Sunday, September 13, 2026
HomeGujaratATS માટે રુપા એવો કાંટો બની જે ચાલાક DCP ને ઊંડો ઘા...

ATS માટે રુપા એવો કાંટો બની જે ચાલાક DCP ને ઊંડો ઘા કરવાનો હતો | શતરંજ-27

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-27, નવજીવન ન્યૂઝ): બીજા દિવસે સવારે કેટલાક લોકો એટીએસની ઑફિસ બહાર ઊભા હતા. તેમને સંત્રીએ સૂચના આપી હતી, “સાહેબ આવે એટલે તમને અંદર જવા દઈશ.” દર અડધો કલાકે તેઓ પૂછતા હતા. “સાહેબ ક્યારે આવશે?” સંત્રી પોતાની મજબૂરી વ્યક્ત કરતાં કહેતો : “સાહેબને કોણ પૂછે?” બાર વાગ્યે એક જિપ્સી કાર એટીએસમાં દાખલ થઈ. તરત ગેટ ઉપર ઊભા રહેલા માણસો સંત્રી પાસે ગયા. તેમનો પ્રશ્ન સંત્રીને ખબર હતી એટલે તેણે સામેથી કહ્યું : “આ તો ઇન્સ્પેક્ટર રાજપૂત સાહેબ છે, મોટા સાહેબ હજુ આવશે.” રાજપૂત નામ સાંભળતાં કેટલાકના ચહેરા ઉપર ભાવ બદલાયા. તેમને લાગ્યું કે આ નામ તો તેમણે સાંભળ્યું છે ને! એક યુવકે બીજાના કાનમાં જઈને કંઈક કહ્યું, તરત પેલા યુવકની આંખોમાં પણ ચમક આવી. પેલો યુવક તરત સંત્રી પાસે ખાતરી કરાવવા ગયો. તેણે સંત્રીને પૂછ્યું : “રાજપૂત સાહેબ? જેમણે ઍન્કાઉન્ટર કર્યું તે જ ને?” સંત્રીએ કંઈક યાદ કર્યું, તેણે માથું હલાવી હા પાડી. તરત પેલી વ્યક્તિએ કહ્યું : “રાજપૂત સાહેબ સાથે વાત થઈ જાય તો પણ ચાલશે.” સંત્રી વિચારમાં પડ્યો. હમણાં સુધી આ લોકો ઇન્દ્રસિંહ જાડેજાની રાહ જોતા હતા. હવે કેતન રાજપૂત પણ ચાલશે તેવું કહી રહ્યા હતા!

