નવજીવન ન્યૂઝ, આણંદ : આણંદ જિલ્લાના તારાપુર પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત (Fatal accident in Anand district) સર્જાયો હતો. હાઈવે પર સાઈડમાં ઉભી રહેલી ટ્રક પાછળ પૂરઝડપે આવતો કેરી ભરેલો ટેમ્પો ઘૂસી જતાં ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યાં હતા. જ્યારે પાંચ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તારાપુરા પાસે આવેલા ફતેપુરા ગામ નજીક માર્ગની બાજુમાં ઉભેલી ટ્રક પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. ટેમ્પોમાં સવાર તમામ લોકો દાહોદ જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે. ગમખ્વાર અકસ્માતમાં ટેમ્પોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતકોમાં બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આ મામલે ગુનો નોંધી તપાસ આરંભી છે.








