Friday, May 1, 2026
HomeGujaratતમે હમણા પહેલા જેવુ આક્રમક કેમ લખતા નથી

તમે હમણા પહેલા જેવુ આક્રમક કેમ લખતા નથી

- Advertisement -

સામાન્ય રીતે આપણે તેવા મિત્રો પસંદ કરીએ છીએ જેઓ આપણને ગમતી વાત કરે છે અને તેમને ગમતી વાત આપણે કરીએ છીએ, આવી મિત્રતા બહુ લાંબી ચાલે છે કારણ કોઈ એક બીજીની મર્યાદાઓ ઉપર આંગળી મુકતા નથી, પરંતુ મારા સદ્દનીસબે મને એક સમવસ્ક ,કેટલાંક વડિલ અને કેટલાંક મારી કરતા ઉમંરમાં નાના મિત્રો મળ્યા, જેમણે મારી મારા મગજ, મારી સમજ , મારા પુર્વગ્રહો સહિત મારા વ્યવહાર ઉપર સમયાંતરે ચઢતી ઘુળને ખંખેરવાનું કામ કર્યુ છે, આજે જેવો હું છુ તેવો દસ વર્ષ પહેલા ન્હોતો, આપણે જેવા છીએ તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે ખાસ કરી આપણા મિત્રો અને પરિચીતો તેમનો પ્રભાવ આપણી ઉપર અજાણપણે છોડી જતા હોય છે, જેમ શેર બજારમાં કરેકશન આવે તેવુ જ કરેકશન આપણા જીવનમાં પણ જરૂરી છે, મારી સમજ અને વ્યવહારને મને કહ્યા વગર અનેક મિત્રો સુધારતા રહ્યા છે જેમાં હું ઉર્વિશ કોઠારી, કિરણ કાપુરે અને દિપક સોલીયાનો આભારી છુ.

કિરણ અને હું તો છેલ્લાં પાંચ વર્ષથી સાથે કામ કરીએ છીએ,એટલે અમે રોજ મળીએ છીએ, કિરણ મારી કરતા લગભગ દસ વર્ષ નાનો છે, પણ કહીશ તેની સમજ ખાસ્સી પાકટ છે, કિરણે ગાંધીને ખુબ વાંચ્યા છે તેના કરતા એવુ કહીશ કે કિરણ ગાંધીને સારી રીતે સમજી શકયો છે, ,કિરણની ગાંધી અંગેની જે સમજ અને ગાંધી સંસ્થામાં કામ કરતા બહુ ઓછા લોકોમાં જોવા મળે છે .કિરણ ઉમંરમાં મારી કરતા નાનો હોવા છતાં તેને જે કહેવુ હોય તે બહુ સરળતા મને કહી શકે છે તે સારી વાતની સાથે સાચી વાત બહુ સહજતાથી મારી સામે મુકે છે,ઉર્વિશ અને હું અભિયાન સાપ્તાહીક કાળથી મિત્રો છે, બંન્ને પ્રકૃતીગત બહુ જુદા માણસો છીએ પણ અમારી અંદર એવી કઈક બાબત છે જેમણે અમને અતુટ રાખ્યા છે,કદાચ બીજા માટેની નીસ્બત અમારી એક છે, દિપક પણ અભિયાન સમયનો જ મિત્ર જો કે તે મુંબઈમાં રહેતો હોવાને કારણે વર્ષે એકાદ વખત મળવાનું થાય છતાં અમે રોજ મળતાએ હોઈએ તેવુ લાગે.

- Advertisement -

દિપકની એક ખાસીયત છે તે પોતાની વાત હોય કે બીજાની તે કુંડાળાની બહાર ઉભો કરી વિચારી શકે છે,દિપક પણ ગાંધીને ખુબ સમજયો છે એટલુ જ નહીં ગાંધીના જીવનમાં પણ આપણા ખોવાયેલા જવાબ કેવી રીતે શોધવા તેણે મને શીખવ્યુ છે, સમયાંતરે મારૂ પત્રકારત્વ પોતાના પ્રવાહ બદલાતુ રહ્યુ છે, કારણ હું કોઈ એક બીબામાં ઢળી જવાનું પસંદ કરતો નથી, છેલ્લાં છ મહિનાથી હું જે પ્રકારનું પત્રકારત્વ કરી રહ્યો છુ,તેના કારણે મારી નજીકના મિત્રોનો મત છે કે હું પહેલા જેવુ આક્રમક લખતો નથી, ખરૂ કારણ મનમાં એક દ્વંધ ચાલી રહ્યો હતો, કારણ નવજીવનમાં કામ કરતા કરતા એક સમજ સ્પષ્ટ થઈ કે આપણે જે કઈ કામ કરીએ તે પરિણામમાં પરીવર્તીત થવુ જોઈએ, પણ આક્રમતાને નામે હું જે લખી રહ્યો છુ,તેમાં એક ગુસ્સો,નારાજગી અને કોઈની માટે ઘૃણા છે, મારી નીસ્બત તો દરેક માણસના જીવનમાં સારૂ થાય તેવી હોવી જોઈએ પણ આક્રમતાની લડાઈમાં નીસ્બત તો બાજુ ઉપર મુકાઈ જાય છે.