જોકે સંત્રી હોવાને કારણે તેના ભાગે બહુ વિચારવાનું હોતું નથી તેવી તેને ખબર હતી. એટલે તેણે કહ્યું : “સાહેબ હજી હમણાં જ આવ્યા છે, ઑફિસમાં દીવાબત્તી કરશે. દસ મિનિટ પછી મૅસેજ મોકલું.” દીવાબત્તી શબ્દો સાંભળી પેલી વ્યક્તિઓને કંઈ ગમ્યું નહીં તેવું દેખાઈ આવતું હતું. પણ સંત્રીનો આદેશ માન્યા સિવાય કોઈ રસ્તો ન હતો. તેઓ રાહ જોઈ રહ્યા હતા. પંદર મિનિટ થઈ… પેલા પાછા સંત્રી પાસે ગયા. તરત સંત્રીએ ઇન્ટરકૉમ ફોન ઉપાડ્યો અને અંદર સૂચના આપી કે, રાજપૂત સાહેબને કોઈ મળવા માગે છે. સામે છેડેથી કોણ મળવા માગે છે તેવું પૂછવામાં આવ્યું હશે, એટલે સંત્રીએ ફોન ઉપર આડો હાથ મૂકતાં, પેલી વ્યક્તિને પૂછ્યું : “શું નામ તમારું?” પેલી વ્યક્તિએ તરત કહ્યું : “નૂરુ. રાજસ્થાનથી આવું છું.” એક ક્ષણ માટે અટકીને કહ્યું : “નિઝામનો ભાઈ છું.” સંત્રીએ તે જ શબ્દ દોહરાવ્યા અને ફોન મૂકતાં કહ્યું : “હમણાં ફોન આવશે.” થયું પણ એવું. તરત ફોન આવ્યો. સંત્રીએ કહ્યું, “કેટલા માણસો છો?” પછી ગણતો હોય તેમ બધાં માથાં તરફ ફરી કહ્યું, “વધારે નહીં જતાં, બે-ત્રણ જ જાઓ. “ત્યાં હાજર લોકો તરફ નજર કરતા નૂરુએ બે વ્યક્તિને ઇશારો કરતાં કહ્યું : “આપ ચલો મેરે સાથ.” નૂરુ સાથે કુલ ત્રણ વ્યક્તિઓ અંદર ગઈ. કોઈ શ્રીમંતનો બંગલો હોય તેવું જૂનું નળિયાંવાળું બાંધકામ ધરાવતી એટીએસની ઑફિસમાં તેઓ દાખલ થયા. ક્યાં જવાનું તેવું વિચારી રહ્યા હતા, ત્યાં સિવિલ ડ્રેસમાં રહેલા એક પોલીસવાળાએ પૂછ્યું : “કિસ કો મિલના હૈ?” રાજપૂતનું નામ સાંભળતાં તેણે ઇશારો કર્યો : “વો પીછે તીન મંજીલા ઇમારત દિખતી હૈ, ઉસકે પહલે માલે પે.” ઑફિસનો આગળનો ભાગ હતો, તે બંગલો જ હતો, પાછળ નવું બાંધકામ હતું. આગળના જૂના બાંધકામમાં ડીસીપી ઇન્દ્રસિંહ જાડેજાની એકલાની ઑફિસ હતી, નવા બિલ્ડિંગમાં ઇન્સ્પેક્ટરો અને સબ-ઇન્સ્પેક્ટરોની ઑફિસ હતી. નવા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કમાન્ડો અને એસઆરપી જવાનોની બૅરેક હતી. નૂરુએ તે તરત જોયું. બોર્ડર ઉપર જે રીતે સૈન્યના જવાનો પડ્યા હોય તેમ કમાન્ડો પોતાની રાઇફલોની બાજુમાં સૂઈ રહ્યા હતા. એક ખૂણામાં, તેમનાં ટિફિનો પડ્યાં હતાં. નૂરુ માટે આવો માહોલ જોવાનો પહેલી વખત વારો આવ્યો હતો.

- Advertisement -

પહેલા માળે જઈ રહેલી ત્રણે વ્યક્તિના ચહેરા ઉપર એક પ્રકારનો ડર હતો. તે આજુબાજુ ડાફોળિયાં મારી રહી હતી. ઉપરના માળે લૉબીમાં પહોંચતાં જ ત્યાં એક સંત્રી હતો. તેને નૂરુએ રાજપૂતની ચેમ્બર અંગે પૂછતાં તેણે જવાબ આપ્યો : “ડાબી બાજુ ત્રીજી.” તેઓ ચેમ્બર બહાર પહોંચ્યા. નેમ પ્લેટ લાગેલી હતી : ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત. ચેમ્બરનો દરવાજો કાચનો પારદર્શક હતો, બહાર કોણ છે તે કેતન જોઈ શકતો હતો. તેની નજર ત્યારે જ બહાર ગઈ જ્યારે નૂરુ અંદર જવા માટે કોને પૂછું તેવો વિચાર કરી રહ્યો હતો. કેતને હાથનો ઇશારો કરી, અંદર આવવા કહ્યું. નૂરુ અંદર દાખલ થયો. કેતન સામે હાથ જોડી કહ્યું : “નમસ્તે સર.” કેતને તેની સામે જોતાં તેણે કહ્યું, “સર, મૈં નિઝામ કા ભાઈ હૂં.” કેતને તેને તરત કહ્યું, “બેઠો નૂરુ.” તેમ કહી તેણે ખુરશી તરફ ઇશારો કર્યો. કેતનનું ધ્યાન તેની સાથે રહેલી બે વ્યક્તિ તરફ જતાં જ નૂરુએ કહ્યું, “સર, મેરે કઝિન હૈં.” કેતને તેમને પણ બેસવાની સૂચના આપી. કંઈ પણ વાત શરૂ થાય તે પહેલાં કેતને બેલ વગાડી પોલીસ કૉન્સ્ટેબલને બોલાવી ચા-પાણીની સૂચના આપી.

