નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના ચાર પરિવારને ટ્રાવેલ એજન્સીના સંચાલકો લાખો રૂપિયાનો ચૂનો લગાવી (Travel agency cheated) ઑફિસ બંધ કરીને ફરાર થઈ ગઈ છે. ગત ડિસેમ્બર મહિનામાં થેલી 9.71 લાખ રૂપિયાની ઠગાઈ મામલે સેટેલાઈટ પોલીસે (Satellite Police) ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ તપાસ આરંભી છે.
Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં રહેતા વેપારી રોહિતભાઈએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ઓગસ્ટ 2025માં રોહિતભાઈએ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ પેકેજોની જાહેરાત જોઈને સેટેલાઈટ શિવરંજની સ્થિત કે. સી. હોલિડેઝ નામની કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપનીએ ફૂકેટ, ક્રાબી અને બેંગકોકની 8 દિવસ અને 7 રાતની ટ્રિપ (Thailand Tour) માટે પ્રતિ વ્યક્તિ 75 હજારનું પેકેજ ઑફર કર્યું હતું. જેમાં ટિકિટ, વિઝા અને રહેવા-જમવાની સુવિધાનો સમાવેશ થતો હતો. ફરિયાદી તેમજ અન્ય ત્રણ લોકોએ થાઈલેન્ડની ટ્રીપ માટે કુલ 9.71 લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં ચારેય પરિવારે પ્રસ્થાન કરવાનું હતું તેના દસેક દિવસ પહેલાં જ ટ્રાવેલ એજન્સીને તાળા મારી માલિક કિરણ ચંદ્રકાંત ચૌહાણ, પારુલબહેન ચૌહાણ અને કર્મચારી વિવેક ફરાર થઈ ગયા હતા. આ મામલે ભોગ બનનારાઓએ સેટેલાઈટ પોલીસમાં અરજી કરતા મહિનાઓ બાદ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો છે.








