HC on Income Tax 147A: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આવકવેરા અધિનિયમ, 1961માં ઉમેરવામાં આવેલી નવી કલમ 147Aને રદ કરી દીધી છે. આ કલમ રિ-એસેસમેન્ટ એટલે કે પુનર્મૂલ્યાંકન કાર્યવાહી દરમિયાન જ્યુરિસ્ડિક્શનલ એસેસમેન્ટ ઓફિસર (JAO)ની ભૂમિકાને પૂર્વવર્તી અસરથી સ્પષ્ટ કરવા માટે લાવવામાં આવી હતી. જસ્ટિસ દીપક સિબ્બલ અને જસ્ટિસ રૂપિન્દરજીત ચહલની બેન્ચે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
કલમ 147Aને 1 એપ્રિલ, 2021થી પૂર્વવર્તી અસરથી લાગુ કરવામાં આવી હતી. આ જોગવાઈ મુજબ કલમ 148 અને 148Aના હેતુઓ માટે ‘Assessing Officer’ એટલે કે આકારણી અધિકારીનો અર્થ નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર સિવાયના એસેસમેન્ટ ઓફિસર તરીકે કરવામાં આવ્યો હતો. આ જોગવાઈનો સીધો સંબંધ JAO અને ફેસલેસ એસેસમેન્ટ ઓફિસર (FAO)ની સત્તાને લઈને ચાલી રહેલા લાંબા સમયથી ચાલતા વિવાદ સાથે હતો. 2021 પછી ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ મુખ્ય સવાલ એ હતો કે રિ-એસેસમેન્ટ માટેની નોટિસ નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર દ્વારા જારી થવી જોઈએ કે પછી સંબંધિત JAO પણ આવી નોટિસ જારી કરી શકે છે. આ મુદ્દાને લઈને અલગ-અલગ હાઈકોર્ટના ચુકાદાઓમાં પણ મતભેદ જોવા મળ્યો હતો.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ સહિત કેટલાક હાઈકોર્ટે JAO દ્વારા કલમ 148A(D) હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી અને ત્યારબાદ કલમ 148 હેઠળ જારી કરાયેલી નોટિસને રદ કરી હતી. અદાલતોનું કહેવું હતું કે નક્કી કરવામાં આવેલી ફેસલેસ પ્રક્રિયાને બદલે JAO દ્વારા નોટિસ જારી કરવામાં આવી હોવાથી આવી કાર્યવાહી કાયદેસર ગણાવી શકાય નહીં. જોકે, અન્ય કેટલાક હાઈકોર્ટે JAOને આવી કાર્યવાહી કરવાની સત્તા હોવાનું માનીને વિપરીત અભિગમ અપનાવ્યો હતો. આ વિવાદને કારણે JAO-FAO મામલાઓને લઈને આવકવેરા વિભાગ અને કરદાતાઓ વચ્ચે કાનૂની લડાઈ લાંબી ચાલી હતી. કેટલાક હાઈકોર્ટના ચુકાદાઓ સામે આવકવેરા વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલો પણ દાખલ કરવામાં આવી હતી અને આ કેસો સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ હતા.
આ દરમિયાન સંસદે આવકવેરા અધિનિયમમાં પૂર્વવર્તી અસરથી કલમ 147A ઉમેરવામાં આવી. આ જોગવાઈનો હેતુ અગાઉ JAO દ્વારા જારી કરવામાં આવેલી નોટિસોને કાયદાકીય માન્યતા આપવાનો અને જે હાઈકોર્ટોએ આવી નોટિસોને રદ કરી હતી તે ચુકાદાઓની અસરને દૂર કરવાનો હતો. કલમ 147A ઉમેરાયા બાદ સુપ્રીમ કોર્ટે JAO-FAO સાથે જોડાયેલા કેસોના એક બેચને ફરીથી નિર્ણય લેવા માટે સંબંધિત હાઈકોર્ટમાં પરત મોકલ્યો હતો. સુપ્રીમ કોર્ટે કલમ 147Aના પૂર્વવર્તી સમાવેશને ધ્યાનમાં રાખીને આ કેસો પર નવેસરથી વિચાર કરવા જણાવ્યું હતું અને અરજદારોને તેમના સંબંધિત હાઈકોર્ટ સમક્ષ આ કાયદાકીય ફેરફારની બંધારણીય માન્યતાને પડકારવાની છૂટ આપી હતી.
હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કલમ 147Aને જ રદ કરી દેતાં JAOની સત્તા અને ફેસલેસ રિ-એસેસમેન્ટ પ્રક્રિયાને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈમાં મહત્વનો વળાંક આવ્યો છે. આ ચુકાદાની અસર ખાસ કરીને 2021 બાદ JAO દ્વારા જારી કરાયેલી રિ-એસેસમેન્ટ નોટિસ અને તેની કાયદેસરતા સાથે જોડાયેલા કેસો પર પડી શકે છે.








