Monday, August 17, 2026
HomeGujaratએવો પત્રકાર કે જેનાથી ગુજરાતના મુખ્યમંત્રી અને ખુદ લતિફને પણ ડરતા મેં...

એવો પત્રકાર કે જેનાથી ગુજરાતના મુખ્યમંત્રી અને ખુદ લતિફને પણ ડરતા મેં જોયાઃ પ્રશાંત દયાળ

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ, નવજીવન ન્યૂઝ):
પ્રિય મિત્ર ચારુને અર્પણ,

આ સંબંધની શરૂઆત કંઈક આ રીતે થઈ હતી. હું જર્નાલિઝમ કરી, હજી આવ્યો જ હતો. મારું પત્રકારત્વનું કોઈ બૅકગ્રાઉન્ડ ન હતું. મારાં માતા-પિતા સરકારી અમલદાર હતાં. તેમની ઇચ્છા તો મારે પણ સરકારી નોકરી કરવી જોઈએ તેવી હતી, પણ તેવું હું કરવા માગતો નહોતો. જર્નાલિઝમની કૉલેજમાં ઍડમિશન લેવાથી માંડીને ડિગ્રી લઈ બહાર નીકળ્યા પછી નોકરી શોધવાની જદોજહદ મારે એકલાએ જ કરવાની હતી. તેની મારી તૈયારી પણ હતી, પરંતુ જ્યારે ખરેખર હું આ ફિલ્ડમાં આવ્યો ત્યારે મારી કલ્પના કરતાં મારી દુનિયા વધારે ડરામણી હતી. હું કૉલેજમાં જે કંઈ ભણ્યો હતો, તેમાંનું કશુંયે મને અહીંયાં કામ આવતું નહોતું. મારી હાલત તો સ્વિમિંગ કેવી રીતે કરવું તે વિશેનું પુસ્તક વાંચી સ્વિમિંગ પુલમાં કૂદી પડેલી વ્યક્તિ જેવી હતી. મારી મદદ કરનારમાં બહુ ઓછા મિત્રો હતા. મારી પહેલી નોકરીની શરૂઆત ‘સમભાવ’ અખબારથી થઈ હતી (પહેલાં પગાર વગર અને પછી માસિક પાંચસોના પગારે).

- Advertisement -

તે દિવસ મને બરાબર યાદ છે જ્યારે હું ‘સમભાવ’ની ઑફિસમાં એક ખૂણામાં લાકડાના ટેબલ ઉપર બેઠો હતો. મારી બાજુમાં જનક પુરોહિત બેઠા હતા. એક વ્યક્તિએ અમારા રિપોર્ટિંગ રૂમમાં પ્રવેશ કર્યો. બ્લૂ રંગનું પૅન્ટ, ઇન કરેલું સફેદ શર્ટ, હાથમાં સળગતી સિગારેટ અને લાલ આંખો. તેણે મોટા અવાજે પૂછ્યું, ‘એય ધૂની, શું ચાલે છે?’ તે એક પછી એક બધા સાથે એકસરખા ડેસિબલમાં વાત કરતો હતો. ‘તે કોણ છે? આવી રીતે કેમ વાત કરે છે?’ તેવા અનેક પ્રશ્નો એકસાથે મારા મગજમાં દોડી રહ્યા હતા. એક તરફ પત્રકારત્વ ક્ષેત્રે નવો હતો, બીજી તરફ સત્તાવાહી અવાજમાં વાત કરતી વ્યક્તિને પહેલી વખત જોઈ રહ્યો હતો. મનમાં હતું કે આ વ્યક્તિનું ધ્યાન મારી ઉપર ના પડે તો સારું. પણ તેમ ન બન્યું. વાત કરતાં કરતાં અને સિગારેટનો કશ ખેંચતાં તેની નજર મારી ઉપર પડી. તેના ચહેરા ઉપર રહેલી રૂક્ષતામાં થોડો ઘટાડો થયો. તેણે આશ્ચર્ય સાથે મારી સામે જોયું. જોકે તેણે તે ઊંચા અવાજમાં મને પૂછ્યું, ‘નવો આવ્યો છે છોકરા?’ મેં માત્ર હકારમાં માથું હલાવ્યું. તેણે મને તરત ‘ક્યાં રહે છે? ક્યાં ભણ્યો?’ તેવા એકસાથે પાંચ-સાત સવાલ પૂછી નાખ્યા. મને તો પહેલો જ સવાલ યાદ રહ્યો… મેં કહ્યું, ‘નારણપુરા.’ તેણે તરત કહ્યું, ‘હું પણ ત્યાં જ રહું છું, રાત્રે સાથે ઘરે જઈશું.’ તેનું વાક્ય સાંભળતાં મને ફાળ પડી : બાપ રે, આ માણસ સાથે ઘરે જવાનું?! મેં મારી બાજુમાં બેઠેલા સાથી જયેશ ગઢવી સામે જોયું. તેણે મને કહ્યું, ‘ચારુદત્ત વ્યાસ છે. જનસત્તામાં છે. મારા અને મારા જેવા અનેકના ગુરુ છે.’ મને આ માણસ કોઈ પણ ઍંગલથી પત્રકાર લાગતો નહોતો.

