PM Modi speech on Gold purchase: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લખનઉમાં યોજાયેલા પાંચમા રાષ્ટ્રીય કૌશલ્ય દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે સોના-ચાંદીના ઘટેલા ભાવ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમણે દેશવાસીઓને એક વર્ષ સુધી જરૂર ન હોય તો સોનું ન ખરીદવાની અપીલ કરી હતી અને દેશવાસીઓએ સોનાની ખરીદી ઓછી કરી હતી. પીએમ મોદીએ દાવો કર્યો કે સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને દેશના પૈસા બચ્યા છે. આ સાથે તેમણે કૌશલ્ય અને હુન્નરની વધતી મહત્ત્વતા અંગે પણ વાત કરી હતી.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયા પર સોના-ચાંદીના ભાવની ચર્ચા થઈ રહી છે. તેમણે 2023માં સંસદમાં કરેલી એક વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે લોકોને ભારત સરકારના જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU)ના બોન્ડમાં નાણાં રોકવાની સલાહ આપી હતી. તે સમયે કેટલાક લોકોએ તેમની મજાક ઉડાવી હતી, પરંતુ આજે ઇતિહાસ સાક્ષી છે કે જેમણે તેમાં નાણાં રોક્યાં તેઓને ફાયદો થયો છે.
સોનાની ખરીદી અંગેની પોતાની અગાઉની અપીલનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેમણે દેશવાસીઓને વિનંતી કરી હતી કે જો એક વર્ષ સુધી સોનાની જરૂર ન હોય તો કૃપા કરીને સોનું ન ખરીદે. તેમણે કહ્યું કે દેશવાસીઓએ તેમની અપીલને ધ્યાનમાં રાખીને સોનાની ખરીદી ઓછી કરી અને સોનાના ભાવ તૂટી ગયા. પીએમ મોદીએ આ ઘટનાને દેશવાસીઓના સહયોગ સાથે જોડીને રજૂ કરી હતી.
આગળ તેમણે કૌશલ્ય અને રોજગારની તકો અંગે વાત કરતાં કહ્યું હતું કે સમય બદલાઈ રહ્યો છે. હવે કાગળનાં પ્રમાણપત્રો લઈને, કોટ-પેન્ટ અને ટાઈ પહેરીને ફરતા લોકો કરતાં કૌશલ્ય ધરાવતા લોકોનું વધુ મહત્ત્વ વધવાનું છે. જેની પાસે હુન્નર અને કૌશલ્ય છે તેની માગ વધવાની છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે વડાપ્રધાન મોદીએ બિહારમાં નીતીશ સેતુનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમણે પુલ પર ચાલીને લોકોનું અભિવાદન કર્યું હતું. 9.76 કિલોમીટર લાંબો આ છ લેનનો કેબલ બ્રિજ વૈશાલી અને પટના વચ્ચે બનાવવામાં આવ્યો છે. તેની કુલ કિંમત 34,470 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ નીતીશ કુમારના નામ પરથી આ પુલનું નામ રાખવામાં આવ્યું છે.
પટના એરપોર્ટ પર મુખ્યમંત્રી નીતીશ કુમારે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ભેટીને અભિવાદન કર્યું હતું. પુલના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદીએ ગમછો લહેરાવીને લોકોનું અભિવાદન પણ કર્યું હતું.








