Duméril’s Black-headed Snake in Vadodara Gujarat: ગુજરાતના વડોદરામાં અવાનરવાર ઘણી ચિત્ર-વિચિત્ર કહો કે કુદરતની કરામત કહો તેવા અનોખા જીવો જોવા મળતા હોય છે. પરંતુ આ વખતે તો ઘણા લાંબા સમય સુધી આવા સમાચાર સામે આવ્યા છે. જે માંડ જોવા મળે તેવો અત્યંત દુર્લભ એવો ‘શ્યામશિર સાપ’ (Duméril’s Black-headed Snake) મળી આવ્યો છે.
આ સાપ કાળા માથાનો હોય છે. જેને બીજા ઘણા નામોથી બોલાવાય છે. જેમ કે તેનું સાઈટિફિક નામ Sibynophis subpunctatus છે. તેને અંગ્રેજીમાં Jerdon’s many-toothed snake પણ કહે છે. મળી આવેલો આ સાપ માત્ર 45 સેમી લાંબો છે. જોવામાં ખુબ જ ઝેરીલા મનાતા કોરલ સ્નેક (Coral Snake) સાથે તે ઘણો મળતો આવે છે પરંતુ આ પ્રજાતિ સંપૂર્ણ રીતે બિન ઝેરી હોય છે.
અગાઉ પણ ચારેક વર્ષ પહેલા પોરબંદર નજીક સુખપુર ગામમાં આ સાપ જોવા મળ્યો હતો જે 12થી 18 ઈંચ જેટલી લંબાઈ ધરાવતો હતો. આ સાપની પ્રજાતિને ઓળખ 1854માં મળી હતી. ઘણા તેને ઝેરી સમજી કે નાગણી સમજી મારી પણ નાખે છે. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં 63 જાતિના સાપમાંથી માત્ર 4 જાતિના સાપ જ ઝેરી હોય છે. જેમાં કોબ્રા (નાગ), ખડચિતળો (રસલ વાયપર), કાળોતરો અને ફુરસો સાપ છે જેનાથી તો દુર જ રહેવું ભલું છે.
જોકે આવા બિન ઝેરી સાપોને પણ સતાવ્યા કે માર્યા વગર તેને વન વિભાગ કે કોઈ વન્યજીવ નિષ્ણાંતનો સંપર્ક કરી તેને સુરક્ષિત રેસ્ક્યુ કરાવવું જોઈએ. ખાસ કરીને આ સાપની વાત કરીએ તો તેનું માથું કાળું અને બાકીનું શરીર બદામી હોય છે. જેને કારણે તેને આ શ્યામશિર નામ મળ્યું છે. અત્યંત નાનું કદ હોય છે. 30થી 46 સેમી સુધી જ લાંબો હોય છે. તેને ઘણા બધા નાના દાંત હોય છે અને તે વળી શકે તેવા હોય છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ખાસ જોવા મળે છે. આને તમે જુઓ તો લાગે કે આ સ્નેક ફેસ માસ્ક પહેરેલો છે.
આ સાપનો મુખ્યત્વે ખોરાક ગરોળી અને ગરોળીની પ્રજાતિની અન્ય જાતો, નાના સાપ તેનો મુખ્ય ખોરાક છે. તે મોટા ભાગે ભેજવાળી જગ્યાઓ પર રહેવાનું પસંદ કરે છે, સુકા પાંદડાના ઢગલા, બગીચાની પથરાળ જગ્યાઓ અથવા ઝાળના મૂળમાં રહે છે. સામાન્યતઃ તે દિવસે નિષ્ક્રિય રહે છે, સાંજે કે પછી રાત્રે તે સક્રિય થાય છે.








