Tuesday, May 19, 2026
HomeInternationalનોર્ડિક દેશો સાથે ભારતના સંબંધો નવા યુગમાં, આતંકવાદ પર કોઈ સમાધાન નહીં:...

નોર્ડિક દેશો સાથે ભારતના સંબંધો નવા યુગમાં, આતંકવાદ પર કોઈ સમાધાન નહીં: પીએમ મોદી

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ નોર્ડિક દેશો (Nordic countries)ના નેતાઓ સાથે યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભારત અને નોર્ડિક દેશો વચ્ચેના સંબંધોને નવા અવસરો ભરેલા ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે લોકશાહી, કાયદાનું શાસન અને બહુપક્ષીય વ્યવસ્થામાં પરસ્પર વિશ્વાસ ભારત અને નોર્ડિક દેશોને સ્વાભાવિક ભાગીદાર બનાવે છે. સાથે જ ટેક્નોલોજી અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રોમાં બંને પક્ષોની સમાન પ્રાથમિકતાઓ સહકાર માટે વિશાળ તકો ઊભી કરે છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ જ દૃષ્ટિકોણથી આઠ વર્ષ પહેલાં નોર્ડિક દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ખાસ ફોર્મેટ બનાવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને નોર્ડિક દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

- Advertisement -

વડાપ્રધાને આર્થિક સહકાર અંગે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારત અને નોર્ડિક દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર લગભગ ચાર ગણો વધ્યો છે. નોર્ડિક દેશોના ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ પણ ભારતની ઝડપી આર્થિક વૃદ્ધિના મહત્વપૂર્ણ ભાગીદાર બન્યા છે. છેલ્લા એક દાયકામાં નોર્ડિક દેશોમાંથી ભારતમાં થયેલા રોકાણમાં આશરે 200 ટકાનો વધારો નોંધાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ઓક્ટોબર 2025થી નોર્વે, આઇસલેન્ડ અને અન્ય EFTA દેશો સાથે ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ અમલમાં આવ્યું છે. ઉપરાંત થોડા મહિના પહેલાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પણ થયો છે, જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડન પણ ભાગીદાર છે. તેમના મતે આ વેપાર કરારો ભારત અને નોર્ડિક દેશો વચ્ચેના સંબંધોમાં નવા સુવર્ણ યુગની શરૂઆત કરશે.

વૈશ્વિક તણાવ અને યુદ્ધની સ્થિતિ અંગે વડાપ્રધાને કહ્યું કે ભારત અને નોર્ડિક દેશો સાથે મળીને નિયમ આધારિત વૈશ્વિક વ્યવસ્થાને મજબૂત બનાવવાનું ચાલુ રાખશે. યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, ભારત હંમેશા સંઘર્ષના વહેલા અંત અને શાંતિના પ્રયાસોને સમર્થન આપશે.

- Advertisement -

આતંકવાદ મુદ્દે પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતનો અભિગમ એકદમ સ્પષ્ટ છે— આતંકવાદ પર કોઈ સમાધાન નહીં અને કોઈ ડબલ સ્ટાન્ડર્ડ નહીં. તેમણે કહ્યું કે બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારાની તાત્કાલિક જરૂર છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular