Judge to victim Rajani Ranga Letter: દિલ્હીમાં સાત વર્ષની બાળકી સાથે થયેલા અત્યાચારના કેસમાં ચુકાદો આપ્યા બાદ મહિલા ન્યાયાધીશ રજની રંગાએ પીડિત બાળકી માટે એક ભાવુક પત્ર લખ્યો છે. પત્રમાં ન્યાયાધીશે બાળકીના ધૈર્યની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે તેનું બાળપણ પાછું આપી શકાય તેમ નથી, પરંતુ જે વ્યક્તિએ તેને ઇજા પહોંચાડી છે તે હવે જેલની બહાર નહીં આવી શકે. દિલ્હી હાઈકોર્ટે આ પત્રને ‘ધૈર્યનો સંદેશ’ ગણાવીને તેને બાળકી અથવા તેના પરિવાર સુધી પહોંચાડવાનો આદેશ આપ્યો છે.
આ કેસ 23 જુલાઈ 2023નો છે. તે સમયે બાળકી સાત વર્ષની હતી. તેના માતા-પિતાએ સुमિત શાક્ય સામે અત્યાચારની ફરિયાદ નોંધાવી હતી. બાળકી આરોપીને ‘અંકલ’ કહીને ઓળખતી હતી. સુનાવણી દરમિયાન બાળકી તરફથી એવી વાત કહેવામાં આવી હતી કે ‘અંકલ’ને તે વૃદ્ધ થાય ત્યાં સુધી જેલમાં રાખવા જોઈએ.
ન્યાયાધીશ રજની રંગાએ પોતાના પત્રની શરૂઆત ‘પ્રિય બાળકી’ શબ્દોથી કરી હતી. તેમણે કોર્ટમાં હાજર રહેવા, આરોપીની ઓળખ કરવામાં અને સત્ય બોલવામાં બાળકી દ્વારા દર્શાવવામાં આવેલા ધૈર્યની પ્રશંસા કરી હતી.
પત્રમાં ન્યાયાધીશે જણાવ્યું હતું કે બાળકી ચૂપ રહી નહોતી અને તેણે પોતાની માતાને સમગ્ર ઘટના જણાવી હતી. તેના દ્વારા હિંમતપૂર્વક સત્ય જણાવવાથી આરોપીને અન્ય કોઈ બાળકને નુકસાન પહોંચાડતા અટકાવવામાં મદદ મળી હોવાનું પણ પત્રમાં જણાવાયું છે.
ન્યાયાધીશે વધુમાં લખ્યું હતું કે કોર્ટ દ્વારા બાળકીની વાત સાંભળવામાં આવી છે અને દોષિત વ્યક્તિ હવે આજીવન જેલમાં રહેશે. તે જેલમાં જ વૃદ્ધ થશે અને તેનું જીવન ત્યાં જ પૂર્ણ થશે. તે ફરીથી બાળકી, તેની નાની બહેન અથવા અન્ય કોઈ બાળકને નુકસાન પહોંચાડી શકશે નહીં, તેમ પત્રમાં જણાવાયું છે. પત્રના અંતમાં ન્યાયાધીશે બાળકીના જીવન અંગે લખ્યું હતું કે હવે તેણે તેનું જીવન આનંદથી જીવવું જોઈએ, શાળાએ જવું જોઈએ, મિત્રો બનાવવા જોઈએ, હસવું-રમવું જોઈએ અને સપનાં જોવા જોઈએ.

આ કેસમાં સुमિત શાક્યને 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે ગંભીર અત્યાચારના ગુનામાં POCSO કાયદા હેઠળ મરણ સુધી કઠોર કેદની સજા ફટકારવામાં આવી છે. તેને 1 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુનાહિત ધમકી આપવા બદલ પાંચ વર્ષની કઠોર કેદ અને 20 હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. બંને સજા એકસાથે ભોગવવાની રહેશે.
ટ્રાયલ કોર્ટે પીડિતાને 10.50 લાખ રૂપિયાની વળતર રકમ આપવાનો પણ આદેશ કર્યો હતો. આ વળતરની રકમના વિતરણની હાલની સ્થિતિ અંગે દિલ્હી હાઈકોર્ટે DLSAના સચિવ મારફતે રિપોર્ટ માગ્યો છે. દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે દોષિતની સજા પર રોક લગાવવા અથવા તેને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે ફોરેન્સિક રિપોર્ટ સહિત વિવિધ પુરાવાઓને ધ્યાનમાં લીધા હતા. દિલ્હી હાઈકોર્ટે ઉત્તર-પશ્ચિમ દિલ્હી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA)ને ન્યાયાધીશનો પત્ર છપાવીને બે અઠવાડિયામાં બાળકી અથવા તેના પરિવાર સુધી પહોંચે તેની ખાતરી કરવા પણ નિર્દેશ આપ્યો છે.
આ કેસની આગામી સુનાવણી 4 નવેમ્બર 2026ના રોજ થશે, જ્યારે આરોપીની અપીલની સુનાવણી 20 જાન્યુઆરી 2027ના રોજ નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન આપેલી માહિતી અનુસાર, NCRBના 2024ના આંકડા મુજબ દિલ્હીમાં POCSO કાયદા હેઠળ 1,553 ગુના નોંધાયા હતા. એટલે કે સરેરાશ દરરોજ ચારથી વધુ કેસ નોંધાયા હતા. 2025નો અહેવાલ હજુ જાહેર થયો નથી.