નૂરુ સામે જોતાં પૂછ્યું : “ક્યા કર રહે હો તુમ?” નૂરુએ પોતાનો પરિચય આપતાં કહ્યું : “સર, મેં ગવર્નમેન્ટ સર્વન્ટ હૂં. રાજસ્થાન ઈલેક્ટ્રીસિટી બોર્ડ મેં જૉબ કરતા હૂં.” આ સાંભળતાં કેતને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું : “ક્યા બાત કરતો હો? તુમ સરકારી નોકરી કરતે હો ઔર નિઝામ વો… ક્યા કર રહા થા?” નૂરુને પોતાના ભાઈના કામનો ઉલ્લેખ થતાં ખરાબ લાગ્યું. પોતાના નસીબને જ દોષ દેતો હોય તેમ તેણે કહ્યું : “ક્યાં કરૂં સા’બ, બચપન સે મૈં ઉસે સમજા રહા થા, નહીં માના. ઉસે ખૂબ પૈસા કમાના થા. મેરે અબ્બુ ઔર અમ્મી ભી ઉસે સમજાતે થે. ઇસકે લિયે કિતની મન્નતે રખી, લેકિન ઉસે અપની જિંદગી જીની થી.” પછી તે શાંત થઈ ગયો. તેની આંખોના ખૂણા ભીના થયા હતા. તે સાફ કરતાં જાણે એકલો બોલતો હોય તે રીતે બોલ્યો : “ખૂબ જી લિયા ઉસને” ત્યાં જ ચા અને પાણી લઈ કૉન્સ્ટેબલ આવ્યો. પાણીનો ગ્લાસ ટેબલ ઉપર મૂકતાં કેતને પોતે ગ્લાસ લઈ નૂરુને પાણી આપ્યું. ચા લેવાનો ઇશારો કર્યો. પછી પાંચ-સાત મિનિટ સુધી કોઈ સંવાદ થયો નહીં. બધા જ શાંત હતા. નિઝામ ગુનેગાર હતો પણ નૂરુનો ભાઈ હતો.

નૂરુએ જ વાત કરતાં કહ્યું, “મુઝે ઐસા હોગા ઉસ બાત કા ડર રહતા થા, મૈંને ઉસે બતાયા ભી થા, ઉસકા ઘર આના-જાના બહુત કમ થા. જબસે મૈંને ઉસકો ડાંટના શુરૂ કિયા તો બાદ મેં વહ સિર્ફ ફોન કર લેતા થા. રૂપા કે સાથ સાદી બનાયા તબ એક બાર ઘર આયા થા. તબ ભી મૈંને બોલા થા, યે લડકી કે સામને દેખ… ઉસકી જિંદગી ક્યૂં ખરાબ કર રહા હૈ? સા’બ, રૂપા ઉસકો અચ્છી મિલી. સમજદાર હૈ. રૂપાને મુઝે વાદા કિયા થા, વો ઉસે ગલત રાસ્તોં સે વાપસ લાયેંગી. લેકિન ઉસે ભી વક્ત નહીં મિલા.” પાછા નૂરુની આંખમાં આંસુ આવી ગયાં. તેને બોલવું હતું, રડવું હતું, અફસોસ વ્યક્ત કરવો હતો. તેને જ્યારે રાજસ્થાન પોલીસ દ્વારા નિઝામના ઍન્કાઉન્ટરના સમાચાર મળ્યા ત્યાંથી લઈ તે અમદાવાદ આવ્યો ત્યાં સુધી રડ્યો જ ન હતો. તે પહેલી વખત રડી રહ્યો હતો. તેની વાતો અને તેની આંખોનાં આંસુ નિઝામને ગોળી મારનાર કેતન રાજપૂતને પણ અંદરથી ડિસ્ટર્બ કરી રહ્યાં હતાં. કેતનને થતું કે નૂરુ તેની ચેમ્બરની બહાર નીકળી જાય તો સારું. પણ તે તેવું કહી શક્યો નહીં, તે નૂરુને વાત કરતો અટકાવી શક્યો નહીં. નિઝામ મરી ગયો અને તેના મોટા ભાઈ તરીકે નૂરુ કંઈ કરી શક્યો નહીં, તેને બચાવી શક્યો નહીં, તેની જ તે વાત કરી રહ્યો હતો. આ વાતો એકાદ કલાક ચાલી હશે.

