નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક નકલી ડીવાયએસપીને પકડી (Nirlipt Rai team caught a fake DySP) પાડ્યો છે. સાયલ નવાગઢ ખાતે રહેતો સોહીલખાન બિસ્મીલાખાન પઠાણ સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મમાં ફોટો રાખીને લોકોને છેતરતો હતો. ગેજ્યુએટ થયેલો સોહીલ પઠાણ (ઉ. 31) પોલીસમાં ભરતી થવા પ્રયત્નશીલ હોવાનું પૂછપરછમા જાણવા મળ્યું છે. સોહીલ પઠાણને સાયલા પોલીસે અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક શખસ સોશિયલ મીડિયા પર ડીવાયએસપીના યુનિફોર્મમાં ફોટો મુકી લોકોને છેતરી રહ્યો હોવાની માહિતી રાજકોટ રેન્જની ટીમને મળી હતી. જેના આધારે સુરેન્દ્રનગરના સાયલા-સુદામડા ચોકડી પુલ નીચેથી સોહીલખાન બિસ્મીલાખાન પઠાણને ઝડપી લેવાયો હતો. પકડાયેલા શખસની પૂછપરછમાં તેણે એઆઈની મદદથી ડીવાયએસપી યુનિફોર્મમાં પોતાનો ફોટો બનાવ્યો (Fake DYSP with the help of AI) હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત તેણે રાજ્ય બહારના એક શખસનું સાયબર ક્રાઈમમાં ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરી આપવાના બહાને AIની મદદથી એક લેટર બનાવી આપી 20 હજાર રૂપિયા પડાવી લીધા હતા. સોહીલ પઠાણે ડિજિટલ પેમેન્ટ થકી મેળવેલા 20 હજાર ખેડા જિલ્લાના કપડવંજમાં રહેતા કોઈ વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હોવાની માહિતી સામે આવી છે.