રાત્રે નવ વાગ્યા હશે. ઑફિસમાં ચારુદત્ત વ્યાસની એન્ટ્રી થઈ. ઑફિસમાં દાખલ થતાં જ તેણે મને મોટા અવાજે કહ્યું, ‘ચાલ છોકરા, નીકળીએ.’ હું કંઈ પણ બોલ્યા વગર મારી અનિચ્છાએ તેની પાછળ ચાલવા લાગ્યો. તેની પાસે મોટરસાઇકલ હતી. મારી પાસે સ્કૂટર હતું. તે આખા રસ્તે મારી સાથે વાત કરતો હતો. હું તેને ‘હા’ અને ‘ના’માં જવાબ પણ આપતો હતો. પણ હું અંદરથી એટલો ડરેલો હતો કે તેની કોઈ વાત મને યાદ રહી જ નહીં. મને હતું કે જલદી ઘર આવી જાય તો સારું. તે વિજયનગર રહેતો. તેના ઘરના અડધા કિલોમીટર પછી પ્રગતિનગરમાં મારું ઘર હતું. વિજયનગર આવતાં જ તેણે તેના ઘર પાસે મોટરસાઇકલ ઊભી રાખી. તેણે હાથનો ઇશારો કરી પોતાનું ઘર બતાવતાં કહ્યું, ‘આ મારું ઘર છે, કંઈ પણ કામ હોય તો આવી જવું. ચિંતા કરતો નહીં.’ તે લગભગ મારા કરતાં પંદર વર્ષ મોટો હતો. આ મારી પહેલી મુલાકાત હતી.

બીજા દિવસે પણ તેવું જ બન્યું. રાત્રે ઘરે જતી વખતે તે લેવા આવ્યો. એકાદ-બે દિવસ પછી તે મને તેના ઘરે લઈ ગયો. તેણે પોતાના પરિવાર સાથે મારો પરિચય કરાવ્યો. તેણે મને કહ્યું, ‘આ મારી પત્ની દીપિકા છે, અને આ મારો દીકરો ધવલ.’ અમારી મિત્રતા આગળ વધી. તે મને ફિલ્ડમાં સાથે લઈ જતો. તે મને કંઈ શિખવાડતો નહીં. પણ તે કેવી રીતે લોકો સાથે વાત કરે છે, સમાચાર કેવી રીતે મેળવે છે, તેને હું ઑબ્ઝર્વ કરતો હતો. મને સમજાયું કે આ માણસ પોતાના ફિલ્ડમાં માસ્ટર છે. મેં તેની કામની દાદાગીરીને કારણે રાજ્યના મુખ્યમંત્રીથી લઈ અમદાવાદના કુખ્યાત અબ્દુલ લતીફને પણ ડરતા જોયો હતો. તે બેઝિકલી ક્રાઇમ રિપોર્ટર હતો, પણ પોલિટિકલ સંબંધો અને રિપોર્ટિંગ ઉપર પણ તેની પકડ હતી. તેણે મને સમજાવ્યું હતું કે જો ક્રાઇમ રિપોર્ટિંગ કરવું હોય તો પોલિટિક્સની પણ તમને સમજ હોવી જોઈએ, કારણ કે ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અને પોલિટિકલ લીડરના સંબંધો ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય છે. મારે પત્રકારત્વને પણ સમજવું હતું અને મારે ચારુમાં રહેલા માણસને પણ મળવું હતું. મને પહેલી વખત મળ્યા પછી ચારુનો જે ડર લાગતો હતો, તે ઓગળવા લાગ્યો હતો. તેને બધા માન આપતા, પણ તેની પીઠ ફરે, એટલે તેને ગાળો આપતા. મને સમજાતું નહોતું, કે લોકો તેનાથી કેમ ડરે છે. કદાચ તેનામાં જે ગજબની હિંમત હતી, તેનો અન્ય પત્રકારોમાં અભાવ હતો. તે હિંમતથી રિપોર્ટિંગ કરતો, કોઈનાથી ડરતો નહીં. લોકોએ તેની સાથે મને ફરતા જોયો, તેના કારણે બે ઘટના બની. પહેલાં તો સાવ જુનિયર તરીકે જે લોકો મારી અવગણના કરતા હતા, તેઓએ મને ચારુના માણસ તરીકે માન આપવાની શરૂઆત કરી અને તે જ લોકોએ મને ગુંડા (ચારુને લોકો ખાનગીમાં ગુંડો કહેતા એટલે હું નાનો ગુંડો), તરીકે સ્વીકારી લીધો. આમ તો સમાજ તમને સારા કે ખરાબ રીતે સ્વીકારે તે અનિવાર્ય હોય છે. મને એક ઓળખ મળી હતી. ‘ચારુનો માણસ’ તરીકેની ઓળખ મને મંજૂર હતી. આપણે તેવું માની લઈએ છીએ કે દારૂ પીનારો માણસ ખરાબ જ હોય છે. ચારુના કિસ્સામાં તેવું જ હતું, ખાનગીમાં પોલીસ અધિકારીઓ અને પોલિટિકલ લીડરના પૈસે દારૂ પીતા લોકો, પોતાના પૈસે જાહેરમાં દારૂ પીતા ચારુની દારૂની ટેવની ટીકા કરતા હતા. પરંતુ મારી જેમ જર્નાલિઝમમાં નવા આવેલા છોકરાની આંગળી પકડવા દારૂ નહીં પીનાર પૈકી કોઈ આવ્યું નહોતું.

