Vadodara Shakti cercle Garba Controversy: વડોદરાના શક્તિ સર્કલ ખાતે યોજાયેલા ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ સાથે છેતરપિંડી થઈ હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે જ નહીં પરંતુ બીજા પણ જાણિતા ગાયકોના નામે ગરબાના પાસ વેચીને આયોજકોએ ખેલૈયાઓ પાસેથી મોટી રકમ ઉઘરાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નૌરતાના 9 અને 1 દિવસ એમ કરીને 10 રાત્રિના ગરબા પાસ માટે રૂ. 5,000થી રૂ. 7,000 સુધી વસૂલવામાં આવ્યા હતા, પરંતુ છઠ્ઠા નોરતે જ ગરબાનું આયોજન અધવચ્ચે રદ કરી દેવામાં આવતાં ખેલૈયાઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ત્રણ મુખ્ય આયોજકોના ફોન બંધ આવતાં તેઓ કરોડો રૂપિયાની નાણાકીય ગોલમાલ કરીને ફરાર થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આયોજકોએ કિંજલ દવેના પરફોર્મન્સની જાહેરાતો કરીને ખેલૈયાઓને પાસ ખરીદવા પ્રેર્યા હતા. દસ રાત્રિના ગરબા રમવાની આશાએ મોટી રકમ ચૂકવનારા લોકો માટે છઠ્ઠા નોરતે અચાનક આયોજન બંધ કરી દેવામાં આવતાં મુશ્કેલી ઊભી થઈ છે. ગરબાનું આયોજન ઠપ થઈ જતાં અને મુખ્ય આયોજકોનો સંપર્ક ન થઈ શકતાં ખેલૈયાઓ છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. જોકે, આયોજકો સામેના આક્ષેપો અંગે પોલીસ કાર્યવાહી અથવા તપાસની સત્તાવાર વિગતો આપવામાં આવી નથી.
આ ઘટનામાં માત્ર પાસ ખરીદનારા ખેલૈયાઓ જ નહીં, પરંતુ ગરબાના આયોજન સાથે સંકળાયેલા અન્ય લોકો અને વેપારીઓનાં નાણાં પણ બાકી હોવાનું જણાવાયું છે. સ્ટેજ, સાઉન્ડ, ફરાસખાના અને સ્થાનિક કલાકારોને લાખો રૂપિયાની ચુકવણી કરવાની બાકી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આથી આયોજન સાથે જોડાયેલા અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત સામે આવી છે.
ઘટનાને પગલે આક્રોશિત ખેલૈયાઓ અને વેપારીઓએ આયોજકો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની અને પોતાનાં નાણાં પરત અપાવવાની માગ કરી છે. કિંજલ દવેના નામે પાસ વેચવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલો વડોદરાના નવરાત્રિ ગરબા આયોજનને લઈને ચર્ચામાં આવ્યો છે.