- Advertisement -

અચાનક નૂરુને પોતે જે કામ માટે આવ્યો છે તે વાત યાદ આવતાં તેણે રૂમાલ કાઢી આંખો સાફ કરતાં કહ્યું : “સર, હમેં નિઝામ કી બૉડી કબ મિલેગી? હમ ઉસકા દફનવિધિ હમારે ગાંવ કરના ચાહતે હૈં.” તરત કેતન ખુરશીમાંથી ઊભો થયો. તેણે કહ્યું : “નહીં નહીં, ઇંતેજામ કર દેતે હૈં… સિર્ફ એક બાર સા’બ કો પૂછ લેતા હૂં.” તેમ કહી તે ઊભો થઈ પોતાની ચેમ્બરની બહાર નીકળ્યો અને ઇન્દ્રસિંહ જાડેજાને મોબાઇલ ફોન લગાડ્યો. તે નૂરુની સામે ફોન કરવા માગતો ન હતો માટે ચેમ્બર બહાર આવ્યો હતો, ફોન રિસીવ થતાં કેતને કહ્યું : “જયહિંદ સર. નિઝામનો ભાઈ અને તેનાં સગાંઓ બૉડી લેવા આવ્યાં છે.” સામે છેડેથી કેટલાક સવાલો પૂછવામાં આવ્યા તેનો જવાબ કેતન ‘સર’ ‘સર’ ‘યસ સર’ ‘યસ સર…’ કહીને આપતો હતો. કેતનનું છેલ્લું વાક્ય હતું : “ના, ના, સર, કોઈ માથાકૂટ નથી. એકદમ સીધો માણસ છે, ગાય જેવો. ચિંતાનું કોઈ કારણ નથી. હું હૅન્ડલ કરી લઈશ.” ફોન મૂકી ચેમ્બરમાં દાખલ થતાં તેણે પોતાના સ્ક્વૉડ તરફ જોઈ બૂમ પાડતાં કહ્યું : “અરે, રાઇટરને બોલાવો.” કેતન પાછો પોતાની ખુરશીમાં આવી બેઠો, તેણે નૂરુને કહ્યું : “સાહેબ સાથે વાત થઈ ગઈ છે, બધી ફૉર્માલિટી પૂરી કરી દઈએ.” પછી તરત યાદ આવ્યું હોય તેમ પૂછ્યું : “તમારી પાસે ફોટો-આઇડેન્ટિટી તો છે ને?” નૂરુએ તરત પોતાની નોકરીનું ઓળખકાર્ડ બતાવ્યું. “કંઈ વાંધો નહીં”… ત્યાં રાઇટર મહેન્દ્રસિંહ અંદર આવ્યો. કેતને નૂરુ તરફ ઇશારો કરતાં કહ્યું : “આ નૂરુભાઈ છે. નિઝામના ભાઈ. આપણે તેમને બૉડી સોંપવાની છે, તેમનું કામ ફટાફટ પતાવી દો, તેમની સાથે સિવિલ જા અને કોલ્ડ સ્ટોરેજમાંથી બૉડી અપાવી દે. બૉડી સોંપ્યાની રસીદ લઈ લેજે.” રાજપૂત એક સાથે અનેક સૂચના આપી રહ્યા હતા. પાછું મહત્ત્વનું કંઈક યાદ આવ્યું હોય તેમ કહ્યું : “જો બૉડી તેમને સોંપી દે પછી આપણા કોઈ ઓળખીતા ડેડ-બૉડીવાનવાળાને કહેજે કે રાજસ્થાન જવાનું છે અને આમની પાસેથી પૈસા લેવાના નથી.” નૂરુ તો ત્યારે અહોભાવ સાથે કેતન રાજપૂતને જોઈ રહ્યો, તેણે ડેડ-બૉડીવાનની વ્યવસ્થાની વાત સાંભળતાં કહ્યું : “સર, હમ વ્યવસ્થા કર લેંગે. આપ ક્યોં તકલીફ લેતે હો.” કેતને તરત પૂછ્યું : “આપકો કોઈ જાનતા હે, યહાં?” નૂરુએ ના પાડતાં તેણે કહ્યું : “તો આપ ચિંતા છોડો ના.” રાઇટર મહેન્દ્રસિંહ નૂરુ અને તેની સાથે આવેલા લોકોને પોતાની ઑફિસ તરફ જરૂરી કાગળિયાં કરવા લઈ ગયો, ત્યારે કેતનને થયું… હાશ, ખબર નહીં કેમ નૂરુની હાજરી અને વાતોને કારણે કેતનનું માથું ભારે થઈ ગયું હતું! તેણે સિગારેટ કાઢી અને દમ મારવા લાગ્યો.

