ઉર્વીશ પટેલ (નવજીવન ન્યૂઝ.ભાવનગર): ચૂંટણી વખતે પોલીસનો ભાજપ ભરપૂર ઉપયોગ કરે છે તેવા સતત આક્ષેપો વચ્ચે ભાજપના જ કદાવર નેતા સાથે ભાવનગરના જિલ્લા પોલીસ વડાની તસવીરો સામે આવી છે. જેને લઈને સવાલો ઊભા થયા છે કે શું અહીં પણ આચાર સંહિતાનો ભંગ નથી?
આમ તો આરોપો લોકો ગમે તે લગાવે અહીં કોઈના કાને પડતા નથી. એક સમયે ખુદ ચૂંટણી પક્ષ પર આરોપ લગાવાઈ ચુક્યા છે કે તે ફેર ઈલેક્શન કરાવે. ઈવીએમ પર આક્ષેપો છે, મતદાન વખતે વડાપ્રધાનના રોડ શો પર આરોપ છે, કોંગ્રેસ પર આરોપ છે એક થાળીમાં ખાવાનો, આમ આદમી પાર્ટી પર આરોપ છે બી ટીમ હોવાનો, આરોપ બધા જ ગંભીર છે તેની ના નથી પણ તેના ગંભીર પરિણામો આવ્યા નથી. ખેર હાલમાં આવો જ એક ગંભીર સવાલો ભાવનગર જિલ્લા પોલીસ વડા અને સત્તા પક્ષના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની BAPS મંદિરની મુલાકાતને લઈને ઊઠી રહ્યા છે. સર્વ પ્રથમ તમે આ તસવીરો જોઈ લો.







જેમાં મંત્રી જીતુ વાઘાણી અને ભાવનગરના એસપી નીતેશ પાંડેય નજરે પડે છે. સાથે જ સંજય મહેતા છે જેઓ પ્રિયા બ્લૂ ઈન્ડસ્ટ્રીઝનો મોટો ચહેરો છે. બીજા છે વિષ્ણુ કુમાર ગુપ્તા, આ બંને શીપ બ્રેકિંગના ધંધામાં બહુ મોટું નામ ગણાય છે. ઉપરાંત BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી દેખાય છે.
ભાવનગરમાં આ ધાર્મિક મુલાકાત હવે ચર્ચાનો વિષય બની રહી છે. રાજ્યના સત્તાધારી પક્ષના નેતા અને ધારાસભ્ય જીતુ વાઘાણી BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે BAPS સંસ્થાના મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. આ મુલાકાતની તસવીરો અને વિગતો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેને લઈને પ્રશ્ન ઊભો થયો છે કે એક સરકારી અધિકારી અને એક સત્તા પક્ષના નેતાની આ મુલાકાત શું આચાર સંહિતાનો ભંગ નથી?
આ સમગ્ર મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ બાબતે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જીતુ વાઘાણી સાથે ભાવનગરના જિલ્લા પોલીસ વડા પણ હાજર જોવા મળ્યા હતા, જેના કારણે ચર્ચાઓ શરૂ થઈ છે.
સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન લાગુ થતી આચાર સંહિતા મુજબ સરકારી અધિકારીઓએ રાજકીય રીતે તટસ્થ રહેવું આવશ્યક હોય છે. આવી પરિસ્થિતિમાં પોલીસ અધિકારીની હાજરીને લઈને સવાલો ઊભા થયા છે કે શું આ તટસ્થતાના નિયમોનું પાલન થયું છે કે નહીં.
જોકે, સોશિયલ મીડિયા પર શેર કરાયેલી પોસ્ટમાં સીધો કોઈ રાજકીય સંદેશ અથવા મત માંગવાનો પ્રયાસ દેખાતો નથી. પરંતુ હાલતમાં જ્યાં ચૂંટણી ટાંણે સત્તા પક્ષ ભાજપ પર પોલીસનો દુરુપયોગ કરવાના આરોપ લાગી રહ્યા છે તેવા સમયે ભાવનગર જિલ્લા પોલીસ વડાની આ પ્રકારની તસવીરો જોઈ લોકોને ખાખી પર કેટલો વિશ્વાસ કરવો તેની મુંઝવણમાં મુકી દેનારી છે. લોકોને પણ વિશ્વાસ હોવો જરૂરી છે કે પોલીસ ભાજપના ઈશારે નાચતી નથી. ચૂંટણી ટાંણે ભાજપની બંદૂક પોતાના ખભે મુકીને ફરતી નથી. ચૂંટણી સમયે ભાજપના સિક્રેટ ઓપરેશન્સને પાર પાડવાના નહીં પણ શાંતિપૂર્ણ ચૂંટણી થાય તેવા પ્રયાસો કરી રહી છે. આ વિશ્વાસ અપાવવો પડશે. જે સવાલ અમે જ્યારે ભાવનગર કલેક્ટર મનીષ બંસલને કર્યો ત્યારે તેમણે થોડું વિચાર્યું અને કહ્યું કે, ના, જીતુ વાઘાણી અને પોલીસ વડા સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક પ્રસંગમાં હાજરી આપે છે તેમાં આચાર સંહિતા ભંગ થતી નથી.
આવા મામલામાં અંતિમ નિર્ણય ચૂંટણી આયોગની તપાસ પર આધારિત રહે છે. જો કોઈ ફરિયાદ થાય, તો તપાસ બાદ યોગ્ય માર્ગદર્શન અથવા કાર્યવાહી થઈ શકે છે. હાલની પરિસ્થિતિમાં આ મુદ્દો સ્પષ્ટ ભંગ કરતાં વધુ સંવેદનશીલ અને ચર્ચાસ્પદ વિષય તરીકે જોવામાં આવી રહ્યો છે.








