Minister abducted at gunpoint in broad daylight in Pakistan : આતંકવાદથી ખદબદતા પાકિસ્તાનમાં સરકારી મંત્રીનું ખુલ્લેઆમ અપહરણ થવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. એક મંત્રીનું અપહરણ અને બીજા પર મંત્રી પર ફાયરિંગ કરવાની ઘટનાને લઈને સરકાર તેમજ સૈન્ય સામે શંકાની આંગળી ચિંધાઈ છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Imran Khan) ના સમર્થનમાં તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ઇસ્લામાબાદ કૂચ (March to Islamabad) નું આયોજન કરી રહી છે તેની વચ્ચે આ ઘટના બની છે.
પેશાવર મોટર-વે ટોલ પ્લાઝા પાસે AK-47 થી સજ્જ હથિયારધારી અને માસ્ક પહેરેલાં શખસોએ ખૈબર પખ્તૂનખ્વાંમાં પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકૂર ખાન (Fazal Shakur Khan) ના વાહનને રોક્યું હતું. સોશિયલ મીડિયા પર કથિત વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. જેમાં અજાણ્યા માસ્ક પહેરેલા શખસોએ મુખ્ય હાઇવે પર અવરોધ ઉભો કરી ફઝલ શકૂર ખાનના વાહનને ઘેરી લઈ ટાયર પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ આગળની પેસેન્જર સીટ પરથી મંત્રીને નીચે ઉતારી દઈ બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું.
આ દરમિયાન મલાકંદમાં PTI ના અગ્રણી નેતા અને કેબિનેટ મંત્રી શકીલ અહેમદને ગોળી મારવામાં આવી હોવાના અહેવાલ છે. આ સમાચાર બાદ મલાકંદમાં લોકો આક્રોશમાં આવી ગયા છે અને પીટીઆઈના કાર્યકરોના મોટા ટોળાએ બટ ખૈલા બાયપાસને બ્લોક કરી દેતા ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. વિરોધ કરી રહેલા પીટીઆઈના કાર્યકરોએ ટાયરો સળગાવી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે રાજ્યના અધિકારીઓને ચેતવણી આપી હતી કે, ચૂંટાયેલા નેતાઓને નિશાન બનાવવાનું હવે સહન કરવામાં આવશે નહીં.
વાસ્તવમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સમર્થનમાં તેમની પાર્ટી PTI આગામી 27 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદ કૂચનું આયોજન કરી રહી છે અને સ્થાનિક સરકાર અને સૈન્ય તેને દબાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ સંદર્ભમાં PTI દાવો કરે છે કે, પાકિસ્તાન સરકાર પોતે જ તેના શાસન હેઠળના રાજ્યના મંત્રીઓને નિશાન બનાવવા માટે પોતાના કર્મચારીઓ મોકલી રહી છે.








