Surat New Civil Hospital in controversy over suicide-ragging case : અરવલ્લીના મોડાસાના વતની 30 વર્ષીય ડૉ. હર્ષ પંડ્યાએ કરેલી આત્મહત્યા બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ વિવાદોમાં ઘેરાઈ છે. રેગિંગના કારણે રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ કરેલા આપઘાત (Resident doctor commits suicide in Surat due to ragging) બાદ થયેલી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત બાદ મૃતકના પિતાની ફરિયાદના આધારે રેગિંગ અંગે તપાસ હાથ ધરાઈ હતી. ચાર ફેકલ્ટીને તપાસ કમિટીએ નોટિસ ફટકારી છે. સિનિયરોના રેગિંગની ફરિયાદ કરવા છતાં HOD એ કાર્યવાહી ન કરી હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે. સસ્પેન્ડ કરાયેલા ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુતમાં ત્રણ મહિલાઓ છે. અત્રે નોંધનીય છે કે, થોડાક સપ્તાહો અગાઉ ભાવનગર મેડિકલ કોલેજમાં પણ રેગિંગ અને ખંડણીનો મામલો (Bhavnagar Medical College ragging and extortion case) સામે આવતા તપાસના નાટક થયા હતા.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમડી માઈક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ડૉ. હર્ષ પંડ્યાએ આપઘાત કરતા પોલીસ તપાસની સાથે તપાસ કમિટી રચવામાં આવી હતી. મૃતકના પિતા ડૉ. સુભાષભાઈ પંડ્યાએ તપાસ કમિટી સમક્ષ રેગિંગની આશંકા વ્યક્ત કરી હતી. ડૉ. હર્ષનું રેગિંગ ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુત કરતા હોવાની વિગતો સામે આવતા ચારેયને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યો ડૉ. સંગીતા રાજદે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિતને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીના આ સમગ્ર રિપોર્ટને કોલેજ કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે.








