નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા હંસરાજનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ (Gas cylinder blast Rajkot) માં ચૌહાણ પરિવાર ગંભીર રીતે ઘાયલ થયો છે. ગત રાત્રિના પ્રચંડ ધડાકા સાથે સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠતા ઘટનાસ્થળની આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આગ અને બ્લાસ્ટની આ ઘટનામાં મહિલા સહિતના પાંચેય સભ્યોને રાજકોટ સિવિલ હૉસ્પિટલ (Rajkot Civil Hospital) માં ખસેડવામાં આવ્યા છે. આજીડેમ પોલીસે (Ajidem Police) સિલિન્ડર બ્લાસ્ટ કેવા સંજોગો અને કેવી રીતે થયો ? તેની જાણકારી મેળવવા ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટની મદદ લીધી છે.
કોઠારીયા રોડ ઉપર હંસરાજનગરમાં ભાડાની ઓરડીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના સતંદર ચૌહાણ (ઉ. 26), રિમાબહેન નિતેશભાઈ પનોજીયા (ઉ. 23), પરવેઝભાઈ ચૌહાણ (ઉ. 26), વિશાલ ચૌહાણ (ઉ. 23) અને શિવમ ચૌહાણ (ઉ. 23) ગઈકાલે રાત્રે પોતાની ઓરડીમાં હતા. જે દરમ્યાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠતા પાંચેય સભ્યો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. નવો ગેસ સિલિન્ડર લગાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.