- Advertisement -

અમદાવાદમાં આજે મારા જેવા અનેક છે, જેમની જિંદગીને ચારુદત્ત વ્યાસનું નામ ના મળ્યું હોત તો કદાચ તેમના પત્રકારત્વનું બાળમરણ થયું હોત. તે ખૂબ દારૂ પીતો (કદાચ કોઈને એવું લાગે અહીંયાં મારે શું કામ લખવું જોઈએ, પણ હું માનું છે કે તે તમારી અને મારી જેમ સામાન્ય માણસ જ હતો, અને તેથી જ મને ગમતો હતો). રાત્રે દારૂ પીએ પછી ઘરે સલામત પહોંચે તેની ચિંતામાં હું તેની સાથે રહેતો હતો. તે ઉંમરમાં મારી કરતાં મોટો, પણ મારી સાથે નાનો બની જતો. હું રોજ સ્વિમિંગ કરવા જતો. તેણે મને એક દિવસ પૂછ્યું, ‘મને સ્વિમિંગ આવડે?’ મેં કહ્યું, ‘હા, કેમ નહીં?’ તે મારી સાથે સ્વિમિંગમાં આવવા લાગ્યો અને સ્વિમિંગ શીખી ગયો. તેની એક દરખાસ્ત હતી કે રવિવારે સવારે મારે તેની સાથે જમવાનું. મને કોઈ વાંધો પણ નહોતો. પછી દર રવિવારે તેની સાથે જમતો હતો. કોઈક વખત એવું બનતું કે હું ના જઈ શકું તેના બીજા દિવસે ચારુની પત્ની દીપિકાનો (જેને હું ભાભીના નામે સંબોધતો અને તુંકારે પણ બોલાવતો) ફોન આવતો કે તું ન આવ્યો તો ચારુ પણ જમ્યા વગર બહાર જતો રહ્યો. કોઈ આપણને પ્રેમ કરે છે તેવો અહેસાસ જીવવા માટે પૂરતો હોય છે. મારી સાથેના સંબંધો પછી સ્વિમિંગમાં આવવા માટે તે વહેલો ઊઠવા લાગ્યો હતો અને વળી તે ઘરે જમવા લાગ્યો હતો.

અમારી વચ્ચે ઝઘડા પણ થતા. જોકે નારાજ થવાનો અધિકાર મેં મારી પાસે અબાધિત રાખ્યો હતો. હું કંઈ પણ બોલ્યા વગર મારા ઘરે જતો રહેતો. ત્યારે લેન્ડલાઇન ફોન હતા. તે મને ફોન કરતો. હું ઉપાડતો નહીં. થોડી વાર પછી તે મારા ઘરની નીચે આવી મારા નામની બૂમો પાડતો અને મને લઈ બહાર નીકળતો. કદાચ સૉરી કહેવાની તેની આ સ્ટાઇલ હતી.

૧૯૯૨માં તે અમેરિકા ગયો. ‘છ મહિનામાં પાછો આવીશ’ તેવું કહીને ગયો હતો. ત્યાં જઈને તેણે અમેરિકાના ન્યૂયૉર્કથી પ્રસિદ્ધ થતા એક અખબારમાં કામની શરૂઆત કરી હતી. તેની એક ખાસિયત હતી કે તે જ્યાં પણ જાય ત્યારે ત્યાંના લોકોને પોતાના કરી લેતો હતો. હું અને તેનો પરિવાર તેને પૂછતા કે ‘ભારત ક્યારે આવે છે?’ ત્યારે તે ‘બહુ જલદી આવીશ’ તેવું આશ્વાસન આપતો હતો. તે અમેરિકામાં એકલો હતો. તેને રોકનાર અને ટોકનાર કોઈ નહોતું. તેના કારણે તેની દારૂની લત વધી ગઈ હતી. આમ પણ તે પોતાની જ શરતો પ્રમાણે જીવતો હતો. તે લગભગ છ વર્ષ પછી ભારત પાછો આવ્યો. જોકે પછી તો તેની અમેરિકા આવન-જાવન ચાલુ રહી. અમેરિકા લાંબો વખત રહ્યો હોવા છતાં પૂરો દેશી જ રહ્યો હતો. તેની વાતચીતની ઢબમાં ક્યાંયે અંગ્રેજીપણું નહોતું. ખાવાપીવાની આદતો પહેલાં જેવી હતી. ૨૦૦૯નો ગાળો હતો. ઉંમર નાની હતી, પણ તબિયત ખરાબ થવા લાગી હતી. … સ્વાભાવિક રીતે જ દારૂને કારણે. ડૉક્ટરે પણ હવે આ આદત સુધારવાની સલાહ આપી હતી. જોકે ત્યારે તે હસતો અને કોઈ જવાબ આપતો નહીં.

- Advertisement -

ઑગસ્ટ મહિનો હતો, લગભગ ૨૩-૨૪ તારીખ હતી. સવારનો સમય હતો. ચારુનો ફોન આવ્યો, ‘ઊઠી ગયો છે?’ મેં જવાબ આપ્યો, ‘હા; કેમ?’ તેણે મને કહ્યું, ‘જરા તબિયત ખરાબ હતી, એટલે રાતે સામવેદ હૉસ્પિટલમાં આવ્યો હતો. હજી હૉસ્પિટલમાં જ છું.’ ફોન મૂકી હું અને મારી પત્ની શિવાની હૉસ્પિટલ પહોંચ્યાં. તે સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરતો હતો, પણ તે સ્વસ્થ નહોતો. મેં તેને પૂછ્યું, ‘શું થયું?’ તેણે બહુ સહજતાથી જવાબ આપ્યો, ‘કંઈ નહી, લોહીની ઊલટી થઈ હતી.’ મને ગંભીરતા સમજાઈ, કદાચ તેને પણ સમજાઈ હતી. મેં મારી અંદર ચાલી રહેલી ગડમથલ છુપાવવાનો પ્રયત્ન કર્યો. તેણે થોડી વાર પછી મને પૂછ્યું, ‘હું સારો તો થઈ જઈશ ને?’ મેં કહ્યું, ‘હા, હા, કેમ નહીં?’ તેવું કહી હું ડૉક્ટર ભરત પટેલને મળવા માટે ગયો. આમ તો ભરત પટેલ ચારુનો જૂનો મિત્ર. તેની આખી હિસ્ટ્રી જાણતો હતો. ડૉ. ભરત સાથે મેં વાત કરી. તેમણે મને કહ્યું ‘લિવર સોરાસીસ છે. હવે લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ રેમિડી નથી.’ ભરતનું વાક્ય પૂરું થાય તે પહેલાં તે ચાલી શકતો નહોતો તેમ છતાં તે ચાલતો મારી પાછળ ડૉ. ભરતની ચેમ્બરમાં દાખલ થયો અને મિત્રાચારીનો ફાયદો લેતાં ભરતને કહ્યું, ‘ડૉ. ટ્રાન્સપ્લાન્ટની કોઈ વાત ના કરીશ. જલદી દવા આપી દે. મારે ઘરે જવું છે.’

