Saturday, July 4, 2026
HomeGujaratAI 171 પ્લેન ક્રેશમાં પીડિત પરિવારોને મુર્ખ બનાવી દીધા? 1 વર્ષ થયું...

AI 171 પ્લેન ક્રેશમાં પીડિત પરિવારોને મુર્ખ બનાવી દીધા? 1 વર્ષ થયું છતાં વળતરના ઠાગાઠૈયાના આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ બનેલી એર ઇન્ડિયાની AI 171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા હવે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે, પરંતુ પીડિત પરિવારો આજે પણ ન્યાય, વળતર અને જવાબોની રાહ જોઈ રહ્યા છે. અનેક રજૂઆતો, પત્રવ્યવહાર અને અનુસંધાન છતાં યોગ્ય પ્રતિસાદ ન મળ્યાનો આક્ષેપ પીડિત પરિવારો કરી રહ્યા છે.

અમદાવાદના સોલા ભાગવત વિસ્તારમાં કેટલાક પીડિત પરિવારોએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. પરિવારજનોનું કહેવું છે કે, ટાટા ગ્રુપ અને સંબંધિત તંત્ર દ્વારા દુર્ઘટના બાદ અનેક આશ્વાસનો આપવામાં આવ્યા હતા, પરંતુ ઘણા વાયદાઓ હજુ અધૂરા છે. કેટલાક પરિવારોને હજુ સુધી વળતર મળ્યું નથી, જ્યારે કેટલાકને શિક્ષણ અને લાયકાત મુજબ નોકરી આપવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં હકીકતમાં કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી.

- Advertisement -

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના પત્ની હેતલબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેમના પતિ એક મિટિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મેઘાણીનગરમાં આ ભયાનક દુર્ઘટના બની હતી. તેમણે આક્ષેપ કર્યો કે શરૂઆતમાં પોલીસ તરફથી પણ પૂરતો સહયોગ મળ્યો નહોતો. બાદમાં DNA ટેસ્ટ દ્વારા પતિના મોતની પુષ્ટિ થઈ હતી.

હેતલબેનના જણાવ્યા મુજબ, દુર્ઘટના બાદ એરલાઇન અને ટાટા ગ્રુપના પ્રતિનિધિઓ તેમના ઘરે આવ્યા હતા અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી પડે તો મદદ કરવાની સાથે તેમની લાયકાત મુજબ નોકરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ 11 મહિના વીતી ગયા છતાં અનેક ઇમેઇલ અને અનુસંધાન છતાં કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. તેમણે કહ્યું કે પોતે પણ અકસ્માતને કારણે ત્રણ મહિના સુધી ઘરે જ રહેવું પડ્યું હતું અને ત્યારથી હવે કોઈ યોગ્ય પ્રતિસાદ મળતો નથી.

પ્લેન ક્રેશમાં પોતાના દીકરાને ગુમાવનાર મોહમ્મદ રફિકભાઈએ જણાવ્યું કે 11 મહિના પછી પણ ટાટા ગ્રુપ તરફથી કોઈ વળતર મળ્યું નથી. તેમના જણાવ્યા મુજબ, ઇમેઇલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છતાં યોગ્ય જવાબ મળતો નથી અને હવે ફોન પણ ઉઠાવવામાં આવતો નથી. તેમણે માંગ કરી કે તેમને યોગ્ય ન્યાય અને વળતર મળવું જોઈએ તેમજ દુર્ઘટનાનું ચોક્કસ કારણ પણ જાહેર થવું જોઈએ.

- Advertisement -

સામાજિક કાર્યકર કવિરાજે જણાવ્યું કે AI 171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને પીડિત પરિવારો ઈચ્છે છે કે જ્યાં દુર્ઘટના બની હતી ત્યાં જમીન શુદ્ધિકરણ કરવામાં આવે તેમજ અલગ-અલગ ધર્મના લોકો પોતાની ધાર્મિક વિધિઓ કરી શકે તે માટે મંજૂરી આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું કે બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગ સાથે અનેક વખત ઇમેઇલ કરવામાં આવ્યા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

મહેશ જીરાવાલાના કેસમાં શરૂઆતમાં પરિવાર DNA મેચ છતાં મૃતદેહ તેમની જ હોવાની વાત સ્વીકારવા તૈયાર નહોતો. બાદમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા સળગેલી એક્ટિવાના એન્જિન અને ચેસીસ નંબર, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે મૃતદેહની ઓળખની પુષ્ટિ કરવામાં આવી હતી.

આ દુર્ઘટના 12 જૂન 2025ના રોજ બની હતી, જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 અમદાવાદથી લંડન જતી હતી. મેઘાણીનગર વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં કુલ 275 લોકોનાં મોત થયા હતા. તેમાં 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થતો હતો. મુસાફરોમાં 103 પુરુષ, 114 મહિલાઓ, 11 બાળકો અને 2 નવજાત શિશુ હતા, જ્યારે 12 ક્રૂ સભ્યો પણ વિમાનમાં હતા. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થયું હતું.

- Advertisement -

પરિવારજનો હવે માત્ર વળતર જ નહીં, પરંતુ પારદર્શક તપાસ, બ્લેક બોક્સ ડેટા જાહેર કરવાની કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular