નવજીવન ન્યૂઝ, ડેસ્ક : અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી (Gautam Adani) અને તેમના ભત્રીજા સાગર અદાણી (Sagar Adani) સામેના તમામ ક્રિમિનલ આરોપ કાયમ માટે હટાવી લીધા છે. આ નિર્ણય બાદ અમેરિકાએ રશિયન ઓઇલ ખરીદવા માટે વધુ એક અસ્થાયી છૂટ આપવાની જાહેરાત (US allows India to buy Russian oil) કરી છે. ઓઇલ સંકટ વચ્ચે અમેરિકાના નાણા મંત્રાલય દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી માટે અપાયેલી છૂટથી ભારતને મોટો ફાયદો થયો છે. આ નિર્ણયના કારણે વૈશ્વિક સ્તરે ઓઇલ સપ્લાય અને કિંમતો પરનું પ્રેશર હળવું થવાની આશા છે. ભારત પહેલાંથી જ સસ્તા ભાવનો લાભ લેવા રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યો છે અને માર્ચ 2026માં ભારતે રશિયા પાસેથી રેકોર્ડ 22.5 લાખ બેરલ પ્રતિ દિન ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું.
અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ (US Treasury Secretary Scott Besant) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ છૂટ માત્ર એવા જ રશિયન ઓઇલ કાર્ગો પર લાગુ થશે જે પહેલાંથી જ જહાજો પર લોડ થઈ ચૂક્યા છે અને સમુદ્રમાં અધવચ્ચે ઉભા છે. આ વ્યવસ્થા હેઠળ રશિયા સાથે ઓઇલના કોઈ નવા સોદા કે નવા એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. અમેરિકાના આ પગલાં પાછળની વ્યૂહનીતિ એ છે કે ચીન આ વૈશ્વિક કટોકટીનો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ઓઇલનો સ્ટોક જમા ન કરી લે અને આ ઓઇલ એવા દેશો સુધી પહોંચે જેમને ઊર્જાની તાત્કાલિક જરૂર છે.








