Sunday, May 17, 2026
HomeGujaratAhmedabadચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખતરનાક બેક્ટેરિયાનો ખુલાસો

ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખતરનાક બેક્ટેરિયાનો ખુલાસો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીના મોત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર બાળકીના શરીરમાં ‘એસિનેટોબેક્ટર બાઉમાની’ (Acinetobacter baumannii) નામનો ગંભીર બેક્ટેરિયા મળી આવ્યો છે, જેના કારણે ગંભીર ચેપ ફેલાતા અંતે બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે આ ખતરનાક બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર ચેપ ફેલાયો હતો. તબીબી ભાષામાં આ સ્થિતિને સેપ્ટિસેમિયા (Septicemia) તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ચેપ આખા શરીરમાં ફેલાઈ મુખ્ય અંગોને અસર કરે છે.

- Advertisement -

રિપોર્ટ મુજબ, આ ચેપના કારણે બાળકીના ફેફસામાં સોજો અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી. અંતે હૃદય અને શ્વાસ પ્રણાલી ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દેતાં બાળકીનું મોત થયું હતું.

તબીબી ભાષામાં આ સ્થિતિને કાર્ડિયો રેસ્પિરેટરી ફેલ્યોર (Cardiorespiratory Failure) કહેવામાં આવે છે.

આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ પ્રકારનો બેક્ટેરિયા માત્ર ખીરું ખાવાથી શરીરમાં આવે એવું જરૂરી નથી. તેમના જણાવ્યા મુજબ, બાળકીને અન્ય કોઈ ઇન્ફેક્શન થયું હોય જેના કારણે શરીરમાં આ બેક્ટેરિયા જોવા મળ્યા હોઈ શકે છે. તો અહીં ફરી પ્રશ્ન એ ઊભો થાય છે કે તો પછી પરિવારના બાકીના સભ્યોની તબીયત લથડવી અને અન્ય એક દીકરીનું મૃત્યુ થવા પાછળનું કારણ શું હોઈ શકે? જો આ બેક્ટેરિયા જ કારણ છે તો શું પરિવારના અન્ય લોકોમાં પણ આ જ બેક્ટેરિયા છે? અને છે તો આ બેક્ટેરિયાનો તેમના શરીરમાં પ્રવેશ થયો કેવી રીતે?

- Advertisement -

શું છે સમગ્ર ઘટના?
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. પરિવાર દ્વારા તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી.

આ ઘટનામાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિસ્ટી નામની બાળકીના મોત થયા હતા. આ ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ખીરાની ગુણવત્તા અંગે તપાસ કરવા માટે FSL ટીમે ઘનશ્યામ ડેરીમાંથી સેમ્પલ પણ લીધા હતા. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ પોલીસે તપાસને નવી દિશામાં આગળ ધપાવી છે.

- Advertisement -

બાળકીનું મોત ખરાબ ખોરાક, ગંભીર ઇન્ફેક્શન અથવા અન્ય કોઈ કારણસર થયું હતું કે કેમ તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular