Sunday, May 31, 2026
HomeGujaratમગજની અશ્લિલતાએ વડોદરાની દીકરીને રડાવી દીધી 'મેં એવો શું ગુનો કર્યો કે...'

મગજની અશ્લિલતાએ વડોદરાની દીકરીને રડાવી દીધી ‘મેં એવો શું ગુનો કર્યો કે…’

- Advertisement -

ઉર્વીશ પટેલ (નવજીવન ન્યૂઝ.વડોદરા): ગુજરાત જ નહીં દેશ દુનિયામાં ડાન્સ-નૃત્ય એક અલગ કલાની જેમ જોવામાં આવે છે. ઘણા ડાન્સના ટીવી શો લોકો પરિવાર સાથે બેસીને જુએ છે. આવા જ એક ખાસ ડાન્સને વડોદરાની યુવતી દ્વારા મ.સ. યુનિવર્સિટીમાં સ્ટેજ પર કરવામાં આવ્યો હતો. જેને અશ્લીલતામાં ખપાવી વિવાદ સર્જવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. જોકે સામાન્ય નજરે જોઈએ તો તેમાં અશ્લિલતા જેવું કશું છે જ નહીં. પરંતુ આ શખ્સોએ અને કેટલાક મીડિયાએ આ વીડિયોને અશ્લિલતાનું નામ આપીને એવો ચગાવ્યો કે આજે વડોદરાની આ દીકરી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી રહી છે.

દીકરીએ રડતા રડતા એક વીડિયોમાં પોતાની વેદના ઠાલવી છે. તે કહે છે કે, મેં એવો શું ગુનો કર્યો હતો. મેં તો ફક્ત એક ડાન્સ પર્ફોમન્સ કર્યું હતું. એક સીમ્પલ સાડી પહેરી હતી. દીકરીનો આ વીડિયો અમે અહેવાલના અંતમાં દર્શાવ્યો છે તે જુઓ તેના આંસુ ક્ષણ માટે પણ રોકાતા નથી. પરિવાર અને સંબંધીઓમાં હવે આ દીકરી કેવી નજરે જોવાશે તેની કોઈએ પરવાહ કર્યા વગર જાહેરમાં તેની આબરુ ઉછાળી દીધી. આવા શખ્સો પર શું કોઈ કાર્યવાહી થશે? તે એક મોટો સવાલ છે. મીડિયાએ પણ અહીં પોતાની જવાબદારી ભૂલીને એક સોશ્યલ મીડિયા ટ્રોલર જેવું કામ કર્યું છે. ખાસ કરીને આ કિસ્સામાં. જ્યાં આ દીકરી માટે આગળ શું થશે જ્યારે આ વીડિયોને આ રીતે લોકો સમક્ષ મુકવામાં આવશે. તે સમજને જર્નાલિઝમના કોર્સ વખતે જ ભણાવવામાં આવે છે છતા તે સમજણ બાજુ પર મુકવામાં આવી છે.

- Advertisement -

વડોદરાની મ. સ. યુનિવર્સિટી વિવાદોનું કેન્દ્ર રહી છે. અવારનવાર કોઈને કોઈ બાબતે અહીં રાજકારણ ખેલાતું રહે છે. દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં આ યુનિવર્સિટી એક મોટું નામ ધરાવે છે કારણ કે આ યુનિવર્સિટીમાંથી ઘણા દિગ્ગજોએ આજે દેશ-દુનિયાને કાંઈકનું કાંઈક મહત્વનું યોગદાન આપ્યું છે. તે બિઝનેશ હોય, કલા હોય, સાયન્સ હોય કે પછી ફાઈનાન્સ હોય. ઘણા ક્ષેત્રોની મોટી હસ્તિઓ, મોટા નામો પાછળ આ યુનિવર્સિટીનું નામ તેમના અભ્યાસની શ્રેણીમાં જોડાય છે.

હાલમાં જ વડોદરાની આ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો તો. જેમાં સંસ્કારો અને શિસ્તના મુલ્યોને ઉજાગર કરવાનો હેતુ હોવાનું કહેવાય છે. જોકે આ કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થિનીએ ડાન્સ પર્ફોમન્સ કર્યું હતું. જોકે અહીં કાર્યક્રમ કોનો છે તે મહત્વનું નથી. રાજકીય સંસ્થાઓ કોઈ દૂધે ધોયેલી નથી. ભૂતકાળ દરેકના દરેકને ખબર છે પરંતુ અહીં વાત એક એવા વીડિયોની છે જ્યાં એક દીકરીના ભાવીને જોખમમાં મુકીને જાહેર કરવામાં આવ્યું. તેના આક્ષેપ પ્રમાણે તેની પરવાનગી વગર તેનો વીડિયો એવી રીતે વાયરલ કરવામાં આવ્યો કે આ દીકરી માટે હાલમાં સ્થિતિ ગળેથી કોળિયો ઉતરે નહીં તેવી થઈ ગઈ છે. એવી સ્થિતિ ઊભી કરી છે કે આ દીકરી ફરી સ્ટેજ પર પર્ફોમ કરતા પહેલા કેટલી ભયભીત રહેશે?

આ વિદ્યાર્થિનીને હાલમાં સોશ્યલ મીડિયા પર અભદ્ર રીતે લોકો ટ્રોલ કરી રહ્યા છે. આ એવી વાત છે કે પીળું ના હોય ત્યાં પણ પીળું જ દેખાય. ખોટા સંસ્કારોની શેખી મારતા મીડિયા અને સોશ્યલ મીડિયાના સંસ્કારોના ઠેકેદારોએ ભરપુર રીતે આ છોકરીને ભાંડવાનું ચાલુ રાખ્યું છે. જ્યારે આ જ સંસ્કારોની વાતો કરતા લોકો ઈન્સ્ટાગ્રામ પર એક બીજાને કેવી રિલ્સ ફોર્વર્ડ કરતા હોય છે તે જુઓ તો એનું મોઢું વિલાયેલું થઈ જાય. એક બાજુ દીકરીઓને આગળ વધવાની વાત કરાય છે ત્યાં બીજી બાજુ તેને સંસ્કારોના નામે બંધનમાં પણ રાખવી છે. આવી જ આ ઘટના છે. આર્ટ્સ ફેકલ્ટીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. દીકરીએ એક સુંદર પર્ફોમન્સ આપ્યું હતું. જોકે આ વીડિયો પણ તમે જુઓ અને તમારી રીતે નક્કી કરો કે આમાં અશ્લિલતા જેવું છે શું? હાલ આ દીકરીને એક જવાબદાર મીડિયા તરીકે એટલું જ કહીશું કે, હિંમત રાખજે, આમાં તે કશું ખોટું કર્યું નથી. તારી હિંમતથી આવા શખ્સોને જવાબ આપજે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular