નવજીવન ન્યૂઝ, ડેસ્ક : પશ્ચિમ બંગાળમાં આવેલા સત્તા પરિવર્તનની સાથે જ એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પાડોશી દેશ બાંગ્લાદેશ તીસ્તા જળ વિવાદ (Teesta River Dispute India and Bangladesh) ને લઈને ચીન સાથે હાથ મિલાવવા તૈયારી કરી રહ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન ટૂંક સમયમાં ચીનની સત્તાવાર મુલાકાતે જવાના છે.
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત (Historic victory of BJP in West Bengal) બાદ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલું નિવેદન ઘણું સૂચક માનવામાં આવે છે. વિદેશ મંત્રી ખલીલુર રહેમાનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બનવાથી કોઈ ફેરફાર આવશે, ત્યારે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “બંગાળમાં હજુ નવી સરકારની રચના થઈ નથી અને તેઓ શું વિચારે છે કે ભવિષ્યમાં શું કરશે તે જાણવું મારું કામ નથી. બાંગ્લાદેશ હવે આ બાબતે હાથ પર હાથ ધરીને બેસી રહેશે નહીં અને પોતાના દેશના હિતોનું રક્ષણ કરવા માટે મક્કમતાથી આગળ વધશે.” તેમણે જણાવ્યું હતું કે, તીસ્તા નદી પરિયોજના તેમના દેશ માટે અત્યંત જરૂરી છે અને ચીન સાથેની વાતચીતના એજન્ડામાં આ પ્રોજેક્ટ અગ્રતાના ક્રમ પર રહેશે. બાંગ્લાદેશ આ પ્રોજેક્ટ માટે ચીન પાસેથી ઓછા વ્યાજ દરે લોન અને મોટા રોકાણની અપેક્ષા રાખી રહ્યું છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 54 નદીઓ વહે છે, પરંતુ અત્યાર સુધી માત્ર ગંગા અને કુશિયારા નદી પર જ સમજૂતી થઈ શકી છે. તીસ્તા નદીના પાણીના સમાન હિસ્સા માટે બાંગ્લાદેશ લાંબા સમયથી માગ કરી રહ્યું છે. 1983માં એક કામચલાઉ સમજૂતી થઈ હતી, પરંતુ તે ક્યારેય પૂર્ણ રીતે અમલમાં આવી નહીં. 2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના પ્રવાસ વખતે પણ આ મુદ્દે સહમતી સાધવાના પ્રયાસો થયા હતા, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારના વિરોધને કારણે આ કરાર હંમેશા અટવાયેલો રહ્યો છે.