લગભગ અડધો કલાક પછી મહેન્દ્રસિંહની સાથે નૂરુ પાછો કેતનની ચેમ્બરમાં આવ્યો. મહેન્દ્રસિંહે કહ્યું : “નિવેદન નોંધી લીધું છે, સિવિલ જઈએ છીએ.” નૂરુએ કેતનનો આભાર માન્યો અને બહાર નીકળ્યો… પણ પાછો ચેમ્બરમાં આવ્યો અને તેણે પૂછ્યું : “સર, રૂપા કહાં હૈ?” કેતન સ્તબ્ધ થઈ ગયો. તેને આ પ્રશ્નની અપેક્ષા જ ન હતી… રૂપા હજી એટીએસની કસ્ટડીમાં ગોલ્ડન ફાર્મમાં જ હતી. કેતન રૂપા વિશેનો પ્રશ્ન સાંભળી કંઈ જવાબ આપી શક્યો જ નહીં. નૂરુએ કહ્યું, “સર, નિઝામને પાંચ રોજ પહલે મુઝે કૉલ કિયા થા, તબ બતાયા થા કિ વો સોલાપુર હૈ, બાદ મેં વો મેરી ફૂફી કે ઘર હુબલી જાનેવાલા થા. રૂપા ભી સાથ મેં થી ઐસા ભી બોલા થા.” આટલું બોલી ખુદ નૂરુ પણ વિચારમાં પડી ગયો કે, ક્યાં સોલાપુર, ક્યાં અમદાવાદ અને ક્યાં ગઈ રૂપા! કેતન સ્વસ્થ થઈ ગયો હોય તેવા પ્રયત્ન કરતાં કહ્યું : “અરે ઉસકો તો હમને મોટર સાઇકલ પે દેખા થા તબ ઉસકે સાથ કોઈ ઔરત નહીં થી.” નૂરુને કંઈ સમજાઈ રહ્યું ન હતું. અચાનક તેને રૂપા યાદ આવી અને કેતનના ચહેરા ઉપરનું નૂર ઊડી ગયું હતું. નૂરુ હજી દરવાજામાં જ ઊભો હતો. તેણે કેતન સામે જોતા કહ્યું, “રૂપા ભલે હિંદુ હૈ, લેકિન મેરે ભાઈકી બીવી હોને કે કારણ અબ વો હમારી જિમ્મેવારી હૈ.” નાનું બાળક જાણે પોતાની માને સમજાવતું હોય તેમ કેતને નૂરુ સામે જોતાં કહ્યું : “સચ બોલે તો હમ રૂપા કે બારે મેં કુછ નહીં જાનતે. દેખા ભી નહીં.” પછી નૂરુ ત્યાંથી સિવિલ જવા નીકળ્યો.

