Pet dog attacks woman in Ahmedabad : અમદાવાદમાં પાલતુ કૂતરાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પેટડોગ જર્મન શેફર્ડે (German Shepherd) પાડોશી મહિલાના કાંડા પર બચકું ભરી ઈજા પહોંચાડી છે. આ મામલે રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) ખાતે કૂતરાના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે (Team AMC) કાર્યવાહી આરંભી છે.
અમદાવાદમાં વસ્ત્રાલ મહાદેવનગરના ટેકરા ખાતે આવેલા હરભોળા પાર્ક વિભાગ-2માં રહેતા કપિલાબહેન મહેન્દ્રભાઈ પ્રજાપતિ (ઉ. 54)એ રામોલ પોલીસને પાડોશી ધર્મિષ્ઠાબહેન દિનેશભાઈ પ્રજાપતિ વિરૂદ્ધ ફરિયાદ આપી છે. શુક્રવારે જન્માષ્ટમીની સાંજે કપિલાબહેન ઘરના આંગણામાં કચરો વાળીને બહાર ફેંકવા જતા હતા તે સમયે પાડોશીના ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી તેમનો પાલતુ કૂતરું દોડી આવ્યું અને જમણા કાંડ પર બચકું ભરી લીધું હતું. કપિલાબહેનને સારવાર અર્થે 108માં એએમસી કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે લઈ ગયા હતા. પોલીસ ફરિયાદમાં ચાર મહિના અગાઉ આ જ જર્મન શેફર્ડ પેટડોગે કપિલાબહેનના પગ તેમજ હાથ પર બચકા ભરી ઈજાઓ પહોંચાડી હોવાનો ઉલ્લેખ કરાયો છે.








