Bomb blast threat in schools and courts in Ahmedabad Gandhinagar : ‘ગુજરાત બોલશે ખાલિસ્તાન જિંદાબાદ’ લખીને બપોરે બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો મેઈલ મળતા પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતની ટીમો સવારથી દોડતી થઈ ગઈ હતી. ગાંધીનગર કોર્ટ (Gandhinagar Court) અને અમદાવાદની ત્રણ સ્કૂલને બોમ્બથી ઉડાવવા દેવાની ધમકી અપાઈ હતી. આ તમામ સ્થળોએ તપાસ દરમિયાન કોઈ વાંધાજનક ચીજવસ્તુ નહીં મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે. મેઈલમાં ‘બ્રિક્સ પ્રગતિ મેદાનમાં આઈફોન-એન્ડ્રોઈડ બેટરીઓથી ધડાકા થશે, બ્રિક્સના દેશ હિન્દુસ્તાનની મદદ ના કરે’ તેવી પણ ધમકી અપાઈ છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લાં 10 મહિનામાં 6 વખત જુદાજુદા શહેરની સ્કૂલો, કોર્ટ અને વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે.
અમદાવાદના થલજેતની ઉદગમ સ્કૂલ (Udgam School), વેજલપુરની ઝાયડસ સ્કૂલ (Zydus School) અને બોપલની DPS (Delhi Public School) ને બોમ્બથી ઉડાવવાનો મેઈલ મળ્યો હતો. જે બાદ વાલીઓને તાત્કાલિક બાળકોને ઘરે લઈ જવા સૂચના આપી દેવાઈ હતી. તાત્કાલિક સ્કૂલને ખાલી કરવાની સૂચના આપી દેવામાં આવી હતી. ત્યારબાદ સ્કૂલમાં જુદીજુદી ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું. ઝાયડસ સ્કૂલને ધમકી મળતા સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દીધી હતી.