આ વિષયને લઈ હમણાં જ દિપક સાથે મારે લંબાણપુર્વક વાત થઈ,દિપકે મને ગાંધીએ કરેલા પત્રકારત્વને બહુ સારી સમજાવ્યુ, ,દિપક સાથે વાત કરતા મને સમજાઈ રહ્યુ કે આક્રમતાના ઘોડાપુરમાં લોકો આપણને બહાદુર સમજે છે તેવો એક છુપો આનંદ ઘોડાને દારૂ પીવડાવી પાગલ કરવા જેવો છે, ખરેખર તો લોકો આપણને ડરપોક સમજે કે બહાદુર તેનાથી જો કોઈ સામાન્ય માણસના જીવનમાં કોઈ ફેર પડતો નથી તો આપણે જે પત્રકારત્વ કરીએ છીએ તેનો કોઈ અર્થ નથી ગાંધીએ એકસો વર્ષ પહેલા નવજીવન દ્વારા પત્રકારત્વનો પ્રારંભ કર્યો,ગાંધીજી આઝાદીની લડાઈ નવજીવન મારફતે સામાન્યજન સુધી લઈ જવા માગતા હતા,, ગાંધી અંગ્રેજો સામે ખુબ લખતા હતા, ગાંધીના શબ્દમાં આક્રોશ જરૂર હતો, પણ અંગ્રેજો માટે ઘૃણા અને દ્વેષ ન્હોતો, આપણે જેમની વિરૂધ્ધમાં લખીએ તેમના માટે આપણા મનમાં કોઈ પ્રકારનો દ્વેષ અને ધીક્કાર આવવો જોઈએ નહીં નહીંતર આપણુ પત્રકારત્વ અપવિત્ર થઈ જાયય

દિપકે મને કહ્યુ મારી સાથે પણ આવુ અનેક વખત બને છે,કોઈક ઘટના પછી હું જયારે લખવા બેસુ ત્યારે મનમાં ખુબ ગુસ્સો આવે છે, ઘટના માટે જે કોઈ જવાબદાર હોય તેમને હું ધીક્કારવા લાગુ છુ પણ ત્યારે તરત હું દસ વખત ઉંડા શ્વાસ લઈ મારા મન અને વિચારને નિયંત્રીત કરૂ છુ કારણ મારા લખાણમાં હું મારા દ્વેષ અને ધીક્કારને સામેલ કરી શકુ નહીં, દિપક સાથે અગાઉ પણ અનેક વખત આ જ પ્રકારના વિષયની લઈ વાતો થઈ છે, આપણને બધા જ માણસો ગમે અને બધાને જ આપણે ગમીએ તેવુ કયારેય થવાનું નથી, પણ દિપકે મને સમજાવ્યુ હતું કે જે માણસો આપણને ગમતા નથી અથવા તેમનો વ્યવહાર આપણે પસંદ નથી તેવા માણસો આપણા જીવનમાં હોવા ખુબ જરૂરી છે કારણ આવા જ માણસો આપણા જીવનનું ઘડતર કરવામાં અજાણપણે આપણને મદદ કરતા હોય છે, દિપક ઈશ્વરમાં પણ માને છે તે કહે છે આપણે જેમને નક્કમા ગણીએ છીએ તેમને ઈશ્વરે પુથ્વી ઉપર મોકલ્યા છે તો ઈશ્વરનું પણ કઈક આયોજન હશે નહીંતર તેમને પૃથ્વી ઉપર મોકલતો જ શુ કામ.

- Advertisement -

હું લખતો રહીશ કારણ મને લખવુ ગમે છે પણ જેમના માટે પણ લખીશ તેમના માટે મનમાં દ્વેષ અને ધીક્કાર ના આવે તેની જરૂર કાળજી રાખીશ.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular