Tuesday, May 19, 2026
HomeGujaratવલસાડમાં મીડિયા એવોર્ડ સમારંભ યોજાયો, 56થી વધુ મીડિયા કર્મીઓ સન્માનિત

વલસાડમાં મીડિયા એવોર્ડ સમારંભ યોજાયો, 56થી વધુ મીડિયા કર્મીઓ સન્માનિત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વલસાડઃ વલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા દક્ષિણ ગુજરાતના મીડિયા કર્મીઓ માટે મીડિયા એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વશીયર ખાતે આવેલા શાંતિવન રિસોર્ટમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના 56થી વધુ મીડિયા કર્મીઓને વિવિધ સાત કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચાર કોલમિસ્ટ, બે વ્યક્તિ વિશેષ અને બે સેવાભાવી સંસ્થાઓને પણ સન્માનિત કરવામાં આવી હતી. તે સાથે નવજીવન ન્યૂઝના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સહિત વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ હાજર રહ્યા હતા.

- Advertisement -

વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, મામલતદાર (સિટી) તૃપ્તી ગામીત, જિલ્લા પંચાયતની પારડી સાંઢપોર બેઠકના સભ્ય સ્નેહલ પટેલ, અગ્રણી આનંદ પટેલ, બિલ્ડર એસો.ના પ્રમુખ અશોક મંગે, પારડી સાંઢપોરના સરપંચ ધર્મેશ (ભોલા) પટેલ અને જિલ્લા સંગઠનના માજી ઉપપ્રમુખ જીતેશ પટેલ સહિત મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ગુજરાત સંગઠનના પ્રદેશમંત્રી સોનલબેન સોલંકી અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મગોદડુંગરી પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા ડો.ખુશાલી ભંડારીએ કરી હતી.

કાર્યક્રમને સંબોધતા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પત્રકારો સરકાર સુધી સાચી માહિતી પહોંચાડે છે, જેના કારણે તંત્ર જાગૃત રહે છે. તેમણે જણાવ્યું કે પોઝિટિવ પત્રકારત્વ સમાજને હંમેશા ફાયદો પહોંચાડે છે અને ઘણીવાર મીડિયા મારફતે સરકારને મહત્વપૂર્ણ માહિતી મળતી હોય છે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન અને નવજીવન ન્યૂઝના એડિટર તેમજ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે જણાવ્યું હતું કે સારા પત્રકાર બનવા સાથે સારા માણસ બનવું પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું કે પત્રકારત્વમાં વિશ્વસનીયતા જાળવવી અત્યંત જરૂરી છે અને સમાચાર આપતી વખતે વ્યક્તિગત લાગણીઓનો પ્રભાવ ન આવવો જોઈએ.

- Advertisement -

પ્રશાંત દયાળે એવોર્ડ મેળવનાર પત્રકારોને સંદેશ આપતા જણાવ્યું કે આ સન્માન માત્ર એવોર્ડ નહીં પરંતુ જવાબદારી છે, જેને નિષ્ઠાપૂર્વક નિભાવવી જરૂરી છે.

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે કાર્યક્રમમાં જણાવ્યું કે પત્રકારો લોકશાહીના ચોથા સ્તંભ તરીકે સમાજનો અવાજ લોકો સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. તેમણે મીડિયા દ્વારા મળેલી માહિતીના આધારે અનેક મુદ્દાઓ પર કાર્યવાહી શક્ય બની હોવાનું પણ જણાવ્યું.

કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, પ્રદેશમંત્રી સોનલ સોલંકી અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

માહિતી મુજબ, આ સમારંભ માટે દક્ષિણ ગુજરાતમાંથી આશરે 300 જેટલી એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular