Thursday, November 12, 2026
HomeGujaratસુરતમાં ચાલુ લક્ઝરી બસમાંથી નીચે પટકાયું 3 વર્ષનું બાળક, CCTVમાં કેદ થઈ...

સુરતમાં ચાલુ લક્ઝરી બસમાંથી નીચે પટકાયું 3 વર્ષનું બાળક, CCTVમાં કેદ થઈ ઘટના; ડ્રાઈવરની સતર્કતાથી બચ્યો જીવ

- Advertisement -

Surat Bus inside cctv Kid falled down from bus: સુરતના કીમ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્રથી સુરત આવી રહેલી ચાલુ લક્ઝરી બસમાંથી ત્રણ વર્ષનું માસૂમ બાળક નીચે પટકાયું હતું. બાળકની માતા મોબાઈલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી ત્યારે બાળક રમતા-રમતા બસના આગળના ભાગે ડ્રાઈવર કેબિન સુધી પહોંચી ગયું હતું. આ દરમિયાન બાળકનું સંતુલન બગડતાં તે બસના દરવાજા પાસેથી સીધું રસ્તા પર પટકાયું હતું. જોકે, બસચાલકની સતર્કતા અને સમયસૂચકતાને કારણે બાળકનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના બસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

ટ્રાવેલ્સ સંચાલક પાસેથી મળેલી માહિતી મુજબ, 7 નવેમ્બરના રોજ એક ખાનગી લક્ઝરી બસ સૌરાષ્ટ્રથી મુસાફરોને લઈને સુરત પરત ફરી રહી હતી. બસમાં મુસાફરોની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી. આ બસમાં એક મહિલા પોતાનાં બે નાનાં બાળકો સાથે મુસાફરી કરી રહી હતી. મુસાફરી દરમિયાન મહિલા મોબાઈલ ફોન પર વાતચીત કરવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે તેનું ધ્યાન બાળકો પરથી હટી ગયું હતું. આ દરમિયાન અંદાજે 2થી 3 વર્ષનું બાળક બસની ગેલેરીમાં રમતાં-રમતાં આગળના ભાગે ડ્રાઈવર કેબિન પાસે પહોંચી ગયું હતું.

- Advertisement -

ડ્રાઈવર કેબિન પાસે પહોંચ્યા બાદ બાળક ત્યાં આડી રાખેલી સીટ પર ચડીને બેસવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ સમયે બસચાલકની નજર અચાનક બાળક પર પડી હતી. તેણે તાત્કાલિક બાળકને પકડવા માટે હાથ લંબાવ્યો હતો. જોકે, એક હાથમાં સ્ટિયરિંગ હોવાથી તે બાળક સુધી પહોંચી શક્યો નહોતો. ચાલકે જોરથી બૂમ પાડીને મુસાફરોને સાવચેત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ કોઈનું ધ્યાન ગયું નહોતું. આ દરમિયાન માત્ર બે સેકન્ડમાં જ બાળકનું સંતુલન બગડ્યું અને તે ચાલુ બસમાંથી નીચે રોડ પર પટકાયું હતું.

આ ઘટના સમયે બસ કીમ નજીકના સાદા રસ્તા પરથી પસાર થઈ રહી હતી. રસ્તા પર ટ્રાફિક હોવાથી બસની ગતિ અંદાજે 25થી 30 કિલોમીટર પ્રતિ કલાક હતી. બાળક નીચે પટકાતાં જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી બસ રોકી દીધી હતી. ત્યારબાદ તેણે બૂમાબૂમ કરીને અન્ય મુસાફરોને ઘટનાની જાણ કરી હતી. બસ ઊભી રહેતાં જ માતા તાત્કાલિક નીચે ઊતરી પોતાના બાળકને તેડી લીધું હતું.

સદનસીબે બસની ગતિ ઓછી હોવાથી અને ડ્રાઈવરે સમયસર બ્રેક મારી દેતાં બાળકને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. બાળકના શરીરે માત્ર સામાન્ય છોલાયું હતું. આ દરમિયાન બસની પાછળ પોતાની કારમાં આવી રહેલા એક તબીબે પણ માનવતા દાખવી હતી. તેમણે પોતાની કાર રોકીને બાળકની પ્રાથમિક તપાસ કરી હતી અને બાળક સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -

ઘટના બાદ ટ્રાવેલ્સ સંચાલકે બસના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં સમગ્ર ઘટનાક્રમ કેદ થયો હોવાનું સામે આવ્યું હતું. સંચાલકના જણાવ્યા મુજબ, આ ઘટનામાં ડ્રાઈવરની કોઈ બેદરકારી જોવા મળી નહોતી, પરંતુ માતા મોબાઈલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હોવાથી બાળક પર ધ્યાન આપી શકી નહોતી. ભવિષ્યમાં મુસાફરી દરમિયાન માતા-પિતા પોતાનાં નાનાં બાળકો પ્રત્યે સજાગ રહે અને આવી બેદરકારી ન દાખવે તે હેતુથી CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular