નવજીવન ન્યૂઝ, આણંદ: આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક આજે બપોરે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, બોટાદના DySP એ.એ. સૈયદની કાર બેકાબૂ બનતા માર્ગ કિનારે ઉભેલા લોકો પર ચડી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, વડોદરાથી આણંદ તરફ જઈ રહેલી કાર અડાસ ગામ નજીક નેશનલ હાઈવે પર અચાનક કાબૂ બહાર નીકળી ગઈ હતી. તે સમયે કેટલાક લોકો માર્ગ કિનારે આવેલા શેરડીના રસના સ્ટોલ પાસે ઊભા રહી રસ પી રહ્યા હતા. બેકાબૂ બનેલી કાર સીધી જ લોકોના ટોળામાં ઘૂસી જતા અરેરાટી મચી ગઈ હતી.
અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે શેરડીનો રસ કાઢવાનું કોલુ પણ દૂર સુધી ફંગોળાઈ ગયું હતું. ઘટનામાં પાંચ લોકો કારની અડફેટે આવ્યા હતા, જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તબક્કે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાર ચલાવી રહેલા DySP એ.એ. સૈયદને વાહન ચલાવતી વખતે ઝોકું આવી ગયું હોઈ શકે છે, જેના કારણે તેઓ કાર પરનો કાબૂ ગુમાવી બેઠા હતા. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કારણ કે ફરિયાદ પ્રમાણે જ્યારે અકસ્માત થયો ત્યારે બપોરનો સમય હતો, તેથી ઝોકું આવ્યું હશે કે કેમ તે તપાસનો વિષય છે. પરંતુ તેમના ઝોકામાં લોકોની જીંદગી હણાઈ ગઈ તે સ્પષ્ટ છે.
આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. મૃતકોની ઓળખ અને અકસ્માત સંબંધિત વધુ વિગતો મેળવવા પોલીસની કાર્યવાહી ચાલુ છે.








