નવજીવન ન્યૂઝ, ડેસ્ક : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ સત્તા મેળવવા માટે રાજ્યમાં ક્યાંક કાવાદાવા તો ક્યાંક હિંસાનો સહારો લેવામાં આવી રહ્યો છે. છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની આગામી ચૂંટણી અગાઉ જ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બુધવારે મોડી રાતે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા બે સદસ્યો પર અજાણ્યા શખસોએ ઘાતક હુમલો (AAP leaders fatally attacked in Chhota Udepur) કર્યો છે. અત્રે નોંધનીય છે કે, છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પાસે 13-13 બેઠકો હોવાથી સત્તા મેળવવા ટક્કર જામી છે.
છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આગામી 23મી મેના રોજ મતદાન યોજાનારૂં છે. આ મતદાનના બે દિવસ પહેલાં જ વિપક્ષી સદસ્યોને ડરાવવા અને સત્તા કબજે કરવાના આશયથી હુમલો કરાયો હોવાની આશંકા છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા અને તેમની સાથે ચૂંટાયેલા બે સદસ્યો છોટા ઉદેપુર ખાતે સંગઠનની બેઠક પૂર્ણ કરીને કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના અંધકારનો લાભ લઈને કેટલાંક શખસોએ એક કારમાં પીછો કર્યો હતો. એકલબારા ગામ નજીક હુમલાખોરોએ આપના પ્રમુખની કારને આંતરી ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આપના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા અને બંને સદસ્યો હુમલો થતાં કારમાંથી ઉતરીને પોતાનો જીવ બચાવવા ભાગી છૂટ્યા હતા. આ મામલે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન (Chhota Udepur Police Station) ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.








