GTU Rajkot, Mehsana exam cheating case: ગુજરાતમાં પૈસા ફેંક, ડીગ્રી પકડ જેવી સ્થિતિ ઘણા વર્ષોથી ચાલતી આવી છે. અગાઉ પણ નકલી ડીગ્રીના કૌભાંડો સામે આવી ચુક્યા છે. આ શખ્સો એવી ડીગ્રી બનાવીને આપે કે માણસ ક્યાંય ડિગ્રી બતાવી ના જ શકે, કારણ કે બતાવે તો પકડાઈ જાય. પરંતુ આનો એક ગજબનો તોડ પણ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓને સીધા કોપી કરવામાં છૂટ આપી દેવાની જેથી પરીક્ષા પણ સાચી, તેમાં આપેલા જવાબ પણ સાચા અને ડીગ્રી પણ સાચી. પરંતુ ઉપરવાળો બધું જ જોવે છે. એટલે કે સીસીટીવી કેમેરા, અને તેમાં ઝડપાયું છે આ કાંડ.
આ સમગ્ર કાંડ વિશે જાણવા મળતી વિગતો પ્રમાણે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જેને તમે જીટીયુના નામથી ઓળખો છો તેના દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ચાર એન્જિનિયરિંગ કોલેજોની અંદર બિન્દાસ્ત માસ કોપીનો કાંડ પકડાયો છે. જીટીયુએ જ કરેલી તપાસ દરમિયાન આ કાંડ ખુલીને બહાર આવ્યો છે.
આ કોલેજોમાં સુરતની માંડવી ઈન્સ્ટિટ્યુટ, મહેસાણાના કડી વિસ્તારમાં આવેલી વી કે પટેલ કોલેજ, રાજકોટની અર્પિત કોલેજ અને જુનાગઢના ગડુમાં આવેલી દધિચી કોલેજનો સમાવેશ થાય છે. જોકે સવાલ એ પણ છે કે આ લોકો પકડાયા કેવી રીતે? તો વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં સરખું લખાણ મળ્યા પછી તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ હતી. જેમાં આ કોપીબાજો એક બીજાને સાહિત્ય આપતા અને મોબાઈલનો ઉપયોગ કરતા દેખાયા હતા.
જેમાં રાજકોટની અર્પિત કોલેજમાં પહેલા જ દિવસે 19, બીજા દિવસે 23 શખ્સો ચોરી કરતા પકડાયા, સુરતની માંડવી ઈન્સિટિટ્યુટમાં 41 વિદ્યાર્થીઓ અને કડી તથા ગડુની કોલેજમાં 13-13 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હતા. જોકે જીટીયુએ આ બધું ચલાવી લેવાને બદલે દંડ ફટકાર્યો હતો. જોકે આવા ઈન્સ્ટિટ્યુટ્સને દંડની આ રકમ પણ તેની કાળી કમાણી કરતા સાવ ક્ષુલ્લક લાગે તેવી છે. અર્પિત કોલેજ તથા માંડવી ઈન્સ્ટિટ્યુટને 2 લાખ રૂપિયાનો દંડ અને પરીક્ષા કેન્દ્ર બે વર્ષ માટે રદ કરી દેવાયું છે. જ્યારે વીકે પટેલ અને દધિચી કોલેજને તેમાં 50 ટકા ડિસ્કાઉન્ટ મળ્યું છે એટલે કે દંડ રૂપિયા 1 લાખ અને 1 વર્ષ માટે કેન્દ્રો રદ્દ થયા છે.
હવે જોવું રહ્યું કે શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટનામાં આગળ શું થાય છે? કારણ કે આ સમગ્ર કાંડમાં આ કોલેજોએ કેટલા આર્થિક ઉપાર્જન કર્યા કે પછી આ પણ એક સેવા જ હતી તે જાણવું જરૂરી બન્યુ છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં મંતવ્ય જણાવજો








