નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં એસ.ટી. વિભાગમાં આવનારી કંડકટરની ભરતીને લઈને યુવકો અને યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કંડકટર લાયસન્સ મેળવવા માટે ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ ફરજિયાત હોવાને કારણે વહેલી સવારથી જ યુવાનો લાંબી લાઈનોમાં ઉભા રહી સર્ટિફિકેટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ બેરોજગારીની સ્થિતિ વચ્ચે નોકરી મેળવવાની આશાએ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા છે.
મળતી માહિતી મુજબ, એસ.ટી. વિભાગમાં ટૂંક સમયમાં કંડકટરની ભરતી જાહેર થવાની શક્યતા હોવાથી ઉમેદવારો જરૂરી દસ્તાવેજો તૈયાર કરવામાં લાગી ગયા છે. તેમાં કંડકટર લાયસન્સ માટે ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ જરૂરી દસ્તાવેજ તરીકે ગણાય છે. અપુરતા સ્ટાફને કારણે વ્યવસ્થા સંભાળવામાં મુશ્કેલી ઉભી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં સ્થિતિ એવી બની હતી કે પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો. વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી જતાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ એટલે પ્રાથમિક સારવારની તાલીમ પૂર્ણ કર્યાનું સત્તાવાર પ્રમાણપત્ર. આ તાલીમ કટોકટીની સ્થિતિમાં કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે ઉપયોગી માનવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે CPR, ઇમરજન્સી રિસ્પોન્સ, બ્લીડિંગ કંટ્રોલ, બર્ન્સ અને ફ્રેક્ચર જેવી પરિસ્થિતિઓમાં પ્રાથમિક સારવારની માહિતી અને તાલીમ આપવામાં આવે છે. ગુજરાતમાં એસ.ટી. કંડકટર ભરતી ઉપરાંત શાળા-કોલેજો અને ઔદ્યોગિક એકમોમાં પણ આ પ્રમાણપત્ર ઉપયોગી માનવામાં આવે છે.








