નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરત શહેરમાં સ્થાનિક ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર દ્વારા ચોંકાવનારી ઘટના સામે આવી છે, તો બીજી તરફ વિવિધ બેઠકો પર રાજકીય હલચલ પણ વધી છે.
ફોર્મ ન ભરાતા આવેશમાં પગલું
વોર્ડ નંબર 14ની AAP ઉમેદવાર ગૌશાલી ચાચરે કલેક્ટર ઓફિસ ખાતે ફિનાઇલ પી લેવાની ઘટના બની હતી. માહિતી મુજબ ટેકનિકલ કારણોસર તેમનું ઉમેદવારી ફોર્મ ભરાઈ શક્યું નહોતું, જેના કારણે તેમણે આવેશમાં આવી આ પગલું ભર્યું હતું.
તાત્કાલિક સારવાર
ઘટના બાદ હાજર લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગૌશાલી ચાચરને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સોશિયલ મીડિયા ચહેરો મેદાનમાં
AAPએ વોર્ડ નંબર 29માં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંહને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહી લોકોના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે અને હવે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
ભાજપે પૂર્વ મેયરને ફરી તક
બીજી તરફ ભાજપે પૂર્વ મેયર દક્ષેશ માવાણીને ફરી ટિકિટ આપી છે. વોર્ડ નંબર 6માંથી ઉમેદવારી કરનાર માવાણીએ સ્વચ્છતા અને વિકાસને મુખ્ય એજન્ડા તરીકે આગળ વધારવાની વાત કરી છે.








