Controversial DCP Rajdeepsinh Nakum to be transferred : સુરત શહેરમાં બનેલી કેટલીક ઘટનાઓ છેલ્લાં કેટલાંક મહિનાઓથી વિવાદો અને ચર્ચાઓમાં છે. એ નાસીરનગરનું ડિમોલિશન હોય કે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને માર મારવાની ઘટના. નાસીરનગર ડિમોલિશનના વિવાદમાં સામે એક IAS અને એક IPS અધિકારીને છાવરવામાં આવતા હોય તેવું હાઇકોર્ટ કહી ચૂકી છે. જેમાંના એક અધિકારી SMC કમિશનર એસ. નાગરાજનની સરકારે ગત મંગળવારે બદલી કરી દીધી છે. બીજા અધિકારી Surat SOG DCP રાજદીપસિંહ નકુમ નાસીરનગર ઉપરાંત અન્ય એક કેસમાં ભેરવાયા છે. આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં માર મારવાના મામલામાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો (Gujarat High Court Suomoto) લેતા ડીસીપી નકુમની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાઇકોર્ટે ડીસીપી રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કરી દેવા રાજ્ય સરકારને હુકમ કર્યો છે. ડીસીપી નકુમની બદલી ક્યાં થશે અને ક્યારે થશે ? તેને લઈને પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
કોણ છે વિવાદીત ડીસીપી નકુમ ?
રાજદીપસિંહ એન. નકુમ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. વર્ષ 2011માં ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. ડીવાયએસપી તરીકે જુદાજુદા સ્થાને નોકરી કરી ચૂક્યા છે. અગાઉ બોટાદમાં નાયબ પોલીસ અધિક્ષક (DySP) તરીકે નકુમ ફરજ બજાવતા હતા ત્યારે એક વિવાદિત ઘટનાને કારણે તેમની બદલી કરવામાં આવી હતી. રાજદીપસિંહ નકુમની સામે અદાલતમાં કસ્ટોડિયલ એસોલ્ટ (કસ્ટડીમાં મારઝૂડ) નો આરોપ લાગ્યો હતો અને મામલો કોર્ટમાં ચરમસીમાએ પહોંચ્યો હતો. રાજદીપસિંહ નકુમ મે-2022થી સુરત એસઓજી ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તાજેતરમાં જ ડીસીપી નકુમ IPS તરીકે નોમિનેટ થયા છે.
સરકારી વકીલે HCને શું વિનંતી કરી ?
જાહેરમાં આરોપીને માર મારવા તેમજ સરઘસ કાઢવાના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, DGP Gujarat ના આદેશથી સુરત પોલીસ કમિશનરે એડિશનલ સીપી (ક્રાઇમ)ને આ ઘટનાની તપાસ સોંપી છે. આજે 14 ઓગસ્ટના રોજ હાઇકોર્ટે કડક વલણ અપનાવતા સરકારી વકીલે વિનંતી કરી હતી કે, કોર્ટ આ અંગે હુકમમાં કોઈ નોંધ ન લે, સરકાર સ્વયં ગંભીરતા સમજીને યોગ્ય કાર્યવાહી કરશે. આગામી શુક્રવારે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.








