- ૨૦૧૫ની યોજના ઉંધેકાંધ નિષ્ફળ: છેલ્લા એક દાયકામાં નાગરિકોએ માત્ર ૩૮ ટન સોનું જમા કરાવ્યું
- જો આ યોજના સફળ થઇ જાય તો ભારતીય અર્થતંત્રનો ઈતિહાસ જ બદલાઈ જશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): બુલિયન જવેલરોને નવી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ ૨૦૨૬મા ભાગીદાર બનાવીને, ભારતીય ઘરોમાં સંગ્રહાયેલા સોનામાંથી ૧૦૦૦ ટન સોનું, બેન્કિંગ સિસ્ટમમાં આકર્ષવા સરકાર ઉતાવળી થઇ છે. એક કાચા અંદાજ મુજબ ભારતીય લોકો અને મંદિરો જેવા ધાર્મિક સ્થળોમાં ૫ ટ્રીલીયન ડોલરનું બિનકમાઉ સોનું પડ્યું છે, તેમછતાં નાગરીકો દરવર્ષે અબજો રૂપિયા સોનાની આયાત પાછળ ખર્ચી નાખે છે. સોનાનું મોનેટાઈઝેશન અર્થાત મુદ્રીકરણ કે બિનકમાઉ જણસને નાગરીકો માટે કમાણી કરવાનું સાધન ઉપબ્ધ કરવવાના પ્રયાસ હવે સરકારે આદર્યા છે. આને લીધે ભારતીય બજારમાં અબજો રૂપિયાની રોકડ પ્રવાહિતા પણ ફરતી થશે.
શક્યતા એવી પણ છે કે જો આ યોજના સફળ થઇ જાય તો ભારતીય અર્થતંત્રનો ઈતિહાસ જ બદલાઈ જશે. આ યોજનામાં નવા બદલાવ ખાસ કરીને જડાઉ અને સાદી જ્વેલરીનાં કલેશન સેન્ટરમાં જ્વેલરોની સીધી હિસ્સેદારી, પ્રક્રિયાને સરળ બનાવવી, જેવા પરિમાણો ઉમેરાતા, ગોલ્ડ મોનેટાઈઝેશન યોજના અગાઉ કરતા વધુ અસરકારક અને સફળ બનવાની શક્યાત વધી જશે. આનાથી માત્ર આયાતમાં ઘટાડો જ નહિ પણ, જાગતિક ચલણ સામે રૂપિયાની મજબૂતી, અને છેવટે દેશની વેપારખાધ પણ હળવી થઇ શકશે. એક અનામી બુલિયન ડીલરે આ બધી વાતો સામે સવાલ ઉઠાવી અમને પૂછ્યું કે, તમે માનો છો કે આ યોજના સફળ થશે? ૨૦૧૫મા સરકારે લાવેલી મૂળે આવીજ યોજના ઉંધેકાંધ નિષ્ફળ ગઈ હતી. અંદાજે ૨૫,૦૦૦ ટન બિનઉપજાઉ સોનું ભારતીય ઘરોમાં પડેલું હોવા છતાં, છેલ્લા એક દાયકામાં નાગરિકોએ માત્ર ૩૮ ટન સોનું જ જમા કરાવ્યું હતું.