કેતન રાજપૂતના માથા ઉપર રૂપા નામનો બૉમ્બ પડ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ. મગજમાં શૂન્યાવકાશ સર્જાઈ ગયો. રૂપા… હજી, તેનું શું કરવાનું તે તેણે વિચાર્યું જ ન હતું. ફાર્મ હાઉસ ઉપર જે પોલીસની ડ્યૂટી હતી, તેમણે બે વખત ફોન કરીને કહ્યું હતું કે, “રૂપા વારંવાર ‘નિઝામ ક્યાં છે, ક્યારે આવશે, તેની સાથે મારી વાત કરાવો’ તેવું કહી રહી છે.” કેતને ત્યારે તેના સ્ટાફને કહ્યું હતું કે, “પૂછપરછ ચાલુ છે તેવું કહી દો.” કેતન પર ત્યાં જ ઇન્દ્રસિંહનો ફોન આવ્યો. તેણે નૂરુ સિવિલ ગયો હોવાની જાણકારી આપી હતી. તરત તેમણે સૂચના પણ આપી કે “આપણા પોલીસવાળાને કહી રાખજો કે નૂરુ ત્યાં કોને મળે છે અથવા તેને મળવા માટે કોણ કોણ આવે છે… તેની ઉપર નજર રાખે.” ફોન ઉપર વાત કર્યા પછી પાંચ જ મિનિટમાં ઇન્દ્રસિંહ જાતે ઑફિસ આવી ગયા. કદાચ તે સર્કિટ હાઉસ જ બેઠા હશે. તેઓ નૂરુનો સામનો કરવા માગતા ન હતા, તેના કારણે નૂરુ જાય તેની રાહ જોઈ તે ત્યાં બેઠા હશે.

- Advertisement -

ઑફિસ આવતાં જ તેમણે કેતનને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો. કેતન પાસેથી નૂરુ સાથે શી વાત થઈ તેની ઝીણી ઝીણી વિગતો પૂછી રહ્યા હતા. કેટલીક વિગતો તે ટપકાવતા પણ હતા. કેતને જ્યારે રૂપાની વાત કરી ત્યારે તેઓ પણ ગંભીર થઈ ગયા હતા. ખરેખર તેમણે રૂપાનો પ્રશ્ન ગંભીર હોવા છતાં હજી સુધી તેને ગંભીરતાપૂર્વક લીધો ન હતો, નિઝામના ઍન્કાઉન્ટરનું પ્રોપર પ્લાનિંગ થયું હતું, પણ તે પ્લાનિંગમાં રૂપા નામનું કોઈ પાત્ર ઉમેરાશે તેની તો ખબર જ ન હતી. પરીક્ષામાં કોર્સ બહારનો પ્રશ્ન પુછાઈ જાય તેવી હાલત તેમની થઈ હતી. તે પણ રૂપાને કારણે મૂંઝવણમાં હતા. નિઝામની સાથે સોલાપુરથી લઈ અમદાવાદ સુધી કોઈ હતું કે રામ અને રૂપા જ હતાં? રામ મોઢું ખોલવાનો નથી તેવી ખાતરી હતી અને તે હવે જયપુરની જેલમાં પહોંચી ગયો હતો, બાકી હતું તે રૂપાનું હતું? તે ગુનેગાર પણ ન હતી અને સ્ત્રી હતી, તેના કારણે હવે શું કરવું તેની ખબર પડતી ન હતી. આમ તો ઇન્દ્રસિંહ પોતાને શાતિર (ચાલાક) ખેલાડી સમજતા હતા પણ હવે તેમની બુદ્ધિ જવાબ આપી રહી હતી. તેમણે હવે શું કરવું જોઈએ તે માટે ડીસીપી જે. કે. વછરાજાનીની સલાહ લેવાનો નિર્ણય કર્યો હતો.

નૂરુ સિવિલ હૉસ્પિટલ પહોંચી ગયો હતો. તે નિઝામની ડેડ બૉડી લઈ રહ્યો હતો. ત્યાં આદેશ પહોંચી ગયો. તેણે નિઝામના ભાઈ નૂરને પોતાનો પરિચય આપી કેટલીક જાણકારી મેળવી હતી. ત્યાં અમદાવાદના કેટલાક મુસ્લિમ આગેવાનો ‘માય રાઇટ’ નામની એનજીઓ ચલાવતા રાકેશસિંહને લઈ સિવિલ પહોંચ્યા હતા. રાકેશસિંહે નૂરુને આશ્વાસન આપતાં કહ્યું : “તુમ્હારે ભાઈ કા મર્ડર કરનેવાલે પોલીસવાલોં કો જેલ મેં ભેજ કે રહૂંગા.” એટીએસનો રાઇટર મહેન્દ્રસિંહ આ આખી ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યો હતો.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular