Thursday, September 24, 2026
HomeNationalCEC જ્ઞાનેશ કુમાર સામે અવમાનનાની કાર્યવાહી? સુપ્રીમ કોર્ટના વકીલે એટર્ની જનરલ પાસે...

CEC જ્ઞાનેશ કુમાર સામે અવમાનનાની કાર્યવાહી? સુપ્રીમ કોર્ટના વકીલે એટર્ની જનરલ પાસે મંજૂરી માંગી

- Advertisement -

Election Commission fraud Gyanesh Kumar CEC Criminal Contempt Proceedings: સુપ્રીમ કોર્ટના વકીલ બ્રજેશ સિંહે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે કથિત ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરવા માટે એટર્ની જનરલ આર. વેંકટરમણી પાસે મંજૂરી માંગી છે. 24 સપ્ટેમ્બરે લખાયેલા પત્રમાં સિંહે Contempt of Courts Act, 1971ની કલમ 15(1)(b) અને 2(c) તેમજ Rules to Regulate Proceedings for Contempt of the Supreme Court, 1975ના નિયમ 3નો ઉલ્લેખ કર્યો છે.

આ માંગણી 23 સપ્ટેમ્બરે પ્રકાશિત થયેલા Indian Expressના અહેવાલ બાદ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત ચૂંટણી પંચના કેટલાક નિર્ણયો અંગે વાંધો નોંધાવ્યો હતો. આ વાંધાઓમાં Form 6માં ફેરફાર, મતદાર યાદીમાં નામ ઉમેરવા અને હટાવવા તેમજ મતદાર યાદીના ડેટાબેઝની ઍક્સેસના કેન્દ્રીકરણ જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હોવાનું જણાવાયું હતું.

- Advertisement -

બ્રજેશ સિંહના પત્ર મુજબ, બંને ચૂંટણી કમિશનરોએ કેટલાક નિર્ણયો માટે “અનધિકૃત” અને “ગેરકાયદેસર” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સિંહનો આરોપ છે કે આવી કાર્યવાહી ત્રણ સભ્યોના ચૂંટણી પંચની બંધારણીય કાર્યપદ્ધતિથી અલગ રીતે કામ કરવાનું દર્શાવે છે. જોકે, ચૂંટણી પંચે Indian Expressના અહેવાલમાં દર્શાવાયેલા આંતરિક મતભેદના દાવાને નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ ઓપરેશનલ પ્રશ્નો, સૂચનો તથા ડ્રાફ્ટ તબક્કાની રજૂઆતો હતા અને પંચના અંતિમ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા.

સિંહે પોતાની માંગણીમાં સુપ્રીમ કોર્ટના T.N. Seshan Vs. Union of India ના ચુકાદાનો પણ આધાર લીધો છે. તેમનો દાવો છે કે આ ચુકાદા મુજબ ચૂંટણી પંચે બહુ-સભ્ય બંધારણીય સંસ્થા તરીકે કામ કરવાનું છે અને CECની ભૂમિકા “સમાનમાં પ્રથમ” છે, સર્વોચ્ચ એકપક્ષીય સત્તાધિકારીની નહીં.

સિંહે 2023ના Anoop Baranwal Vs. Union of Indiaના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના મતે, આ ચુકાદામાં સ્વતંત્ર ચૂંટણી પંચના મહત્વ અને નિષ્પક્ષ તથા પારદર્શક રીતે ચૂંટણી યોજવાની સંસ્થાકીય જવાબદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

- Advertisement -

અવમાનનાની માંગણીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અન્ય ચૂંટણી કમિશનરોની ભાગીદારી વિના “પૂર્ણ ચૂંટણી પંચ”ના નામે નિર્ણયો અથવા માહિતી જાહેર કરવામાં આવી હોય તો તે બંધારણની કલમ 141 હેઠળ સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા કાયદાની કથિત જાણપૂર્વક અવગણના ગણાઈ શકે છે. સિંહે એવો પણ દાવો કર્યો છે કે અન્ય કમિશનરોની મંજૂરી અથવા ભાગીદારી વિના મતદાર ડેટાબેઝ અને મતદાર યાદીમાં કરવામાં આવેલા કથિત ફેરફારો ચૂંટણી પ્રક્રિયા તથા ચૂંટણી પારદર્શિતા સંબંધિત ન્યાયિક તપાસને અસર કરી શકે છે.

સિંહે Indian Expressની તપાસનો હવાલો આપીને મતદાર યાદીના ડેટાબેઝના “ધીમે ધીમે કેન્દ્રીકરણ” અંગે સંધુ અને જોશીએ ચિંતા વ્યક્ત કરી હોવાનો દાવો કર્યો છે. બંને કમિશનરોએ સિસ્ટમ સુધી કાયદેસર ચૂંટણી અધિકારીઓની ઍક્સેસ પર લાગેલા પ્રતિબંધો અંગે પણ સવાલ ઉઠાવ્યા હોવાનું જણાવાયું છે. Form 6માં અગાઉની Special Intensive Revision (SIR) સાથે જોડાયેલા પ્રશ્નો ઉમેરવા અંગે પણ વાંધો નોંધાવવામાં આવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

સિંહનો દાવો છે કે Indian Expressની તપાસમાં સામે આવેલી વિગતો બંધારણીય વ્યવસ્થાના “લખિત સ્વરૂપે ઉલ્લંઘન” તરફ ઈશારો કરે છે. તેમના મતે, ચૂંટણી પંચના માત્ર એક અથવા બે સભ્યો દ્વારા લેવામાં આવેલા કથિત નિર્ણયો અથવા કાર્યવાહીનો મુદ્દો માત્ર આંતરિક વહીવટી બાબત તરીકે જોવો યોગ્ય નથી.

- Advertisement -

Contempt of Courts Actની કલમ 15(1)(b) હેઠળ સુપ્રીમ કોર્ટમાં ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરવા માટે સંબંધિત રીતે એટર્ની જનરલ અથવા એડવોકેટ જનરલની લેખિત સંમતિ જરૂરી હોય છે. જો જરૂરી સંમતિ મળે, તો જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની કાર્યવાહી આગળ વધી શકે છે.

આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે 23 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પ્રક્રિયા સાથે જોડાયેલા 2023ના કાયદાને પડકારતી અરજીઓને મોટી બેન્ચ સમક્ષ મોકલી હતી. જસ્ટિસ દીપાંકર દત્તાએ પોતાના અલગ અભિપ્રાયમાં વર્તમાન પસંદગી પ્રક્રિયાની સ્વતંત્રતા અંગે પ્રાથમિક શંકા વ્યક્ત કરી હતી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular