નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ ભારતીય ન્યાય વ્યવસ્થામાં ફરી એકવાર એક મહત્વનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે આખરે કોઈ જજ કઈ પરિસ્થિતિમાં કોઈ કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી શકે? તાજેતરના કેટલાક કેસોને કારણે ન્યાયિક પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. ક્યાંક જજ કોઈ કારણ આપ્યા વગર સુનાવણીમાંથી અલગ થઈ જાય છે તો ક્યાંક વિરોધ છતાં કેસની સુનાવણી ચાલુ રાખવામાં આવે છે.
તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટની જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ દારૂ નીતિ કેસમાં આરોપી દ્વારા કરવામાં આવેલી એ અરજી ફગાવી દીધી હતી જેમાં તેમને સુનાવણીમાંથી અલગ થવાની માંગ કરવામાં આવી હતી. અરજદારે દલીલ કરી હતી કે જજના સંતાનો કેન્દ્ર સરકારના પેનલ વકીલ હોવાથી નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉભા થઈ શકે છે. જોકે કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ રાજકારણી નક્કી નહીં કરે કે કયો જજ કેસ સાંભળે.
બીજી તરફ જુલાઈ 2024માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કુમારે એ જ દારૂ નીતિ કેસ સાથે જોડાયેલી જામીન અરજીની સુનાવણીમાંથી કોઈ કારણ આપ્યા વગર પોતાને અલગ કરી લીધા હતા. આ વિસંગતતા હવે સમગ્ર ન્યાયિક પ્રણાલી અંગે ચર્ચાનું કારણ બની છે.
ભારતમાં હાલમાં એવો કોઈ સ્પષ્ટ કાયદો કે નિયમ નથી જે નક્કી કરે કે કઈ સ્થિતિમાં જજને કેસમાંથી અલગ થવું જોઈએ. કોઈ ફરજિયાત માર્ગદર્શિકા નથી અને કારણ નોંધાવવાની પણ કાયદેસર ફરજ નથી. મોટાભાગે આ નિર્ણય જજની વ્યક્તિગત સમજ અને અંતરાત્મા પર આધારિત રહે છે.
આ મુદ્દે અગાઉ પણ અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે. વર્ષ 2019માં જમીન અધિગ્રહણ કાયદા સંબંધિત કેસમાં જસ્ટિસ અરુણ મિશ્રાએ પોતાના જ અગાઉના ચુકાદાની પુનઃસુનાવણી કરતી બેન્ચની અધ્યક્ષતા કરી હતી. અનેક વરિષ્ઠ વકીલોએ તેને હિતોના ટકરાવનો મામલો ગણાવ્યો હતો, છતાં તેમણે કેસમાંથી અલગ થવાનો ઇનકાર કર્યો હતો.
તે જ રીતે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ પોતાના વિરુદ્ધ લાગેલા યૌન શોષણના આરોપોથી જોડાયેલા મામલાની સુનાવણીમાંથી પણ પોતાને અલગ કર્યા નહોતા. બીજી તરફ ઘણા કેસોમાં જજોએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વગર સુનાવણી છોડીને અલગ થવાનો નિર્ણય લીધો હતો.
કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં હવે જજોના ‘રીક્યુઝલ’ માટે સ્પષ્ટ અને પારદર્શક નીતિ બનાવવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી એવી વ્યવસ્થા બનાવવાની માંગ ઉઠી રહી છે કે જેમાં કઈ પરિસ્થિતિમાં જજને કેસમાંથી અલગ થવું ફરજિયાત બને તે સ્પષ્ટ થાય.
નિષ્ણાતોના મતે હાલની અસ્પષ્ટ વ્યવસ્થા લોકોના ન્યાય પ્રત્યેના વિશ્વાસને અસર કરી શકે છે. જો નિયમો સ્પષ્ટ નહીં હોય તો દરેક મોટો કેસ જાહેર ચર્ચા અને રાજકીય વિવાદનો વિષય બનતો રહેશે.








