Dahegam police create WhatsApp group of sarpanches to report bootleggers : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામે બુટલેગરના ત્યાં દારૂ પીવા ગયેલા યુવકના શંકાસ્પદ મોતની ઘટના (Suspicious death of a young man in Dehgam Gandhinagar) એ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. દહેગામ પંથકમાં દારૂના દૂષણ સામે લોકો ભારે આક્રોશમાં છે. યુવકના શંકાસ્પદ મોતની ઘટના બાદ દહેગામ પોલીસે બુટલેગરો સામે કાર્યવાહી કરવા સરપંચોનું વૉટ્સએપ ગ્રુપ બનાવી તેમને જ બાતમીદાર બનાવવાનો પ્લાન અમલમાં લાવતા સરપંચો મૂંઝવણમાં આવી ગયા છે. સરપંચોને પોલીસ બાતમીદાર બનાવવાની સ્કીમને લઈને આ મુદ્દો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
દહેગામના વાસણા સોગઠીના મોટાવાસમાં રહેતા સુરેશ દિલીપસિંહ ચૌહાણનું ગત 4 જૂનના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું. સુરેશ ચૌહાણના શંકાસ્પદ મોતની ઘટના બાદ તેમના પરિવારજનોએ એક સ્થાનિક બુટલેગર પર આરોપ લગાવ્યા છે. બુટલેગરે સુરેશભાઈ તેમના ઘરે આવ્યા છે તો તેમને લઈ જવા ફોન કરી કહ્યું હતું. દસેક મિનિટ પછી બુટલેગરે સુરેશભાઈ નીકળી ગયા હોવાનું ફોન કરી જણાવ્યું હતું. ત્યારબાદ સુરેશ ચૌહાણ રહસ્યમયરીતે લાપતા થઈ ગયા હતા અને તેમની બે કિલોમીટર દૂરથી લાશ મળી આવી હતી. આ મામલે હોબાળો થતાં દહેગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહનું પેન પૉસ્ટમોર્ટમ કરાવી લાશ પરિવારને સોંપી હતી. બુટલેગરની વાત પર ભાર મુકાતા દહેગામ પોલીસે સરપંચોનું વૉટ્સએપ ગ્રુપ બનાવી તેમને જ બાતમીદાર બનાવવાનું નક્કી કર્યું છે.








