આર્થિક વિકાસના સાદા ગણિતથી માંગ પુરવઠાને આધારે તાંબા ભાવ અંદાજવાનું બંધ થયું
કોપર/એલ્યુમીનીયમ ભાવ રેશિયો વધીને ૧:૪.૨ થતા ઇ વાહનોમાં એલ્યુમિનીયમનો વપરાશ સસ્તો પડશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): અમેરિકન વાણીજ્ય મંત્રાલય, રીફાઈન્ડ તાંબાની આયાત જકાત સંદર્ભે ૩૦ જુને નવી માર્ગદર્શિકા જાહેર કરવાનું હતું તે સંદર્ભે ગુરુવાર સુધી કોઈ સ્પષ્ટતા નહિ થતા, અમેરિકન કોમેકસ સપ્ટેમ્બર ૨૦૨૬ કોપર વાયદો જે મંગળવાર સુધી વધ્યા બાદ બે ટ્રેડીંગ સત્રમાં ઘટીને ૬.૧ ડોલર પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) અને એલએમઈ ત્રિમાસિક વાયદો ૧૩,૨૦૫ ડોલર મુકાયો હતો. અમેરિકન અર્થતંત્રના આંકડા મજબુત આવવા સાથે ફેડરલ રીઝર્વ વ્યાજદર નીતિ મજબુત બનવાની સંભાવના સાથે ઔદ્યોગિક મેટલ માંગ પર તેની અસર પડશે, એવા અનુમાન પર તાંબાના ભાવ દબાણમાં આવ્યા હતા. બજાર હવે સપ્ટેમ્બર આરંભ પહેલા એકાદ વ્યાજ વૃદ્ધિની શક્યતા પર ભાવ નિર્ધારણ થશે.
સતત વધી રહેલા કોપર ભાવને પગલે ફેરારી અને બીએમડબ્લ્યુ જેવા કાર ઉત્પાદકોએ ઉત્પાદન પડતર અને કારનું વજન ઘટાડવા એલ્યુમીનીયમ વાયરીંગનાં નવા કાર મોડેલમાં ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા છે. કોપર અને એલ્યુમીનીયમ ભાવ રેશિયો વધીને ૧:૪.૨ થવાથી ઇલેક્ટ્રિક વાહનોમાં એલ્યુમિનીયમનો વપરાશ વધુ સુગમ અને સસ્તો પડશે. અલબત્ત, કોપરની તુલનાએ એલ્યુમીનીયમ ૬૧ ટકા જ ઇલેક્ટ્રિક કન્ડકટીવીટી આપે છે, અને કોપર ભાવ સામે તેનો ખર્ચ ૨૫ ટકા જેટલો ઓછો આવે છે. એલ્યુમિનીયમની તુલનાએ તાંબુ ૩.૩ ગણું વજનવાળું હોય છે, આથી એલ્યુમીનીયમ વાયરીંગ વાહનને વજનમાં હળવું અને ડ્રાઈવિંગ રેંજ પણ વધુ આપે છે.
કોપરના ભાવ ૨૦૨૫મા ૪૦ ટકા વધ્યા હતા, ૧૩૦૦૦ ડોલર આસપાસ ઘટવા પૂર્વે ૨૯ જાન્યુઆરીએ ૧૪૫૨૭.૫૦ ડોલરની ઓલ ટાઈમ ઉંચાઈએ પહોચ્યા હતા. આ એક સટ્ટાકીય ભાવ હતા, આ સમયે માળખાગત રીતે તાંબાની અછત પણ સર્જાઈ હતી. એ સમયે સીટી ગ્રુપ, ડ્યુશ બેન્ક અને જેપી મોર્ગને ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે જો ભાવ અહીંથી વધુ વધશે તો, ૧૯૭૦ની ક્રુડ ઓઈલ કટોકટી પણ સાવ નગણ્ય ગણાશે. બેંક ઓફ અમેરિકાએ તો ૨૦૨૬માં તાંબાના ભાવ ૨૦૦૦૦ ડોલર પ્રતિ ટન (૯ ડોલર પ્રતિ પાઉન્ડ) ટચ કરી જશે એવી આગાહી કરી છે. જો આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (એ આઈ)ની માંગને ધ્યાનમાં લઈને ૨૦૩૦ આવતા જ ભાવ ૨૫૦૦૦થી ૩૦૦૦૦ ડોલર કેટલાંક એનાલીસ્ટોએ અંદાજ્યા છે.
તાંબા ભાવ, હવે આર્થિક વિકાસના સાદા ગણિતને આધારે અંદાજવાનું બંધ થયું છે, હવે લાંબાગાળાના એઆઈ અને ઉર્જા ઉત્પાદન જેવા મજબુત ફન્ડામેન્ટલ્સ પણ ગણતરીમાં લેવાઈ રહ્યા છે. વર્તમાન પેટ્રોલ કે ગેસ આધારિત કારમાં ભાગ્યેજ ૨૦થી ૩૦ કિલો કોપરને બદલે, ઈવી કારમાં ૮૦થી ૧૦૦ કિલો તાંબાનો વપરાશ થશે. આ જ પ્રમાણે ગ્રીન એનર્જી સોલાર પેનલમાં જબ્બર વપરાશ થશે, વિન્ડ ટર્બાઈનમાં પ્રત્યેક મેગાવોટ ઉપાર્જન ૩ ટન કોપરની આવશ્યકતા રહેશે. વધી રહેલા વીજ ઉપાર્જનના ભાર (ઈલેક્ટ્રીસીટી) વહન માટેનાં ગ્રીડ આધુનિક કરવા પડશે.
ગોલ્ડમેન સાસ કહે છે કે એકલા અમેરિકાને મોટાપાયે એઆઈ સંરચના જાળવવા માટે ૨૦૩૦ સુધીમાં યુએસ ડેટા સેન્ટરની વીજળી માંગ વર્તમાન સ્તરેથી ૧૬૭ ટકા વધી જશે. આવા ડેટા સેન્ટરની પ્રત્યેક મેગાવોટ વીજળી ઉપાર્જન, વિતરણ, મશીનને ઠંડા રાખવા તથા ગ્રીડ કનેક્શન માટે સંયુક્ત રીતે ૬થી ૮ ટન કોપરનો ઉપયોગ થશે. આનો અર્થ એ થાય કે ૨૦૩૦ સુધીમાં એકલા અમેરિકાને ૧૮થી ૨૪ હજાર ટન નવી કોપર આવશ્યકતા રહેશે. રોકાણકારોએ અન્ય કોમોડીટી માર્કેટમાં આવતા બદલાવને પણ ધ્યાને લેવા પડશે. તાંબામાં લાંબાગાળા માટે તેજી ભરેલી પડી છે, ટૂંકાગાળા માટે મોટી ઉથલપાથલ શક્ય છે. આ દરમિયાન સુક્ષ્મ આર્થિક ડેટા બદલાવ, પુરવઠો, અને આકસ્મિક ખાણો બંધ થઇ જવી, જેવા મુદ્દ પર ચાંપતી નજર રાખવાની રહેશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨-૦૭-૨૦૨૬