પણ જો નાગરિકોની સાંસ્કૃતિક ધરોહર અને સોના પ્રત્યેનો લાગણીશીલ લગાવ જોઈએ તો, નવી યોજનાને સમજાવતા સમજાવતા સરકારને નાકે દમ આવી જવાનો. પોતાના પરમ્પરાગત અને કૌટુંબિક સોનાનાં દાગીના પ્રત્યેની લાગણીને જોતા, નાગરીકોને અજાણ્યા બેંક અધિકારીઓના હાથમાં મુકવા રાજી કરવા કઠીન છે. સોનાના દાગીના ડીપોઝીટ કરનારાઓને શુદ્ધતા ચકાસવાવાળા હોલમાર્કિંગ સેન્ટરો પર પણ પુરતો ભરોસો નથી. આવી ડોપોઝીટને પ્રોત્સાહિત કરવા બેંકો પણ તેને વ્યાપારિક વધુ વળતર આપવા ઉત્સાહિત નથી. લોકોને સૌથી મોટો ડર એ છે કે જુના દાગીનાના બીલ ક્યાંથી લાવવા? અને કરવેરા અધિકારીઓ પાછળ પડી જશે, તેનો પણ ભય રહ્યો છે. કેટલાંક બુલિયન ડીલરોએ કહ્યું હતું કે જો સરકાર ગોલ્ડ મોનેટાઈઝેશન ૨.૦ યોજનાની પારદર્શકતા, સરળીકરણ, અને સલામતીની ખાતરી આપશે, તો જ લોકોના ઘરોમાં પડેલા ભારતીય સોનાને નવી ઓળખ મળશે.
પણ મોટો પ્રશ્ન એ છે કે તે સફળ કેમ થશે? આ નવી યોજનામાં મહત્વનું એ થઇ પડશે કે લોકોનો વિશ્વાસ કઈ રીતે જીતી શકાશે. લાંબાગાળા માટે જાગતિક કરન્સી બજારમાં રૂપિયાને સ્થિર કરવા, ગોલ્ડ યોજનાના સંચાલકોએ પ્રાથમિક રીતે ત્રણ પ્રકારની આકર્ષક ડીપોઝીટ યોજના રજુ કરવાની રહશે. ૧) ટૂંકાગાળાની બેંક ડીપોઝીટ (એસટીબીડી) જે ૧થી ૩ વર્ષનાં આકર્ષક વ્યાજદર પ્રત્યેક બેન્કોએ અસામાન્ય કહી શકાય તેવા (૦.૫ ટકાથી ૨.૫ ટકા) હોવા જોઇશે. ૨) માધ્યમ ગાળાની સરકારી ડીપોઝીટ (એમટીજીડી) જે પાંચથી ૭ વર્ષની હોવા સાથે તેના વ્યાજદર સરકારે (૨.૫ ટકા સુધી) નિર્ધારિત કરવાના રહેશે. ૩) લોંગ ટર્મ ગવાર્નમેન્ટ ડીપોઝીટ (એલટીજીડી) જે ૧૨થી ૧૫ વર્ષ જેટલા લાંબાગાળાની હોય અને સરકાર તેના વ્યાજદર (૨.૫ ટકા અને તેનાથી વધુ) ઊંચા હોવા જોઈશે.
અન્ય એક બુલિયન ડીલરે કહ્યું હતું કે આયાતી સોનાને રીસાયકલ ગોલ્ડમાં પરિવર્તિત કરતા, એક તરફ વિદેશી હૂંડિયામણ બહાર જવાનું ધીમું પડશે અથવા અટકી જશે. એક ઉદાહરણ લઈએ કે લોકોના ઘરોમાં સંગ્રહાયેલા સોનામાંથી માત્ર પાંચ ટકા જ જો આ યોજનામાં પ્રવાહિત થાય તો, ભારતમાં ૮૦થી ૯૦ અબજ ડોલરની નાણાપ્રવાહિતા ફરતી થશે. સૈધાંતિક રીતે જોઈએ તો તે એક વર્ષ માટે સોનાની નવી આયાતને રોકશે અથવા સરભર કરશે. આ તરફ ચાલુ ખાતાની ખાધ (કરંટ એકાઉન્ટ ડેફોસિટ) ઘટવાથી, રૂપિયાને સ્થિર કરવા સાથે જાગતિક કરન્સી બજારમાં થતી ઉથલપાથલ સામે સ્થિરતા પ્રદાન કરવા રીઝર્વ બેન્કને વધુ લીવરેજ જગ્યા પ્રાપ્ત થશે. આનાથી લોકોના ઘરોમાં પડેલા બિનકમાઉ સોનામાંથી કમાણી થશે, જેથી લોકના હાથમાં વધુ નાણા આવતા, દેશની આર્થિક તાકાત પણ મજબુત થશે.
(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








