નવજીવન ન્યૂઝ, અમદાવાદ : વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના અનેક પરિવારો મોતને ભેટ્યા છે. કેટલાંક લાપતા થયા છે અને કેટલાંક અપહરણ/યાતનાનો શિકાર બની ચૂક્યાં છે. આમ છતાં ગેરકાયદેસર રીતે વિદેશ જવાની દોટમાં ઓટ આવી નથી. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચૌધરી સમાજના દંપતી સહિત 4 જણાને ગત ઑક્ટોબર મહિનામાં ઈરાનના તહેરાન ખાતે બંધક (Hostage in Tehran) બનાવીને યાતના આપવામાં આવી હતી. આણંદ જિલ્લાના એક યુવાન અને એક યુવતીને USA મોકલવાના બહાને અઝરબૈજાનમાં બંધક બનાવી ગત ફેબ્રુઆરી મહિનામાં 65 લાખની ખંડણી પડાવવામાં આવી હતી. આવી જ એક ઘટનામાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા અને ગેરકાયદેસર રીતે યુકે લંડન (London UK) જવા નીકળેલા પરિવાર સાથે બની છે. પરિવારને આફ્રિકા ખાતે બંધક બનાવીને (Ahmedabad Family Kidnap In Africa) 1.20 કરોડની ખંડણી માગવામાં આવતા આ મામલે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતો ચાર સભ્યોના એક પરિવારે ગેરકાયદે રીતે લંડન જવા માટે ઑનલાઈન ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કર્યા બાદ ચાંદખેડા મોટેરા સ્ટેડીયમ ખાતે રહેતા એજન્ટ પ્રિતેશ જોષીની ઑફિસે ગયા હતા. પ્રિતેશે વલસાડના દર્શન મિસ્ત્રીનો સંપર્ક કરાવ્યો હતો અને વ્યક્તિ દીઠ 30-30 લાખ નક્કી થયા હતા. ગત 20 એપ્રિલના રોજ પરિવારે વિદેશ જવા યાત્રા શરૂ કરી હતી. જેમાં તેઓ દિલ્હી, શ્રીલંકા અને દુબઈ થઈને ઇથોપિયા જવા રવાના થયા હતા. ત્યારબાદ તેઓ અચાનક લાપતા બન્યા હતા અને પછી ઓસ્ટ્રેલિયાના નંબરથી પરિવારની દીકરીને બાબ ખાન નામના અજાણ્યા શખસે ફોન કરી 1.20 કરોડની ખંડણી માગી. લોહીલુહાણ હાલતમાં ભાઈનો ફોટો મોકલ્યો અને પરિવારના સભ્યોની કીડની કાઢી લેવાની ધમકી આપી હતી. હાલમાં ઓથોરિટી આ આંતરરાષ્ટ્રીય હ્યુમન ટ્રાફિકિંગ સિન્ડિકેટ (International Human Trafficking Syndicate) ને પકડવા અને પરિવારને સુરક્ષિત બચાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.








