નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : કેન્દ્ર સરકાર તમામ નવા સ્માર્ટફોનમાં પહેલેથી જ આધાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને આપે તેવો પ્રયાસ (Aadhaar App Mandatory Proposal) છેલ્લાં બે વર્ષથી કરી રહી છે. સરકારે આ મામલે અત્યાર સુધીમાં કુલ છ વખત પ્રયાસ કર્યા છે. જો કે, આ વખતે પણ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓએ યુઝર્સની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરતા આ પ્રસ્તાવને પડતો મૂકાયો છે.
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ આ વર્ષની શરૂઆતમાં આઈટી મંત્રાલયને વિનંતી કરી હતી કે, તેઓ Apple, Google અને Samsung જેવી કંપનીઓ તમામ નવા સ્માર્ટફોનમાં આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ કરેલી હોય. આ એપ્લિકેશનથી સામાન્ય લોકો માટે બેંકિંગ અને ટેલિકોમ વેરિફિકેશન જેવી સેવાઓ સરળ બને અને ડિજિટલ ઓળખની પહોંચ વધારી શકાય. આઈટી મંત્રાલયે (Union Ministry of IT) આ પ્રસ્તાવ પર સ્માર્ટફોન મેન્યુફેક્ચરર્સ સાથે ચર્ચા કરી હતી. જોકે, એપલ અને સેમસંગ જેવી મોટી કંપનીઓએ આ મામલે કેટલીક ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. કંપનીઓનું માનવું છે કે ફરજિયાત એપથી યુઝરની પ્રાઈવસી પર અસર પડી શકે છે. સિક્યોરિટી રિસ્ક પણ છે. ડિવાઈસની સુરક્ષા અને સોફ્ટવેર કમ્પેબિલિટીને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.








