Gujarat ACB biggest seizure : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના ઇતિહાસમાં સૌથી મોટી જપ્તી કરવામાં આવી છે. 5.51 લાખની રોકડ સાથે પકડાયેલા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરીના નિવાસસ્થાનેથી 1.70 કરોડથી વધુની રોકડ અને 88.83 લાખનું સોનું-ચાંદી સહિત કુલ 2.65 કરોડની મતા મળી છે. એસીબીની ટીમને જ્યારે આટલી મોટી માત્રામાં દલ્લો હાથ લાગ્યો ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. અશ્વિન બી. ચૌધરી પાસેથી 2.65 કરોડની મતા મળતા ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે અપ્રમાણસર મિલકતનો કેસ (Ashwin B Chaudhari DA Case) નોંધી ધરપકડ કરી છે.
એસીબીના સૂત્રોના જણાવ્યાનુસાર ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે બેસતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી (Chief Electrical Inspector Ashwin B Chaudhari) છેલ્લાં 4 વર્ષથી એક જ સ્થાન પર હતાં. રાજ્યમાં શરૂ થતાં સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે ઑનલાઈન અરજી કર્યા બાદ અશ્વિન ચૌધરીએ સ્થળ મુલાકાત લીધા બાદ NOC આપવાની હોય છે, પરંતુ ચૌધરી એક જ દિવસમાં મંજૂરી આપી દેતાં હતાં. નિયમોનો અનાદર કરી મંજૂરી આપવા પેટે અશ્વિન ચૌધરી મોટી રકમની લાંચ લેતો હતો. ચૌધરીએ છેલ્લાં 4 દિવસમાં 125 અરજીઓ ખુરશીમાં બેઠા બેઠા મંજૂર કરી દીધી હતી.








