Friday, August 7, 2026
HomeGujaratછોટાઉદેપુરમાં ડીઝલ અછતથી ખેડૂતો પરેશાન, પેટ્રોલ પંપ પર કલાકોની કતારો

છોટાઉદેપુરમાં ડીઝલ અછતથી ખેડૂતો પરેશાન, પેટ્રોલ પંપ પર કલાકોની કતારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગીરસોમનાથ/છોટાઉદેપુરઃ છોટાઉદેપુર અને ગીર સોમનાથના અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેતીકામ માટે અત્યંત જરૂરી ડીઝલ મેળવવા માટે કોઈ ટ્રેક્ટર લઈને તો કોઈ કેરબા લઈને પેટ્રોલ પંપ પર કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. એક પંપ પર ડીઝલ ન મળતા ખેડૂતોને બીજા પંપ તરફ દોડધામ કરવાની ફરજ પડી રહી છે.

બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલા પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. ખેડૂતોના આક્ષેપ મુજબ, પંપ પર પૂરતું ડીઝલ હોવા છતાં તેમને ડીઝલ આપવામાં આવતું નથી. ખેડૂતોની હાજરીમાં જ ડીઝલ ભરેલી ગાડી પહોંચ્યા બાદ થોડા લોકોને ડીઝલ આપીને પંપ બંધ કરી દેવાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

- Advertisement -

બીજી તરફ પેટ્રોલ પંપના સંચાલકનું કહેવું છે કે ઓટોમેશન સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતા પંપ બંધ કરવો પડ્યો હતો અને તે માટે મેકેનિકને બોલાવવામાં આવ્યો છે. જોકે ખેડૂતો આ દલીલ માનવા તૈયાર નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે સામાન્ય ખેડૂતોને અટકાવીને મોટી ગાડીઓને ડીઝલ આપવામાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે કેટલાક ખેડૂતો રાતભર પેટ્રોલ પંપ પર જ રાહ જોઈ રહ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં પણ પેટ્રોલ પંપ પર લાંબી કતારોના દૃશ્યો ફરી સામે આવ્યા છે. કોડિનારના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ માટે ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી ગઈ છે. લણણી અને ચોમાસા પૂર્વે ખેતરો તૈયાર કરવાની સિઝન હોવાથી ડીઝલની માંગ અચાનક વધી છે. થોડા દિવસ અગાઉ પણ ખેડૂતોને આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

કેરબામાં ડીઝલ ભરવાની મનાઈને કારણે ખેડૂતો ટ્રેક્ટર લઈને જ પેટ્રોલ પંપ સુધી પહોંચવા મજબૂર બન્યા છે. વારંવાર કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ખાતર અને જંતુનાશક દવાઓ બાદ હવે ડીઝલ માટે પણ લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે.

- Advertisement -

ખેતી માટે ડીઝલ જીવનરેખા સમાન છે, ત્યારે સમયસર પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular