Thursday, April 16, 2026
HomeGeneralકોઈ કહે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો? :...

કોઈ કહે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો? : સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની દલીલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : દક્ષિણ ભારતના સબરીમાલા મંદિર (Sabarimala Temple Controversy) માં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર ચાલી રહેલા પ્રતિબંધના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં મહત્ત્વની સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે (K M Nataraj ASG) પરંપરાઓનું સમર્થન કરતા દલીલ કરી હતી કે, દરેક મંદિર અને ધાર્મિક સંપ્રદાયની પોતાની આગવી માન્યતાઓ હોય છે. જેને માત્ર કાયદાકીય માપદંડો કે સ્ત્રી-પુરુષના સમાન અધિકારોના દ્રષ્ટિકોણથી ન જોવી જોઈએ.

એડિશનલ સોલિસિટર જનરલ નટરાજે આ બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ આપતા કહ્યું કે, જેવી રીતે શાકાહારી મંદિરોમાં નોનવેજ લઈ જવાની મનાઈ છે તેવી જ રીતે સબરીમાલાની પરંપરાઓ પણ ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે જોડાયેલી છે. વ્યક્તિને બંધારણીય રીતે ગમે તે ખોરાક લેવાની છૂટ હોઈ શકે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે પોતાની જીદથી મંદિરની વર્ષો જૂની પરંપરા (Temple’s Old Tradition) અને અન્ય લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે. આમ, તેમણે ધાર્મિક પરંપરાઓને બંધારણીય અધિકારો કરતા અલગ રાખીને જોવાની અપીલ કરી હતી.

- Advertisement -

ASG નટરાજે દક્ષિણ ભારતના મંદિરોમાં દારૂને પ્રસાદ તરીકે ધરાવવાની પરંપરાનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે, કોઈપણ બહારની અદાલત એ નક્કી ન કરી શકે કે કયા સંપ્રદાયે કઈ પરંપરા પાળવી જોઈએ. ભલે કોઈ પરંપરા કોઈને સાચી લાગે કે ખોટી, પરંતુ તે ચોક્કસ સંપ્રદાયનો આંતરિક વિષય છે. જો કે, આ દલીલ સામે જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ અવલોકન કર્યું હતું કે, જ્યારે બે જૂથો વચ્ચે માન્યતાઓને લઈને વિવાદ કે ટકરાવની સ્થિતિ ઊભી થાય ત્યારે અદાલતની ભૂમિકા અનિવાર્ય બની જાય છે. જો કોઈ વ્યક્તિ પૂજા કરવાની પદ્ધતિને પડકારે, તો કોર્ટે પુરાવાઓના આધારે દરમિયાનગીરી કરવી પડે છે.

આ સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા (Tushar Mehta Solicitor General) એ પણ મહત્ત્વની દલીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં એવા પણ અનેક મંદિરો છે જ્યાં પુરુષોનો પ્રવેશ વર્જિત છે. આવી પરંપરાઓને પુરુષોના અપમાન તરીકે જોવાને બદલે તેને ધાર્મિક માન્યતા અને પરંપરાના ભાગ રૂપે જોવી જોઈએ. આમ, સબરીમાલા કેસમાં પરંપરા અને બંધારણીય અધિકારો વચ્ચેના સંઘર્ષને લઈને કોર્ટમાં ઉગ્ર દલીલો ચાલી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular