નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ રસ્તા અપનાવી બુટલેગરો દારુની રેલમછેલ કરતા હોય છે. આવા ઘણા બુટલેગરોને પોલીસ અત્યાર સુધી જેલના સળીયા ગણાવી ચુકી છે પરંતુ છતા કોઈ રીતે બુટલેગરો આ કરતૂતો મુકતા નથી. હાલમાં અમદાવાદ શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) દ્વારા એક મોટો દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગરોડ પરના દાસ્તાન સર્કલ પાસેથી એક કન્ટેનર ભરીને આવતો 1.19 કરોડનો જંગી દારુ ઝડપી પાડ્યો છે. જે દારુ ચંદીગઢથી આવ્યો હતો અને વડોદરા પહોંચાડવાનો હોવાની વિગતો સામે આવી છે.
મળતી માહિતી મુજબ પીસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે કન્ટેનર ટ્રક ચંદીગઢથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને નીકળી હતી. દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બૂટલેગરોએ રાજસ્થાનના જયપુર અને ઉદયપુરનો માર્ગ પસંદ કર્યો હતો. ત્યારબાદ ટ્રક હિંમતનગર, નાના ચિલોડા અને અમદાવાદ થઈને વડોદરા એક્સપ્રેસ હાઈવે મારફતે વડોદરા પહોંચાડવાની યોજના હતી.
પીસીબીની ટીમે મળેલી બાતમીના આધારે એસ.પી. રિંગરોડ પર દાસ્તાન સર્કલ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનર ટ્રક દેખાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કન્ટેનર ખોલતા અંદરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ટ્રકચાલક હનુમાન રામ ચૌધરીની અટકાયત કરી હતી.
પ્રાથમિક તપાસમાં આ સમગ્ર દારૂના જથ્થા પાછળ મોટા નેટવર્કની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હવે આ જથ્થો કોના માટે મંગાવવામાં આવ્યો હતો, ગુજરાતમાં કયા બૂટલેગરો સાથે તેનો સંપર્ક હતો અને સમગ્ર રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂના જથ્થાને ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસો સતત સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પીસીબીની આ કાર્યવાહી દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી સફળતા માનવામાં આવી રહી છે.