તેને ઘરે પાછા આવવું હતું. પણ તેવું ના થયું. તે દિવસે તે કૉમામાં જતો રહ્યો. ત્યાંથી તેને સાલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં તે વેન્ટિલેટર ઉપર હતો. ડૉક્ટરોના પ્રયત્નો ચાલુ હતા. જોકે માત્ર હૃદય જ ધબકતું હતું. ૨૭મી તારીખ હતી. હું ચારુની પુત્રવધૂ નિમીષાને લઈ હૉસ્પિટલ પહોંચ્યો. ચારુનો સાળો હિતેશ પટેલ (પોચી) ત્યાં હાજર હતો. તેણે મને કહ્યું, ‘ડૉક્ટરે સલાહ આપી છે કે વેન્ટિલેટર રિમૂવ કરી લઈએ.’ મને તેનો અર્થ સમજાતો હતો. મને અને હિતેશને બાદ કરતાં પરિવારના અન્ય સભ્યોને ઘરે મોકલી આપ્યા. હું ચારુના રૂમમાં દાખલ થયો. તેનું વેન્ટિલેટર ચાલુ હતું. મૉનિટર ઉપર પલ્સ રેટ અને હાર્ટબીટ બરાબર ચાલતાં હતાં. મને થતું કે હમણાં ચારુ મારી સામે જોશે, અને કહેશે… ‘કેવા ડરાવ્યા ને તમને…’

ડૉક્ટર રૂમમાં દાખલ થયા. તેમણે વેન્ટિલેટર હટાવ્યું. ત્યાં હું એકલો હતો. ડૉક્ટરની નજર મૉનિટર ઉપર હતી. વેન્ટિલેટર હટાવતાં જ પલ્સ રેટ ઘટવા લાગ્યો. મેં મનોમન પ્રાર્થના કરી કે કોઈક ચમત્કાર થઈ જાય અને બચી જાય! પણ પલ્સ રેટને પણ જાણે શૂન્ય તરફ જવાની ઉતાવળ હતી. પલ્સ રેટ શૂન્ય થઈ ગયો. એક જ ક્ષણમાં ચારુ દુનિયા માટે ‘હતો’ થઈ ગયો. ચારુનું જવું દુનિયાનો ક્રમ હતો, પણ તેની ગેરહાજરીમાં પણ હું તેની હાજરીનો અહેસાસ કરું છું. અફસોસ એટલો જ છે કે ચારુની હયાતીમાં હું તેની જિંદાદિલી અંગે લખી શક્યો હોત! આ મારી પહેલી નવલકથા જેને હું ખરેખર અર્પણ કરી શકું તેવો એકમાત્ર હકદાર ચારુને અર્પણ. મહેફિલનો માણસ મહેફિલ અધૂરી છોડી ગયો!

અહીંથી આપણે ધારાવાહિક શતરંજ શરૂ કરીશું, તમે અને હું ગુજરાતની એવી કહાનીમાં ડૂબકી મારીશું જ્યાં તમને સત્ય અસત્ય, ન્યાય અન્યાય તમામ ભાવોની હું અનુભૂતિ કરાવીશ.

(કોઈને ઠેસ પહોંચાડો તો માફી માંગવામાં વિલંબ ના કરતા; કોઈનું કંઈ સારું લાગે તો તરત આભારના બે શબ્દો કહી દેજો… કદાચ સમય તેની તક ના આપે… – પ્રશાંત દયાળ)

આ ધારાવાહિક પુસ્તક સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. જેમાં પ્રકાશક કહે છે કે, ‘નવજીવન સાંપ્રત’નો હેતુ ગાંધીસાહિત્ય સિવાય વર્તમાન વાચનક્ષમ સામગ્રીને વાચકો સામે મૂકવાનો છે. નવજીવન સાંપ્રત પ્રકલ્પ અંતર્ગત અગાઉ જાણીતા લેખકોની કૃતિઓ પ્રકાશિત થઈ છે, હવે શતરંજ નવલકથા પ્રકાશિત કરીએ છીએ. સાંપ્રત સમયની વાચનરુચિને અનુલક્ષીને આ પુસ્તકના પ્રકાશનને અમલમાં મૂક્યું છે. પ્રશાંત દયાળ લિખિત આ કથા કાલ્પનિક છે, પણ તેની પૃષ્ઠભૂમિમાં ક્યાંક-ક્યાંક ગુજરાત રાજ્યના કોઈ વિવાદિત પ્રકરણની છાંટ દેખાય છે. નવલકથાલેખન એ લેખકના મસ્તિષ્કમાં સર્જાયેલી વાર્તા છે, છતાં તેમાં આસપાસની ઘટના જાણે-અજાણે ઝિલાય છે. શતરંજ માં તે કોઈને ઝિલાયેલું લાગી શકે, પણ આ કથાનો વાસ્તવિકતા સાથે ક્યાંય સંબંધ નથી. વાચકો આ વાર્તારસને માણી શકશે તેવી અમને ખાતરી છે. નવજીવન સાંપ્રત દ્વારા આ પ્રકારનું વધુ વાચન પ્રકાશિત થતું રહે તેવો અમારો પ્રયાસ છે.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular