નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ : ગીર સોમનાથના ઉના તાલુકાના ઉમેજ ગામે એક કરૂણ ઘટના (Tragic incident in Gir Somnath district) બની છે. નાંદરખા ગામના શ્રમિકો ઉમેજ ગામે કૂવો ગાળવા ઉતર્યા હતા તે સમયે સર્જાયેલી દુર્ઘટનામાં બંનેના મોત (Two workers die while digging a well) નિપજ્યા છે. આ મામલે પોલીસે અકસ્માત મોત નોંધી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
ઉમેજ ગામે એક ખેતરમાં આવેલો 70 ફૂટ ઊંડા કૂવાને ગાળવાનો હતો. જેથી પાડોશમાં આવેલા નાંદરખા ગામેથી કૂવો ગાળવા શ્રમિકોને બોલાવ્યા હતા. દોરડું બાંધીને બે શ્રમિકો કૂવામાં ઉતર્યા હતા. આ સમયે દોરડું તૂટતા એક શ્રમિક બીજા પર પડતા બંને જણા કૂવામાં પટકાયા હતા. માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થતાં બંને મૃત્યુ પામ્યા હતા. બંનેના મૃતદેહ બહાર કાઢીને પીએમ માટે હૉસ્પિટલમાં મોકલી અપાયા હતા. આ ઘટનાના પગલે શ્રમિકોના પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.








