધી વખળી ગઈ છે તેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું કિશન ભરવાડ હત્યાકાંડમાં, આ 30 વર્ષના નિર્દોષ વ્યક્તિનું સરેઆમ ગોળી મારીને ખૂન કરવામાં આવ્યું તેની હું ખૂબ જ આકરા શબ્દોમાં ટીકા કરું છું, નિંદા કરું છું. અને મૃતકના પરિવારને શાંત્વના પાઠવું છું. કિશન ભરવાડને શ્રદ્ધાંજલી પાઠવું છું અને માગણી કરું છું ન્યાયની કે આ કેસમાં સંડોયેલા તમામ લોકોની ધરપકડ કરવામાં આવે.”
તેમણે વધુમાં સરકારની ટીકા કરતાં જણાવ્યુ હતું કે, “જ્યારે ગુજરાતમાં એક એક જિલ્લાના એક એક તાલુકામાં દારૂ અને જુગારના અડ્ડા ચાલતા હોય, ગુજરાતનાં એક બંદર પરથી 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડતું હોય અને સરેઆમ કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય ત્યારે આપણે સવાલ પુછવો પડે ગુજરાતની ભાજપ સરકારને અને ગુજરાતનાં આંઠ ચોપડી પાસ ગૃહમંત્રીને કે તમારા શાસનમાં આવી રીતે સરેઆમ ગોળી મારીને હત્યા કરવામાં કેમ આવી રહી છે? જો તમે કાયદો અને બંધારણનું પાલન કરવામાં માનતા ન હોય તો તમે ગૃહમંત્રી તરીકે રાજીનામું આપી દો. જે પણ આરોપી છે તમામને જેલના સળિયા પાછળ મોકલવા જ જોઈએ. જે લોકો આ સડયંત્રમાં સામેલ છે તે તમામની ત્વરિત ધરપકડ થવી જોઈએ અને કિશન ભરવાડના પરિવારને ન્યાય મળે એવી હું માગ કરું છું. સાથે સાથે હું ગુજરાતની જનતાને નાનકડી અપીલ કરું છે કે આ ગુજરાતની અને ભાજપની સરકારનું ચરિત્ર આપણે અત્યાર સુધી જે જોયું છે કે ક્યાકને ક્યાક આવી ઘટનાઓને તે હિન્દુ મુસ્લિમ કરવવાનો પ્રયત્ન કરે છે તો આપણે તેનાથી બચવું જોઈએ.
જો કોઈ વ્યક્તિ દલિત સમાજના વ્યક્તિ પર હુમલો કરે તો તે કઈ જ્ઞાતિ કે ધર્મનો છે તેના પર આપણે તેને ટાર્ગેટ કરી શકીએ નહીં. તે જ પ્રમાણે કિશન ભરવાડ હત્યા કેસમાં પણ તમામ આરોપી કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના હોય હિન્દુ હોય કે મુસ્લિમ હોય જે પણ હોય એ તમામને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. પરંતુ કોઈ ધર્મના લોકોને ટાર્ગેટ કરવાની આ રાજ્ય સરકારની જે મનછા છે તેનાથી આપણે બચીને રહેવું જોઈએ અને બુલંદ અવાજે ન્યાયની માગણી કરવી જોઈએ. હું પણ ન્યાયની માગણી કરું છું કે કિશન ભરવાડને ન્યાય મળવો જોઈએ અને તેના પરિવારને વળતર મળવું જોઈએ અને ગુજરાતનાં કોઈ પણ વ્યક્તિ સાથે આવી ઘટના ન બનવી જોઈએ.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












